કેટલાક માણસો ‘‘સજ્જન’’ બનવા કરતાં દુર્જન બનવાની ‘પ્રેક્ટિસ’ અને ‘રિહર્સલ’માં વધારે સમય ફાળવતા હોય છે
મિથિલેશને એકાએક પોતાના બાળગોઠીઆ અવધેશની યાદ આવી ગઇ. મિથિલેશની ઉમ્મર સિત્તેર વર્ષની અને અવધેશની ઉમ્મર ૭૨ વર્ષની. છેલ્લાં ચાલીસ વર્ષોથી બન્નેની મુલાકાત થઇ નહોતી. અવધેશ બત્રીસ વર્ષની ઉમ્મરે વેપારાર્થે હોંગકોંગ ચાલ્યો ગયો. ધંધામાં એટલો વ્યસ્ત રહ્યો કે મિથિલેશને મળવાના સંજોગો જ ન ઊભા થયા.
ભારત આવવાનું ક્યારેક થતું પણ કામકાજમાં ગળાડૂબ રહેતો. અવધેશ ઈચ્છા છતાં ન તો મિથિલેશને મળી શકતો કે ન તો ફોન કરી શકતો.
છેલ્લે મિથિલેશથી એ છૂટો પડ્યો, ત્યારે મિથિલેશ ત્રીસ વર્ષનો હતો. મિથિલેશના પિતાશ્રી ઠીક-ઠીક સંપત્તિ મૂકીને અવસાન પામ્યા હતા અને મિથિલેશ પણ સરકારી નોકરીમાં અધિકારી તરીકે સારી રીતે ગોઠવાઇ ગયો હતો, એટલે અવધેશને મિથિલેશની ચંિતા નહોતી.
અવધેશના મનમાં ઈચ્છા થતી કે મિથિલેશને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવડાવી પોતાની સાથે હોંગકોંગ રાખે, પણ અવધેશ જેટલો લાગણીશીલ અને ઉદાર, એની પત્ની ગંગોત્રી તેટલી જ કંજૂસ અને આત્મકેન્દ્રી. મહેમાનો એને દીઠાય ન ગમે. કોઇ મહેમાનને અવધેશ ઘેર લઇ આવે ત્યારે મહેમાનના દેખતાં જ એવાં ધૂરકીઆં કરે કે મહેમાન કલાકમાં જ હોટેલમાં રહેવા ચાલ્યો જાય. ગંગોત્રી વિફરે એટલે વાઘણથીય બદતર વર્તન કરે. વેપારમાં અવધેશ લખલૂટ કમાણી કરે પણ ઘરમાં આવે કે તરત જ પત્નીના આક્રમણનો ભોગ બનવાની તૈયારી રાખવી પડે. ગંગોત્રી વારંવાર એક જ વાત કરે ઃ ‘‘તમારી સાથે રહીને મને મળ્યું શું? સાહ્યબી? એ તો મારા બાપને ઘેરેય હતી?... મારે જોઇતો હતો પતિનો સંગ, પણ રૂપીઆ પાછળ ઘેલા બનેલા તમે દામ્પત્યનો અર્થ સમજી શક્યા જ નહીં! રૂપીઆ તમને એટલા વહાલા કે ઘરમાં શેર માટીની ખોટેય તમને ન સાલે. ભૂતીઆ મહેલ જેવો તમારો એપાર્ટમેન્ટ, એમાં હું સાવ એકલી. સ્ત્રી ભૂખ સહન કરે, દુઃખોની વણઝાર પણ સહન કરી લે, પણ પતિની સતત ગેરહાજરી એ સહન કરી શકતી નથી! પુરુષની હૂંફ અને સથવારો શોધવા તો સ્ત્રીઓ લગ્ન કરતી હોય છે. પણ તમે સાવ ભોટ નીકળ્યા! લક્ષ્મી તમને એટલી બધી વહાલી લાગી કે ‘ગૃહલક્ષ્મી’ને સાવ ઠેબે ચઢાવી! તમારા કરતાં તો ગામડાના કોઇ ખેડૂતની ઘરવાળી બની હોત તો એની સાથે ખેતરને છેડે ઝાડ નીચે બેસીને બટકું રોટલો તો મોજથી ખાઇ શકત! હેત વગરનો કોળીઓ મને ઝેર જેવો લાગે છે.. તમારું ઘર મારે માટે એક પડાવ છે, પડી રહેવાની જગા માત્ર, કારણ કે હું બાપના ઘરનું શરણું શોધીને મારી આબરૂનો ધજાગરો કરવા માગતી નથી.’’ ગંગોત્રીનાં મહેણાં-ટોણાંની આક્ષેપલીલા જુદા જુદા પ્રકારે દરરોજ ચાલતી રહેતી. એનું પરિણામ એ આવ્યું હતું કે અવધેશના હૃદયમાંથી ગંગોત્રી પ્રત્યેની લાગણીનો ઝરો સૂકાઇ ગયો હતો. પાનખરનાં બે પંખી એક જ વૃક્ષની ડાળે બેસતાં, પણ એકબીજાથી સાવ અજાણ હોય તેમ! ધીરે ધીરે ગંગોત્રી અવધેશ પ્રત્યે એટલી બધી ઉદાસ થતી ગઇ કે એ ઘર છોડે ત્યારે એના તરફ નજર પણ નહોતી કરતી અને એ પાછો ફરે એ પહેલાં નિદ્રાધીન થઇ જતી.
હૈયાનાં વીતક કોઇક આત્મીયને સંભળાવીને મનની હળવાશ અનુભવવાનો અવધેશનો આંતરિક તલસાટ વધતો જતો હતો.... અને એકાએક તેને મિથિલેશની યાદ આવી ગઇ! એને જણાવ્યા વગર ‘સરપ્રાઇઝ’ આપવા અવધેશનું મન ઉત્સુક બન્યું...
મિથિલેશને કોણ જાણે કેમ પણ ગૃહસ્થ- જીવન પ્રત્યે પહેલેથી જ આસક્તિ નહોતી. એના પિતાજી પુત્રને પરણાવીને રાજી થવા ઈચ્છતા હતા, પણ મિથિલેશ કોઇ ને કોઇ બહાનું કાઢીને પિતાજીએ નક્કી કરેલા માગાને ઠુકરાવતો. પિતાજી જાતજાતની કન્યાઓના ફોટા અને યાદી તેમની સમક્ષ રજૂ કરતા, પણ મિથિલેથ મૌન ધારણ કરતો. એમ બીજાં પાંચ વર્ષ વહી ગયાં અને મિથિલેશ પાંત્રીસનો થયો. ધીરે ધીરે સગાં-વહાલાં અને જ્ઞાતિબંધુઓમાં એ અફવા ફેલાવા લાગી કે મિથિલેશ સન્યસ્ત ગ્રહણ કરવાનો છે! એટલે લગ્નના પ્રસ્તાવો આવવાનું આપોઆપ બંધ થઇ ગયું...
મિથિલેશે ઘરની સારસંભાળ અને રસોઇ માટે એક અંબા નામની બાઇ રાખી હતી. અંબાનો દીકરો માતૃભક્ત હતો પણ પુત્રવઘૂ વાદળી લડકણી હતી! ઉશ્કેરાટમાં આવતી ત્યારે નાનકડા પુત્ર દીપાંગને ધીબી નાખતી! અંતે અંબાના પૌત્ર દીપાંગને વરને હવાલે એકલો મૂકી વાદળી ઘર છોડીને ચાલી ગઇ. અંબાનો પુત્ર પણ શહેર છોડી મુંબઇ નોકરી કરવા દીપાંગને દાદીમાના ખોળામાં મૂકીને ચાલ્યો ગયો...
અંબાની મુંઝવણનો પાર નહોતો. મિથિલેશ સાહેબ દાદી અને પૌત્રને ઘરમાં રહેવા દેશે કે કેમ એ સમસ્યા એને સતાવતી હતી, પણ સાંજે ઓફિસથી આવ્યા બાદ મિથિલેશે અંબાની ચંિતા દૂર કરી. એણે સામેથી જ વાત છેડી ઃ ‘‘અંબામા, કશી ચંિતા ન કરશો. તમારે અને દીપાંગે અહીં મારી સાથે જ રહેવાનું છે. સંસાર પ્રત્યે ઉદાસીન બની મેં ગૃહસ્થી શરૂ ન કરી, પણ ભગવાને મારા ઘરમાં એક બાળ કન્હૈયો મોકલ્યો છે. મારા ઘરમાં જશોદા નથી, પણ નંદ અને જશોદા બન્નેના પ્રેમ હું દીપાંગને આપીશ. એને ભણાવી ગણાવીને તૈયાર કરીશ. કળિયુગમાં દારૂનાં પીઠાં તો વધે છે અને લાગણીનાં નીર પાતાળે જાય છે.. હું દીપાંગ માટે લાગણીની પરબ બનીશ... આને મારો ઉપકાર ન ગણશો, મારી માનસિક શાન્તિની કોશિશ ગણજો..’’
અને અંબાની આંખમાં આંસુ ઉભરાઇ આવ્યાં હતાં.. એને લાગ્યું કે મિથિલેશ દેવદૂત છે.. નહીં તો કહ્યા વગર બઘું જ સમજી જાય એવી આંખો અને ભીનું હૈયું આજકાલ ક્યાં જોવા મળે છે!
વર્ષો વીતતાં ગયાં. દીપાંગના અભ્યાસમાં મિથિલેશે કશી જ કસર ન રાખી અને એલએલ.બીનો અભ્યાસ પૂર્ણ કરાવી તેને સરકારી વકીલ તરીકે નોકરીમાં ગોઠવી દીધો..
ંઅંબા ઈચ્છતી હતી કે દીપાંગનાં લગ્ન મિથિલેશ શેઠ કરાવી આપે અને દીપાંગ તથા તેની આવનાર વહુને પોતાની સાથે જ રાખે. દીપાંગના પપ્પાએ શહેર છોડ્યા બાદ પાછું વાળીને જોયું જ નહોતું... દીપાંગની મમ્મીએ વગર લગ્ને ઘર વસાવીને પોતાનું સ્વતંત્ર જીવન શરૂ કરી દીઘું હતું! એટલે દીપાંગ છતા બાપે નબાપો અને છતી માએ નમાયો હતો.. એના જીવનનો એક માત્ર આધાર મિથિલેશ અંકલ હતા.
મિથિલેશને લીધે દીપાંગને સમાજમાં માન- સન્માન મળતાં. તેને ઘણા બધા લોકો તો મિથિલેશનો જ પુત્ર માનતા હતા...
અંબામાના આગ્રહને વશ થઇ દીપાંગના લગ્ન મિથિલેશે ઉદ્ઘોષા સાથે ગોઠવી દીધાં. એ બન્નેના ધામઘૂમથી લગ્ન કરાવી અંબામાની ઈચ્છા મુજબ દીપાંગ અને ઉદ્ઘોષાને પોતાની સાથે જ રાખ્યાં.
મિથિલેશે નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ ઘરનો તમામ વહીવટ દીપાંગ અને ઉદ્ઘોષાને સોંપી દીધો. વડીલોપાર્જિત મિલકતની એટલી મોટી આવક હતી કે આર્થિક દ્રષ્ટિએ મિથિલેશે સહેજ પણ ચંિતા રાખવાની જરૂર નહોતી. પૈસાનો તમામ વહીવટ પણ એણે દીપાંગને સોંપી દીધો હતો..
દીપાંગને લાગતું હતું કે મિથિલેશ અંકલનું ‘માયા’માંથી મન ઊઠી ગયું છે અને ગમે તે ક્ષણે ગૃહત્યાગ કરી કોઇ ધાર્મિક સ્થાને ચાલ્યા જશે. કદાચ એમ પણ બને કે પોતાની સઘળી સંપત્તિ દાનમાં આપી દે અને પોતે તથા ઉદ્ઘોષાએ ઘર વગરનાં બનવાની સ્થિતિ આવે.
એટલે એણે ખર્ચના બહાને કોરા ચેકોમાં મિથિલેશની સહી કરાવી એમના ખાતામાંથી મોટી મોટી રકમો ટ્રાન્સફર કરાવવાનું શરૂ કરી દીઘું હતું. દીપાંગ જ્યારે પણ કોઇ પણ ચેક રજૂ કરતો, મિથિલેશ અંકલ કશું જ પૂછ્યા સિવાય એ ચેકમાં સહી કરી આપતા. એટલે દીપાંગને પાકી ખાત્રી થઇ ગઇ હતી કે હવે મિથિલેશ અંકલ પાસે કોઇ પણ દસ્તાવેજમાં સહી કરાવી લેવાનું મુશ્કેલ નથી! એટલે દીપાંગે જમીનોનું પોતાના નામનું વીલ તૈયાર કરવાનું શરૂ કરી દીઘું હતું.. એક સામટા જુદાં જુદાં વીલોમાં સહી કરાવવાને બદલે મોકો જોઇ એક એક વીલમાં સહી કરાવવાનો પેંતરો તેણે રચ્યો હતો.
અને ઉદ્ઘોષા માતા બનવાની છે, એ સમાચાર ઉદ્ઘોષા દ્વારા પોતાના પાલક-સસરા મિથિલેશને આપવાના બહાને તેઓ લાગણીશીલ હોય ત્યારે તેમની સહી વીલમાં કરાવી લેવા માટે ઉદ્ઘોષાને સમજાવી હતી..
બીજે દિવસે સવારે આખો કાર્યક્રમ પાર પાડવાનો હતો. કેવી રીતે વાત કરવી, એમના ખોળામાં માથું મૂકીને તેમના ઉપકારો યાદ કરીને કેવી રીતે તેમને દ્રવિત કરવા અને વીલના છેલ્લા પાને કેવી રીતે સહી કરાવી લેવી તેનું રિહર્સલ દીપાંગ ઉદ્ઘોષાને કરાવી રહ્યો હતો. કેટલાક માણસો સજ્જન બનવા કરતાં દુર્જન બનવવાની ‘પ્રેકટીસ’ અને ‘રિહર્સલ’માં વધારે સમય ફાળવતા હોય છે.
અંબામા એમના શયનખંડના બારણા પાસે ઊભાં હતાં. દીપાંગ અને ઉદ્ઘોષાએ મિથિલેશ શેઠને છેતરવાના કાવત્રાની બધી જ ચર્ચા તેમણે સાંભળી હતી.
દીપાંગને લાગ્યું કે પોતાની દાદીમા પોતાનો પક્ષ લઇ આર્થિક રીતે સદ્ધર બનવાના પોતાના પ્લાન બદલ શાબાશી આપશે, એમ માની તેણે અંબાદાદીને જાતે જ બધી વાત કરી દીધી હતી. અંબાદાદી મરક-મરક હસ્યાં, એટલે પોતાનો બેડો પાર થઇ ગયો એમ માની દીપાંગ ગેલમાં આવી ગયો હતો.
સવારે મિથિલેશ શેઠ પૂજા કરી માળા કરવા માટે બેઠા, એટલે તક જોઇ ઉદ્ઘોષાએ તેમના ખોળામાં માથું મૂકી પોતે માતા બનવાની છે, એ ખુશીના સમાચાર બદલ એમના આશીર્વાદ માગ્યા. ઘૂ્રસકે ઘૂ્રસકે રડી તેમના ઉપકારોનું વર્ણન કરવાનું શરૂ કરી દીઘું..
બઘું જ સમેસૂતર પાર પડી રહ્યું હતું એ જોઇ દીપાંગ હરખાતો હતો. ધીરે રહીને ઉદ્ઘોષાએ વીલનો કાગળ કાઢી એક ઓથોરિટી લેટરમાં દીપાંગને મિથિલેશ શેઠની સહીની જરૂર છે, એમ કહી કાગળમાં સહી કરાવવા પેન એમના હાથમાં પકડાવી.. મિથિલેશ શેઠ ઉદ્ઘોષાના માતા બનવાના સમાચારથી ખુશખુશાલ હતા, એ તેમના ચહેરા પરથી વરતાતું હતું...
હજી તેઓ ઉદ્ઘોષાએ પકડાવેલી પેનનો ઉપયોગ કરવા કશોક વિચાર કરે એ પહેલાં જ અંબામાએ મિથિલેશના હાથમાંથી પેન ઝૂંટવી લીધી હતી અને કહ્યું હતું ઃ ‘‘શેઠ, દીપાંગ અને ઉદ્ઘોષા નીચ છે. એમનામાં માનવતા મરી પરવારી છે. બન્ને નમકહરામ છે. જે થાળીમાં જમ્યા તેમાં જ કાણું પાડવાની નીચતા દેખાડવાના પેંતરા રચી રહ્યા છે. તમારી સજ્જનતાનો લાભ લઇ તમારી સઘળી મિલકતનું વીલ પોતાને નામે કરાવી લેવાના કાગળો દીપાંગે તૈયાર કર્યા છે.... એણે તમને છેતરીને ચેકોમાં સહી કરાવી પૈસા પોતાને નામે કરાવી લીધા છે. શેઠ, મને મારી જાત પર ધિક્કાર ઉપજે છે કે મારા દુષ્ટ પૌત્રને તમારા ઘરમાં આશરો આપ્યો! મને ક્ષમા કરો,’’ કહીને અંબામાએ મિથિલેશ શેઠના હાથમાંથી કાગળ લઇ તેના ટુકડે-ટુકડા કરી નાખ્યા હતા અને દીપાંગ અને ઉદ્ઘોષાને ધક્કો મારી બહાર કાઢી ડ્રોઈંગરૂમનું બારણું બંધ કરી દીઘું હતું.
દીપાંગ અને ઉદ્ઘોષાએ ઘણી વિનંતી કરી પણ અંબામાએ એમને ઘરમાં પેસવા દીધાં ન હતાં...
અને દીપાંગ અને ઉદ્ઘોષા ઘર છોડીને ચાલ્યાં ગયાં હતાં. દીપાંગે મિથિલેશ શેઠના પૈસાથી પોતાનો એપાર્ટમેન્ટ ખરીદીને તૈયાર રાખ્યો હતો, એટલે તેઓ લાચાર નહોતાં..
અંબામાએ પૂછ્યું, ‘‘શેઠ, આ લોકોના કાવત્રાની તમને ગંધ ન આવે એવું તો ન જ બને. તેમ છતાં તમે દીપાંગને ચેકોમાં કેમ સહી કરી આપતા રહ્યા?’’
થોડોક સમય ચૂપ રહ્યા બાદ મિથિલેશ શેઠે કહ્યું ઃ ‘‘અંબામા, મને દીપાંગની ચાલની બદી જ ખબર હતી, પરંતુ તમારું મારે માથે ૠણ છે. એ ૠણ હું અદા કરતો રહ્યો. વીલના કાગળો તૈયાર થયાની પણ મને જાણ હતી. દીપાંગના ક્લાર્કે મને ગઇ કાલે જ બધી માંડીને વાત કરી હતી.. આજે વીલમાં હું સહી કરવાનો જ નહોતો કારણ કે મારી સઘળી સંપત્તિ દાનમાં આપી દીધી છે અને તમારે માટે એક નાનકડો ફ્લેટ ખરીદી લીધો છે. તમારે નામે પચાસ લાખ રૂપીઆ ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા છે. એના વ્યાજમાંથી તમારું ગુજરાન ચાલશે. તમે મને ઓશિયાળો રહેવા દીધો નથી, માટે હું પણ તમને ઓશિયાળાં રાખવા માગતો નથી! અને હા, તમે આવતે અઠવાડિયે તમારા નવા ફ્લેટમાં રહેવા જજો. હું ત્યાર બાદ મારા એક બાળગોઠીઆ અવધેશને મળવા માટે હોંગકોંગ જવા માગું છું.’’ - મિથિલેશે આંખ લૂછતાં કહ્યું હતું...
‘‘દોસ્ત, તારે હોંગકોંગ જવાની જરૂર નથી, હોંગકોંગ તારી સામે જ ઊભું છે’’ કહીને અવધેશે પ્રવેશ કર્યો હતો. અને દોડીને મિથિલેશને ગળે વળગી પડ્યો હતો..
‘‘મેં મનોમન વિચાર્યું હતું કે હું તને સરપ્રાઇઝ આપીશ, મિથિલેશ’’ - અવધેશે કહ્યું હતું..
‘‘અમારા શેઠ ખૂબ જ દુઃખી છે. મારા જ પૌત્રે એમને દગો કર્યો છે. ભગવાને તમને મોકલ્યા! તમારા આગમનથી મિથિલેશ શેઠને ટાઢક વળશે.’’ અંબામાએ કહ્યું...
‘‘માડી, આ તો સંસાર છે. કોણ કોને ઠારશે અને કોણ કોને દઝાડશે, એની ખાત્રી કોણ આપી શકે? મિથિલેશ વગર ઘર માંડે દાઝ્યો છે અને હું ઘર માંડીને દાઝ્યો છું! મિથિલેશ, આવ ભાઇ હરખા, આપણે બે સરખા.’’ હોંગકોંગમાં મારી પત્ની ગંગોત્રીએ મારી રાહ જોવાની ક્યારેય દરકાર રાખી નથી! આપણે બન્ને પાનખરનાં પંખીઓ છીએ.. ‘‘તને કેમ સાંભરે રે મને કેમ વિસરે રે’’નાં સંસ્મરણોનો આનંદપૂર્વક માણતા રહીશું.. આગળની વાત આગળ.’’
- અને અંબામા એ બે મિત્રોનું પવિત્ર મિલન જોતાં જ રહ્યાં... એમની આંખ ધરાતી નહોતી. |