.
| Last Update : 22-Jan-2012,Sunday |
|
|
| |
|
|
|
|
|
 |
|
બે હજાર બારના બાર મહિનાની બાર ફિલ્મો! |
ફિલ્લમ ફિલ્લમ
|

બે હજાર બારમાં ટોચ પર બેઠેલા સૌ કોઈને કસોટીમાંથી પસાર થવાના યોગ હોય એવું લાગે છે. માયાવતીના હાથીઓ ગુલાબી બને છે અને સફેદ લૂંગી પર ચડું-ચડું કરતી કાળાશ બાબા રામદેવના ચહેરા પર ઢોળાય છે. બોલીવુડમાં પણ રથીઓ અને મહારથીઓના રથ કળણવાળી જમીનમાં પૂરપાટ વેગે દોડાવવાના ખેલ આ વરસે મંડાવાના છે.
આવતા અઠવાડિયે આવી રહેલી ‘અગ્નિપથ’ની રીમેકથી ખેરખાંઓની કસોટીની શરૂઆત થવાની છે. રીતિક રોશને અમિતાભના પેંગડામાં પગ નાખવાની અને વિજય દીનાનાથ ચૌહાનને નવેસરથી પરદે લાવવાની હંિમત કરી છે. માસૂમ ચહેરો ધરાવતો રીતિક આ ફિલ્મમાં અમિતાભે કરી હતી તેવી કમાલ કરી શકશે કે કેમ તે માત્ર અને માત્ર અટકળનો વિષય છે.
સંજય દત્તે ડેનીની શયતાનિયત ઉજાગર કરવા માટે અભિનય કરતાં ગેટઅપ પર વધારે મદાર રાખ્યો છે. અમિતાભને જીવનનો પહેલો નેશનલ એવોર્ડ અપાવનારી આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે પહેલા અઠવાડીયે અમિતાભના બદલાયેલા અવાજના કારણે (અને તે સમયે ડોલ્બી સાઉન્ડ ન હોવાના લીધે) ક્લીક ન્હોતી થઈ. તે પછી અમિતાભના અસલ અવાજમાં ડબ કરીને થિયેટરો સુધી પહોંચાડવામાં આવેલી નવી પ્રિન્ટો પણ આ ફિલ્મને જોઈતો ધંધો આપી શકી ન્હોતી. જો કે, તે પછી આ ફિલ્મ ઘણા-બધાની ફેવરીટ બની શકી છે.
અત્યારે ઘણા-ખરાની ફેવરીટ બની ચૂકેલી વિદ્યા બાલન પણ આ વરસે ‘કહાની’ ફિલ્મથી પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરશે. આ ફિલ્મમાં પણ તેનો ઉભાર જોવા મળશે. જોકે આ વખતે તેના પેટનો ઉભાર ચર્ચામાં રહેશે. કારણ કે તે આ ફિલ્મમાં પોતાના ગુમસુદા પતિની શોધમાં નીકળેલી ગર્ભવતી મહિલાનો રોલ કરી રહી છે.
છેલ્લા ઘણા સમયથી કરીનાના વાળ ધોતા શેમ્પુ અને પોતાની છાતીના વાળ બતાવતી ગંજીઓની જાહેરાતમાં જ જોવા મળતો સૈફઅલી ખાન દેશી જેમ્સ બોન્ડ તરીકે ‘એજન્ટ વિનોદ’ નામની ફિલ્મમાં જોવા મળશે. અત્યારે ફેલાયેલી વાતો મુજબ આ ફિલ્મમાં ભારતીય સિનેમાના પડદે અગાઉ ક્યારેય જોવા ન મળ્યા હોય તેવા સ્ટંટ દ્રશ્યો જોવા મળશે. આમ તો સૈફ કંઈ પણ કરે... સ્ટંટ જ કહેવાય!
આપણા મોટાભાગના રાજકારણીઓની જન્મ તારીખ ગણાતી પહેલી જૂનના દિવસે આમીર ખાન પણ પોતાની લોકપ્રિયતાની નવેસરથી ‘તલાશ’ કરવા આવવાનો છે. ‘તલાશ’ માટે આમીર પોતાની ઈમેજ મુજબ કેવી ચર્ચા જગાવે છે તે જોવાનું રહ્યું.
તેના પંદર દિવસ પછી અક્ષયકુમાર પણ પોતાની મૂળ ઈમેજ મુજબ ‘રાઊડી રાઠોર’માં સ્ટંટ કરતો અને દક્ષિણ સ્ટાઇલની એક્શન સિકવન્સમાં જોવા મળશે. આ ફિલ્મથી નક્કી થશે કે અક્ષય કુમારે હવે કોમેડી ફિલ્મોની માફક એક્શન ફિલ્મોને પણ રામ રામ કરવા કે નહીં!
નેક્સ્ટ સુપરસ્ટાર નંબર વન ગણાતા રણબીર કપૂરની ‘બરફી’ પણ આ વરસના મઘ્યભાગમાં રજૂ થશે. ત્રીજી જુલાઈએ રજૂ થનારી આ ફિલ્મને ભારે વરસાદ ના નડે તો સારું!
સત્તર ઓગસ્ટે સલમાન-કેટરીનાની ‘એક થા ટાઈગર’ આવશે. યશરાજની ફિલ્મમાં સલમાન ખાન મેઈન લીડમાં હોય તેવી આ પહેલી ફિલ્મ છે. તે પછી તરત જ ફરાહખાનના પતિ શિરીષની ઘણા સમયથી બની રહેલી ‘જોકર’ આવશે. આ સાઈ-ફાઈ ફેન્ટસી ફિલ્મ શિરીષ સહિત ઘણા-બધાને ગુલામ, રાણી, રાજા, જોકર કે દૂરી-તીરી-પંજો સાબિત કરશે.
ઓપ્રાહ વિનફ્રેને રમાડવા મળી તે એશની દીકરી આવવાના કારણે કરીનાને મળેલી ‘હીરોઈન’ નામની ફિલ્મ પણ આ જ સમયગાળામાં રીલિઝ થશે. મઘુર માટે આ પડકાર છે. કારણ કે એશના સ્થાને કરીનાની પસંદગી કરી છે અને ‘ડર્ટી પીક્ચર’માં એક હીરોઈનની લાઈફ હમણાં જ પબ્લીક જોઈ ચૂકી છે.
દિવાળી ટાણે શાહરૂખને મેઈન લીડમાં લઈને યશ ચોપ્રાએ ડાયરેક્ટ કરેલી ફિલ્મ પણ આવશે. આ ફિલ્મનું નામકરણ હજી બાકી છે અને ‘દબંગ ટુ’ પણ આવતા ડિસેમ્બર પહેલાં આવશે. જોવા જેવી ફિલ્મો ગણાતી આ બધી ફિલ્મોમાંથી કઈ ખરેખર જોવાલાયક છે તે ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ’ પછી ખબર પડશે. ત્યાં સુધી તેના પ્રોમોઝ અને પબ્લીસીટી ન્યૂઝ હળવાશથી લેવા!
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|