
રાયસંિહની જોરાવરીએ મોડાસા પરગણામાં નિરાંત વાળી દીધી હતી. ધાડપાડુ કે લૂંટારુઓની મજાલ નો’તી કે મોડાસા માથે મીટ માંડી શકે.
મોડાસામાં ગઢ ફરતા રાયસંિહના સરદારોના ખડે પગે રખેવાળાં હતા. તોતંિગ કિલ્લાનાં કમાડ ભીડાઈ ગયા કેડ્યે એક હારે દોઢસો હાથીઓ માથાં ભટકાડે તોય નકૂચામાંથી અવાજેય નો નીકળે એવી મજબૂતાઈ એમાં ધરબાણી હતી.
દરવાજાનાં ભોગળ ભીડાણાં પછી મોડાસું જાણે કે પ્રભુને ખોળે બેઠું હોય એવું સલામત બની જાતું.
મોડાસામાં સમૃદ્ધિની છોળો ઊડતી હતી. નિર્ભયતાના કારણે વેપારવણજમાં તેજ પૂરાતાં થયાં હતાં. છાશવારે ભડકે ભલતાં પરગણામાંથી માલેતુજારોએ મોડાસામાં આવીને રહેણાંક કર્યો હતો.
માલથાલની પોઠ્યું ઊતરતી હતી. મગદૂર નો’તી કોઈનીય મોડાસાના વાણિયા-વેપારીઓની પોઠ્યું લૂંટવાની કે રૈયતની સામે આંગળી ચીંધવાની. આમ મોડાસા પરગણાની ચારેય ઉપર રાયસંિહની ધોમચક આણ ફરતી હતી.
ગુજરાતમાં મોડાસું મોરની કલગી જેવું અરઘી ઊઠ્યું.
મોડાસાની જહોજલાલીની વાત ઠેઠ પૂને પૂગી. પૂનાની માથે મરેઠા બેઠા હતા. મરેઠા જનકાજીનાં ઘરવાળાં ખૂદ રુખમણી ફોજુંની સરદારી લેતાં હતાં. ફાટેલ પીયાલા જેવી રુખમણી આગનો કટકો હતી. કસાયેલી કાયા ઉપરથી ખુમારી દોટું દેતી હતી. એક જ હાકોટે મરદોના ગાત્ર ઢીલા કરી નાંખે એવી કરડાકી એના અવાજમાં આળોટતી હતી.
કસકસાવીને બાંધેલ કાપડાની કસુંવાળી છાતીમાં હંિમતનો ઉચાળો ભર્યો હતો. કછોટા મારીને વાંભ એકનો ચોટલો મોકળો મૂકીને એ જ્યારે ઘોડેસવારી કરતી ત્યારે લાવલશ્કર એના હુકમથી કંપી ઊઠતું હતું.
મોડાસાની સાયબીએ રુખમણીનાં રૂંવાડા આળાં કરી દીધા. મોડાસુ મરેઠાઓને ખંડણી ભર્યા વગર દોમ દોમ સાયબી ભોગવી જ કેમ શકે ?
પૂનાની કચારીમાં વાતું મંડાણી.
રુખમણીએ જનકાજીને કહ્યું ઃ
‘‘રાવ, તમે મોડાસાની ખંડણી વસૂલ કરો.’’
રુખમણીના સવાલનો જવાબ જ રાવ ગળી ગયો, કારણ કે જેમ મોડાસાની જાહોજલાલીનાં વખાણ ભરી કચેરીમાં સાંભળ્યા હતાં એમ રાયસંિહની બહાદુરીની વાતું પણ સાંભળી હતી.
મૂંગા બની ગયેલા રાવને તાતી તલવાર જેવી મરાઠણે કહ્યું ઃ
‘‘કેમ કાંઈ જવાબ નો દીધો ?’’
ધરાર જવાબ માગતી રુખમણી સામે નજર નોંધીને જ રાવ બોલ્યા ઃ
‘‘ગુજરાતમાં એક મોડાસું મોજ માણતું હોય તો માણી લેવા દયો ને ?’’
રાવનાં મોંના વેણ સાંભળીને રુખમણી તાડુકી ઃ
‘‘પૂનાની ખંડણી ભર્યા વગર મોડાસું મોજ શાની માણે ?’’
‘‘તો પછી તમે જ ખંડણી ઉઘરાવી લ્યો.’’
ને રુખમણીએ હુકમ વછોડ્યો ઃ
‘‘સેના સાબદી કરો અને મોડાસાના પાદરમાં નાખવાના પડાવની સાધનસામગ્રી ભેગી કરો.’’
મહારાણીના ફરમાનની સાથે જ નગારે ઘાવ પડ્યો ને સેના સાબદી થવા માંડી.
હાથીઓ ઉપર અંબાડીઓ મુકાણી. ઘોડીની પીઠે સામાન નખાણા. ઘોડેસવાર, પાયદળ અને ગજરાજોને લઈને રુખમણી મોડાસાની જાહોજલાલી રગદોળવા હાલી નીકળી.
પંદર હજારનું લશ્કર ઠેર ઠેર પડાવ નાખતું ને સીમની વાડીયું ઉજ્જડ કરતું જાય છે. કાંડાતોડ કમાણી ઉપર પાણી ફેરવતા લશ્કરની સામે કોઈથી હરફ સુદ્ધાં કઢાતો નથી.
પૂનાથી તે ઠેઠ મોડાસાના પાદર સુધીની સીમ વેરાન કરીને લશ્કરે મોડાસાના પાદરમાં પડાવ નાખ્યો.
તંબુ તણાઈ ગયા. હાથીઓ માટે ખીલા ધરબાઈ ગયા. ઘોડાઓ માટે જોગાણની કોથળિયું ટંિગાઈ ગઈ. મોડાસાનું પાદર પંદર હજારની સેનાથી ધમધમી ઊઠ્યું.
એક મોડાસાની સામે જાણે બીજું મોડાસું ઊભું થઈ ગયું.
રુખમણીનો મોકલ્યો મરેઠો સરદાર રાયસંિહના મહેલમાં આવીને ઊભો રહ્યો.
‘‘બોલો સરદાર, શું સમાચાર લાવ્યા છો ?’’
‘‘મોડાસાના પાદરમાં પૂનાના રુખમણી મહારાણી પધાર્યા છે.’’
‘‘તેહશે.’’ વચ્ચે જ રાયસંિહે મગરૂબીથી કહી નાખ્યું.
‘‘હશે નહીં, છે, છે.’’
‘‘તે તમારું કહેવું શું છે ?’’
‘‘કહેવાનું તો એટલું જ કે અમને ખંડણી ચૂકવો.’’
‘‘ખંડણી !’’ રાયસંિહે નવાઈ પામી સરદાર સામે પ્રશ્ન કર્યો.
‘‘હા, ઠાકોર ! ખંડણી.’’
‘‘રાજ ગુજરાતનું અમારા કાંઠાના બળે મેળવેલું. મોડાસા માટે લીલા માથાં નાળિયેરની જેમ મારા કુટુંબીઓએ પાદરમાં રડતાં મૂકેલાં અને ખંડણી પૂનાના મરેઠાઓને ભરવી, એ ક્યાંનો ન્યાય ?’’
રાયસંિહની અગનગોળા જેવી વાત સાંભળી મરેઠો સરદાર રાતોપીળો થાતાં બોલ્યો ઃ ‘‘ઠાકોર, મારે જવાબ જોઈએ. ંઊંડી વાતમાં હું ઊતરવા માગતો નથી.’’
‘‘સરદાર છો તે ઊંડી વાતુમાંય ઊતરવું પડે વખત આવ્યે !’’
‘‘એકવાર કહી દીઘું કે મારે ટૂંકો જવાબ જોઈએ. ખંડણી ભરો છો કે નથી ભરતા ?’’ મરેઠા સરદારે બોલતાં રાયસંિહની સામે પગ પછાડ્યો.
ગીરના વનરાજ જેવો રાયસંિહ મરેઠાની વર્તણૂંકથી સડાક કરતો ઊભો થઈ ગયો. એના ગોરા મોઢા ઉપર તાંબાવરણાં તેજ ત્રબકવા માંડ્યાં. આંખ્યુંના છેડા લાલ થઈ ગયા. રૂંવે રૂંવે ક્રોધ રમવા માંડ્યો. ‘‘બહાર નીકળ અહીંથી ! કહી દેજે તારી રુખમણીને, મોડાસું મરી ફીટશે પણ પૂનાની તાબેદારી નહિ ભોગવે. હરગીઝ નહિ. ખંડણીનો એક દોકડો પણ નહિ મળે.’’
રાયસંિહનો સણસણતો જવાબ સાંભળીને મરેઠો સરદાર પંદર હજાર સૈનિકોની વચ્ચે તંબૂમાં જવાબની વાટ જોતી બેઠેલી રુખમણીની સામે અદબથી ઊભો રહી વાત કહે તે પહેલાં જ વાઘણની જેમ રુખમણી ડણકી ઃ
‘‘શો જવાબ છે, સેનાપતિ ?’’
‘‘ખંડણી ભરવાની ના પાડે છે.’’
‘‘શું, ના પાડે છે ?’’
‘‘હા.’’
‘‘એને ખબર નથી કે આપણી પાસે સાગર જેવડી સેના છે. મોડાસાના માથે ઢાંકણ થઈ જાય એવડી ?’’
‘‘ખબર છે.’’
‘‘તોય ના પાડી ?’’
‘‘ના પાડી, એટલું જ નહિ, મહારાણીબા, એણે તો કહી દીઘું કે તમારી રુખમણીને કે’જો કે મોડાસુ મરી ફીટવા સાબદું છે, પણ પૂનાની તાબેદારી ભોગવવા ઘડીવારેય તૈયાર નથી.’’
રુખમણીએ રાયસંિહની બહાદુરીનાં વખાણ પૂનામાં સાંભળ્યાં હતાં, પણ એના રૂપનાં વખાણ તો અહીં જ સાંભળ્યાં. રાયસંિહના રૂપનું એની આગળ એવું તો વર્ણન થયું હતું કે રાજવંશી જાજરમાન ઓરતને એકવાર રાયસંિહને નજરે જોવાના કોડ જાગ્યા.
રાયસંિહનો સણસણતો જવાબ સાંભળી રુખમણીનાં ઊભાં થયેલાં રૂંવાડાં રાયસંિહના વખાણ હૈયે જાગતાં હેઠાં બેસી ગયાં.
ઉશ્કેરાયેલા ચિત્તને શાંત કરતાં તે બોલી ઃ ‘‘સરદાર, તમે સાંજે પાછા રાયસંિહના મહેલે જજો અને કેજો કે તમે ઘોડે ચઢીને ઉતારા ઉપર આવશો તો ખંડણી માફ કરીને અમે પાછા પૂના વળી જાશું.’’
સોહામણી સાંજ પડી. રુખમણી ઘેરાયેલા તંબુમાં લટાર મારવા લાગી. એક બાજુ મોડાસું અને બીજી બાજુ આખા મોડાસાને કોળિયો કરી જાય એવો મરેઠાઓનો ગંજાવર પડાવ.
મહેલને જરૂખે બેઠો બેઠો રાયસંિહ પૂનાની સેના ઉપર નજર નોંધી રહ્યો છે. સાંજ પડવા આવી, છતાં પોતાના જવાબમાં સેનામાં કોઈ સળવળાટ પેદા થયો નથી. ત્યાં તો દરવાને આવી સમાચાર દીધા ઃ
‘‘મરેઠા સરદાર તમને મળવા માગે છે.’’
‘‘આવવા દે.’’
ભવ્ય મહેલના અનેક ખંડ વળોટીને દરવાન સરદારને રાયસંિહના ઝરૂખામાં લઈ આવ્યો. તરત જ રાયસંિહે કડકાઈથી પૂછ્યું ઃ
‘‘બોલો સરદાર, શું કહેવું છે ?’’
‘‘કહેવાનું તો બીજું કાંઈ નથી પણ મહારાણીએ કેવરાવ્યું છે કે એકવાર ઘોડે ચડીને પડાવ ઉપર આવો એટલે મોડાસાની ખંડણી માફ. અમે ઠાલા હાથે પૂના પાછા વળી જાશું.’’
સરદારની વાત સાંભળી રાયસંિહ ડણક્યો ઃ ‘‘સરદાર, કે’જો તમારી રાણીને કે મોડાસાનાં રાયસંિહે રૂપનાં હાટ નથી માંડ્યાં. એ બાયડીને સામે પગલે ઘોડે ચડીને મળવા આવવા કરતાં મરવાનું હું વધારે પસંદ કરું છું.’’
થોડીવાર અટકીને એ વળી બોલ્યો ઃ ‘‘અને જુઓ સરદાર, મારા રૂપ કરતાં મારા તીરમાં વધારે તાકાત છે !’’ બોલીને એણે ગઢની રાંગ પર હાલ્યા આવતા મરાઠાના પડાવના પખાલીના પાડા ઉપર પણછને કાન સુધી તાણીને તીર ફેંક્યું.
પાણી ભરેલી પખાલ વીંધીને હાથીના મદનિયા જેવા પાડાના પેટ સોંસરવું થઈને તીર ભોંમાં દોઢ હાથ ઊતરી ગયું.
સરદાર કટ કટ કરતો મહેલનાં પગથિયાં ઊતરી ગયો. સતારાની સરનશીન રુખમણી પોતાના તંબુમાં રાયસંિહની રાહમાં આંટા મારી રહી છે. એની રત્નજડીત મોજડીના ચમકતા હીરા સાથે ખંભા ઉપર લટકતી તેજીલી તલવાર ગોઠડી કરી રહી છે.
પહોળી પીઠ અને મરોડદાર કેડ્ય પર જરિયન પટો રુખમણીના રૂપમાં સથવારો પૂરી રહ્યો છે. પટ્ટાની બેવડ્યમાં ખોસેલી કટાર એના રુઆબમાં ઉમેરો કરી રહી છે. રૂપે મઢેલી સતારાની શોભા પળે પળે રાયસંિહના આગમનની રાહ જોઈ રહી છે. સરદારે સીધા જઈને રુખમણીને જાણ કરી.
વાવડની વાટ જોતી રુખમણી વાત સાંભળી ભભૂકી ઊઠી. લશ્કરને હુકમ દીધો ને ડંકાનિશાનની ધણણાટી બોલી. દરિયો ખળભળ્યો હોય એમ લશ્કર ઊપડ્યું મોડાસાની માથે.
મોડાસા ગઢનું રખવાળું કરતા દોઢસો રાજપૂતોએ પંદર હજારની સેના સામે બાંયો ચડાવી, મૂછે તાવ દઈને આંતરીને ઊભા. તલવાર વીંઝાવા માંડી. તલવારના સબાકા આભમાં વીજળી નાટારંભ કરતી હોય એમ બોલવા લાગ્યા.
બીજે દરવાજે રાયસંિહનો ભાઈ પ્રતાપસંિહ ઓડા બાંધીને ફોજની સામે બાખડવા લાગ્યો. રાયસંિહે પોતાનો ઘોડો સાબદો કર્યો અને પોતાની કેડ ફાળિયાથી જડબેસલાક બાંધીને ગઢની રાંગ ઠેકાવી. સાતધરાં વાદળાં ફાડીને વીજળી જેમ પલકારામાં વારણાં લઈને પાછી વળે એમ રાયસંિહ પંદર હજારની ખડકાયેલી સેનામાં બે ભાગ કરીને સોપટ નીકળી ગયો.
આગલા દરવાજે દોઢસો રાજપૂતોનાં ઢળી પડેલાં માથાં પર પગ મૂકીને રુખમણી દાખલ થઈ, ત્યાં તો પ્રતાપસંિહે પડકારી. ધંિગાણું જામ્યું.
પ્રતાપસંિહ સંગ્રામમાં વેતરાયો અને બેભાન થઈને ઢળી પડ્યો.
રુખમણીએ પાલખીમાં પ્રતાપસંિહને પૂરીને અમદાવાદ તરફ રવાના કર્યો અને ખંડણીના એંસી હજાર ભરે પછી જ છોડવાનું ફરમાન કર્યું.
રાયસંિહે રાયગઢમાંથી એંસી હજારની રકમ સાંઢણી સવાર સાથે રવાના કરાવીને પ્રતાપસંિહને મુક્ત કરાવ્યો. હજુ તો રકમ ભરેલી સાંઢણીઓ લઈને સવારો આવે છે, પેથાપુરના પાદરમાં જ પહોંચી છે ત્યાં તો પ્રતાપસંિહે મરેઠા સાંઢણીસવારોને ભગાડી મૂકી રકમ પાછી પડાવીને મોડાસા ભેગો થઈ ગયો, મરેઠા હાથ ઘસતા રહી ગયા.
પૂના પાછી વળેલી રુખમણીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ક્રોધથી સળગી ઊઠેલી. પણ પાછા ફરીને મોડાસા માથે ત્રાટકવાનું તેનું ગજું રહ્યું નો’તું, એટલે એ ઠાલા હાથે પૂને પહોંચી.
તણખો
નિત્ય પાઠ ગોખવાથી કંઈ પ્રાપ્ત ન થાય. પાઠમાં લખ્યા પ્રમાણે જીવવાથી આઘ્યાત્મિકતા શરૂ થાય. નીતિપૂર્ણ જીવન એ જ ધર્મ ગણાય. બાકી બઘું આત્મા અને પરમાત્માને છેતરવાના માર્ગો ગણાય.
|