
સમદરના પેટાળમાંથી જેમ શંખ છીપલાં ને સાચાં મોતીડાં મળી આવે છે એમ લોકજીવનમાંથી અનેક કહેવતો, વહેમો અને માન્યતાઓ મળી આવે છે, એમાંની એક સવારના પહોરમાં આંગણામાં આવીને કાગડો બોલે તો મનગમતાં મહેમાન આવે કે વિદેશ ગયેલો પિયુ પાછો આવે. કાગડો રોજ આવીને કા...કા...કા કલરવ કરતો પણ આવું કંઇ બન્યું નહીં એટલે કંટાળેલી બાઈએ કાગડાને ઉડાડવા મશ્યે હા..આ...ટ્...ટ અવાજ કરીને હવામાં હાથ ઉછાળ્યો. આ ચમત્કારિક ક્ષણોને લોકકવિએ દૂહામાં આ રીતે કંડારી લીધી.
કાગ ઊડાવણ ધણ્ય ખડી,
આયો પિવ ભડક્ક,
આઘી ચૂડી કાગ-ગળ,
આધી ભુંય તડક્ક.
અર્થાત્ ઃ ચીરવિરહિણી ઘરધણિયાણી કાગડાને ઉડાડતી ઊભી હતી. ત્યાં તો એકાએક વર્ષોથી જેની વાટ જોતી હતી એ એનો પિયુ આવી પહોંચ્યો. એની અસર કેવી થઈ ? હાથમાં પહેરેલ ઘણી ચુડીઓમાંથી અરધોઅરધ તો (કાંડું વિરહને લીધે દુબળું હોવાથી) નીકળીને કાગડાના ગળામાં પરોવાઈ ગઈ, પણ તત્ક્ષણે જ પાછું હરખથી શરીર પ્રફૂલ્લ બનતાં તત્કાળ કાંડું ફૂલી ગયું, એટલે બાકીની અરધી ચુડીઓ તડાક દેતી તૂટીને ભોંય પર જઈને પડી.
બુદ્ધિ, કલ્પના અને ઊર્મિ ત્રણેને એકી સાથે પકડી લઈ કવિતાની ફોરમ રેલાવતો આ દૂહો બારમી શતાબ્દીમાં વિદ્વત્તાવતાર હેમચંદ્રાચાર્યે જનતાની જીભે રમતાં જૂના અપભ્રંશ સુભાષિતોમાંથી આ પ્રમાણે નોંઘ્યો હોવાનું મેઘાણીભાઈ લખે છે ઃ
વાયસુ ઉડ્ડાવન્તીણ્ (ણ)
પિઉ દિઠ્ઠઉ સહસત્તિ
અઘ્યા વલયા મહિહિગય
અદ્ધા ફૂટ તડન્તી
આ દૂહો જેટલા વર્ષ જૂનો છે એમાંથી અનેકગણો જૂનો પશુ-પંખીઓનો ઇતિહાસ છે, કચ્છ, કાઠિયાવાડના મલકની સોહામણી ધરતીની કાળી, રાભડી, ભૂખરી, ગોરાડું ભોં માથે લીલીકુંજાર વાડીઓ, સૂકીભંઠ વીડીઓ, પાતળપેટી નદીઓ, લહેરાતાં તળાવડાંની કોર-પેટાળથી માંડી ઘર-આંગણાના કોર-પરથાળેથી ચણ-કણ વીણી ખાતાં રંગ, રૂપ અને મઘુરા અવાજવાળાં પંખીઓ ગ્રામ સંસ્કૃતિની શોભા છે. કવિઓએ કિલોલ્લતા આ પંખીડાઓને પ્રકૃતિના દરબારના ગાયકો ગણાવ્યાં છે, પણ આ ગાયકોની ગણતરીમાં ન આવતા કાળા રંગના કાગડાની કથા આજ માંડવી છે. એવું કહેવાય છે કે ચોપગાં જાનવરોમાં શિયાળિયું, માણસ જાતમાં ચારણ, વાણિયો ને વાળંદ, અને પક્ષીની નાતમાં કાગડો ચતુર ગણાય છે. પુરાણોમાં કાગડા માટેની અનેક મજાની કલ્પનાઓ જોવા મળે છે. ‘કાગડાને આપણે’ ‘કાગૠષિ’ કહીએ છીએ. હું ધારું છું કે બધા પક્ષીઓમાં કાગડાને ૠષિનું ઉપનામ એટલા માટે આપવામાં આવ્યું છે કે કાગડાઓ સવારમાં વહેલા જાગીને નદી કે સરોવર જેવા સ્થળે પહોંચીને સ્નાન કરે છે. ઘણીવાર તેઓનાં ટોળાં તે માટે બે ચાર કે તેથીયે વધારે માઈલ ઊડીને જતાં જોવામાં આવે છે એમ પ્રકૃતિવિદ્દ વજુભાઈ વ્યાસ નોંધે છે.
સંસ્કૃત ‘કાક’ ઉપરથી ‘કાગ’ અને કાગડો શબ્દ આવ્યો છે. કાગડાને હંિદીમાં ‘કાગરવા’ ગુજરાતીમાં ‘કાગરાજ’, ‘‘કૌવો,’ ‘કાકા’, ‘હાડિયો’ વાયસ’ વગેરે નામે ઓળખવામાં આવે છે. ‘કાગ’ શબ્દના અર્થ પણ કેટકેટલા ! જુઓ કાગ એટલે (૧) કાક નામનો એક ગ્રહ. (૨) ગળાનો કાકડો (૩) બિસ્કીટ-નાસ્તાની એક વાનગી. (૪) ચારણોની એક અટક (દુલાભાયા કાગ) (૫) એક જાતની માછલી. (૬) ગાગર (૭) હોંશિયાર, લુચ્ચું, ઠગ ઇત્યાદિ.
‘કાગ’ ઉપરથી ઊતરી આવેલા કેટકેટલા ગુજરાતી શબ્દો ભગવદ્-ગોમંડલમાં નોંધાયા છે ! ઉ.ત. ૧. કાગદ્રષ્ટિ - કાગડા જેવી તીક્ષ્ણ નજર. ૨. કાકતાડી ન્યાય - કાગડાને બેસવું ને તાડના ફળનું પડવું. ૩. કાગરાશ-કાગડાની બોલી. ૪. કાગરાશિઓ - ભવિષ્ય ભાખનાર બ્રાહ્મણ - ભોગળભટિયો. ૫. કાગરાશી - ભવિષ્ય જાણવાની વિદ્યા ૬. કાગવાણી - કાગડાનો અવાજ. ૭ કાગવાસ-શ્રાદ્ધને દિવસે પિતૃ નિમિત્તે કાગડાનો આપવામાં આવતો બલિ, કાગડાનું રહેઠાણ,- કાગડાને બોલવવા કાગડાની જેમ બોલવું, પીળા રંગનું કાળાશ પડતું અરબસ્તાની મોતી. ૮. કાગવાસી-પશુ પક્ષીની ભાષા જાણનાર. ૯. કાગવિદ્યા - કાગડાની ભાષા જાણવાની વિદ્યા, જાદૂ, ઠગવિદ્યા, તેલિયા રાજાની વિદ્યા,કર્ણપિશાચ વિદ્યા ૧૦ કાગા નીંદર - અર્ધીપર્ધી ઊંઘ, કાગડા જેવી ઝટ ઊડી એવી ઊંઘ. ૧૧ કાગાબાસી ભંગ - મથુરાના ચોબાથી સવારે લેવાતી ભાંગ, બપોરે લેવાની ભાંગ ભોગવિલાસી અને સાંજ પછી લેવાની ભાંગને સત્યનાશી કહે છે. ૧૨. કાગોલિયા-કાગડાના બચ્ચાં. ૧૩. કાગસર-કાશ્મીરનું પ્રાચીન નામ. ૧૪. કાગિયો-કાગડાને ખવરાવવાનો લાડવો. ૧૫. કાગાસુર-કંસે કૃષ્ણને મારવા મોકલેલ રાક્ષસ-કૃષ્ણે એને માર્યો હતો. ૧૬. કાગામૂંડો - ઢોંગી. ૧૭. કાગારોળ - કાગ એટલે કાગડો, રોળ એટલે એટલે અવાજ, કાગડાની માફક કકળાટ કરી મૂકવો, રડારોળ કરવી. ૧૭. કાગડિયો કુંભાર - કાગડાને મળતું લાંબી પૂંછડીવાળું પક્ષી ૧૮. કાગડિયો-કાઠિયાવાડી અશ્વની એક જાત. ૯૧. કાગડા ટોપી -કાગડાની પૂંછડી જેવા પાછળ ફૂમતાંવાળી ટોપી. ૨૦ કાગડા કેરી - આંકડાના છોડ ઉપર થતું કેરી આકારનું ડોડવું. ૨૧. કાગડી-માદા કાગડો, ચાલાક સ્ત્રી, ચકોર બૈરી, ગાડાની બે ઊંઘની પિત્તળથી જડેલી અણી. ૨૨ કાગભૂશંડી-એક ૠષિ. તે પૂર્વે બ્રાહ્મણ હતો. જ્ઞાન માટે ફાંફાં મારતો લોમશ મુનિ પાસે આવ્યો. લોમશ મુનિને એકલા જ્ઞાનનો અને બ્રાહ્મણને જ્ઞાનવાળી ભક્તિનો મોહ હતો. વાતો કરતાં બે વચ્ચે વાંધો પડ્યો. લોમેશે બ્રાહ્મણને શાપ આપ્યો, કે ‘જેમાં તેમાં તું શંકા કરે છે માટે કાગડો થઈ જા.’ બ્રાહ્મણે આ શાપ રાજી થઈને સ્વીકાર્યો. કાગડો બનેલ બ્રાહ્મણ ‘કાગભૂશંડી’ તરીકે ઓળખાયો. રામાયણમાં જણાવ્યા મુજબ કાગભુશંડીજી ૠષિએ રામમાહાત્મ્ય વાંચી સંભળાવેલું અને તેથી તેઓ મહાન રામભક્ત ગણાયા. બુદ્ધિમાન અને જ્ઞાનમુનિ કાગ ભુશંડીજીએ પંખીસમૂહને કથાઓ દ્વારા ઘણું જ્ઞાન આપ્યું છે.
નિયંતાએ પંખી માતરને જુજવિયું એવી જ્ઞાન, ભાન ને સમજ આપી છે, પણ સૌથી વધારે જ્ઞાન, સમજ અને ચતુરાઇ રંગેરૂપે વરવા એવા કાગડાને જ આપી છે. તેને રૂપ, રંગ અને કંઠનો જે વસવસો હતો તે વિધાતાએ બુદ્ધિમત્તા અને ચતુરાઇના ઠાઠ આપીને પૂરો કર્યો છે. કાગડાની ચતુરાઇની પાંચેક હજાર વર્ષ પુરાણી વારતા હડપ્પન સંસ્કૃતિના અવશેષો જ્યાં મૂકાયાં છે એવા લોથલના સંગ્રહસ્થાનમાંથી આકસ્મિક રીતે મળી. બીના એવી બની કે પુરાતત્ત્વખાતાને ૨૫ વર્ષ પૂરાં થયાં ત્યારે એમાં રસ ધરાવનારા પચ્ચીસેક વિદ્વાનોનો પ્રયાસ ગોઠવાયેલો. એમાં હું અને લોકકલા-લોકસંસ્કૃતિના તજજ્ઞ ખોડીદાસ પરમાર પણ હતા. લોથલ સંગ્રહસ્થાનમાં ફરતાં ફરતાં મેં તૂટેલા પ્રાચીન વાસણનો મોટો ટુકડો ઉપાડ્યો. એના પર રાતા કાળા રંગથી દોરેલા આછા ચિતરામણો હતાં. ખોડીદાસ પરમાર તરત જ બોલી ઊઠ્યા ઃ ‘અરે...આ તો કાગડા ને કુંજાની પેલી વારતા છે.’ વારતા છે. એક કાગડો તરસ્યો થયો. ઉડતો ઉડતો માટીના કુંભ પાસે આવ્યો, કુંજાનું મોં સાકડું હતું. તેમાં પાણી હતું પણ ઊંડું હતું. બીજા પક્ષીઓ આવીને નિરાશ થઈને ઊડી જતાં પણ ચતુર કાગડાએ બુદ્ધિ દોડાવી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો. તેમાંથી ચાંચ વડે એક એક કાંકરો નાખવા લાગ્યો. કુંજામાં કાંકરા નાંખવાથી પાણી ઊંચે આવ્યું. કાગડો પાણી પીને ઊડી ગયો, જોરાવરિસંહભાઈ, હડપ્યન પ્રજાને આ વારતાનું એ કાળે જ્ઞાન હશે ! વારતા કેટલી પ્રાચીન છે ? આપણે ત્યાં લોકાચારમાં અને પરંપરામાં બુદ્ધિમાન માણસને ચતુર કાગડા જોડે આજેય સરખાવાય છે ને !’
કાગડો ભારતીય લોકજીવનમાં ઘણાં જૂનાકાળથી જાણીતો છે. વૈદિક-કાળ, પૌરાણિક કાળમાં તો તેની કથાઓ પણ મળે છે. જેમકે રામ, સીતા અને લક્ષ્મણ વનમાં ગયાં ત્યારે ચિત્રકૂટમાં રહ્યાં હતા. ત્યારે ઇન્દ્રપુત્ર જયંત સીતાજીના રૂપથી મોહીને કાગડો બન્યો અને સીતાજી સરયૂ નદીની એક શીલા માથે બેઠેલાં ત્યાં જઈ એમનાં પગે ચાંચ મારી. (એ જગ્યા પર સીતાજીના પગલાંની પથ્થર પડેલી છાપ આજે દર્શાવાય છે.) એ અપરાધ માટે શ્રી રામે તેની એક આંખ ફોડીને જવા દીધો, તે ઉપરથી ગ્રામલોકોએ એવી કથા ઉપજાવી કાઢી કે ત્યારથી કાગડાને એક જ ડોળો હોય છે. તે બંને બાજુએ ફેરવે છે. તેથી ‘ચકી પડી ખીરમાં, ચકો નિમાણો, કાગડો કાણો.’ એમ વારતા કહેવતમાં આજલગી કહેવાતું આવ્યું છે. (આથી કાણિયા માણસને મજાકમાં ‘કાગડો’ કહે છે.) કંિવદંતી કહે છે કે કાગડાને એક જ ડોળો છે. એ ડળક ડળક ફર્યા કરે છે, એને કારણે જોતી વખતે આખું માથું હલાવ્યા કરે છે. સ્થિર માથું રાખીને જોઈ શકતો ન હોવાથી આવી લૌકિક માન્યતા ઉદ્ભવી હશે. બાકી કાગડાને ઈશ્વરે બે આંખો અને બે ડોળા આપ્યા છે એમ પક્ષીવિદો કહે છે.
ભારતના બે મહાન ગ્રંથો રામાયણ અને મહાભારતમાં કાગડાનો વારંવાર ઉલ્લેખ થયેલો જોવા મળે છે, એટલે એ સમયે કાગડાનું અસ્તિત્ત્વ હોવાનું સ્હેજે અનુમાન થાય છે. રામાયણમાંથી મળતા એક ઉલ્લેખ અનુસાર રામના વનવાસ વખતે સીતાજીનું હરણ થયું. લંકામાં સીતાજી એકલાં બેઠાં છે ત્યારે કાગડો આવીને કા...કા...કા... કરીને સંદેશો આપીને ઉડી જાય છે. એથી સિતાજીને લાગે છે કે હવે રામ અવશ્ય આવશે.
રાજનીતિના શિક્ષણમાં કાગડાની બુદ્ધિ ચતુરાઈ તેમજ ચકોરપણાને અગ્રસ્થાન જૂનાકાળથી અપાયું છે. મહાભારતના સૌપ્તિક પર્વમાં પણ કાગડો આવે છે. પાંડવો અને કૌરવો વચ્ચેના ખુનખાર યુદ્ધમાં દુર્યોધનના પતન પછી અશ્વત્થામા વગેરે મહારથી પૂર્વ દિશામાં નાઠા. એક વૃક્ષ નીચે રાત ગાળી. અશ્વત્થામાને રાતે નંિદર ન આવી. એના મનમાં વેરનો અગ્નિ સળગતો હતો. રાત્રે વૃક્ષ ઉપર જોયું તો કાગડાઓ નિરાંતે ઉંઘતા હતા. એવામાં ધુવડ આવ્યું. એણે રાત્રીના અંધકારનો લાભ લઈ કાગડાઓને આડાઅવળા કરવા માંડ્યા. પાંખો તોડી નાખી. માથાં તથા પગ ભાંગી નાખ્યાં. આ દ્રશ્ય જોઈને અશ્વત્થામાને પણ પેલા ધૂવડની જેમ ઝનૂન ચડ્યું, એટલે રાત્રે જ પાંડવોની છાવણીમાં જઈ ધુવડની પેઠે હૂમલો કરવાનું નક્કી કર્યું એમ પક્ષિવિદ્ શ્રી વજુભાઈ નોંધે છે.
મહાભારતના શાંતિપર્વમાં એક જગ્યાએ એવો ઉલ્લેખ મળે છે કે રાજાએ પશુપક્ષીઓ પાસેથી શું શું શીખવા જેવું છે ? તો કહે ઃ ‘હે રાજા ! ભારે શત્રુની સમીપ રહીને કૂતરાની પેઠે સતત જાગૃત રહેવું. મૃગની પેઠે નિત્ય ભયચકિત રહેવું. કાગડાની પેઠે બીજાના અભિપ્રાયો જાણતા રહીને મિત્ર ધર્મનો આશ્રય કરવો, અને તે પ્રમાણે વર્તીને શત્રુના ઘાટ ઘડવાના ઉપાય રચવા...કોયલ જેમ પોતાનાં બચ્ચાંને બીજા (કાગડા)ની પાસે ઉછરાવે છે તેમ રાજાએ ખેતી, વેપાર વગેરે બીજાની પાસે કરાવીને સિદ્ધિ મેળવવી.’
મહાકવિ કાલિદાસે ‘મેઘદૂત’માં કાગડાને ચૈત્યવૃક્ષે માળો બાંધનાર કહ્યો છે. પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં કાગડાના જાતિ લક્ષણ અને સંદેશાવાહક તરીકેના ઘણા ઉલ્લેખો આવે છે.
પંચતંત્રમાં કાગડાની ઘણી વાતો આવે છે. બાળમાનસને જચેપચે તેવી ઘણી બાળવારતાઓમાં કાગડો ખલનાયક તરીકે અથવા ‘વાદીલા’ તરીકે વર્ણવાયો છે. ઉ.ત. પોપટ અને કાગડો, હંસ અને કાગડો, પીંછાળો કાગડો, આનંદી કાગડો, ખાઉં કોઢીબડું બડુક બડુક વગેરેમાં રંગીન સ્વભાવ અને ગંદી ટેવો વગેરેનું જ્ઞાન બાળકોને વારતાઓ વડે પ્રાપ્ત થાય છે. પંચતંત્રની વાતોમાં કાગડાની બુદ્ધિનાં ભારે વખાણ કરવામાં આવ્યા છે. આ બુદ્ધિશાળી કાગડાને અને ધુવડને આડવેર કેમ છે તેનું પણ રહસ્ય છતું કર્યું છે ઃ
એકવાર હંસ, મોર, પોપટ, ધુવડ, કપોત, કોયલ, પારેવા, કુકડા વગેરે પક્ષી ભેગાં થઈ વિચારવા લાગ્યા કે આપણા રાજા ગરૂડ છે પણ તેઓ શ્રી વાસુદેવની સેવામાં જ અહર્નિશ રહે છે એટલે આપણા સુખદુઃખના પ્રશ્નોમાં ઘ્યાન આપતા જ નથી. આથી તેમને દૂર કરી ધુવડને રાજા બનાવીએ. કાગડાને આ વાત ગમી નહીં, એટલે ધુવડના રાજ્યાભિષેક વખતે કાગડો એના અવગુણ ગાવા માંડ્યો ઃ ‘ધુવડ તો વરવો છે, કાળો છે. રાત્રે જ જાગનારો નિશાચર છે. દિવસે સંતાઇ જાય છે. એનું મોઢું તો જુઓ. કેવું બિકાળવું છે ?’ આવા દોષો બતાવતા ધુવડનું રાજા થવાનું ટળી ગયું. બસ ત્યારથી આજપર્યંત કાગડાને ને ધુવડને જૂના વેર ચાલ્યા આવે છે. ધુવડ રાત્રીનો રાજા હોવાથી કાગડાને ખૂબ જ પજવે છે. લાગ મળે તો એનાં ઇંડાં ફોડી આવે છે, પરંતુ દિવસે જો ધુવડ કાગડાની નજરે ચડી જાય તો કાગડા ભેગા થઈ એને દૂરદૂર ભગાડી મૂકે છે એટલે ધુવડ રાત્રે એનું વેર લે છે, લોકજીવનમાં કાગડો, એનાં લક્ષણો અને કહેવતો આવતા અંકે ઃ ચિત્ર ઃ નટુ મિસ્ત્રી
|