
જે સાધનાસ્થિતિમાં વર્તમાન સમયમાં હોઈએ, તે સ્થિતિમાંથી વઘુ શ્રેષ્ઠતા કે સૂક્ષ્મતા પ્રાપ્ત કરવાનો ભાવ થાય તેને પરમેશ્વર પ્રાપ્તિની ઇચ્છા કહેવાય છે
બહારની તરસનો તમને ખ્યાલ છે, ધન મેળવવાની તીવ્ર તરસ જાગે છે ત્યારે વ્યક્તિ કમાણીની પાછળ કેવી આંધળી દોટ મૂકે છે. વાસનાતૃપ્તિની ઇચ્છા થાય તે ઘડીએ માણસ સઘળું ભૂલીને અને સાન-ભાન ગુમાવીને વાસનાની ભૂખ સંતોષવા દોડતો હોય છે. સત્તા મેળવવાની લાલસા જાગ્યા પછી પગ ચાલી શકે નહીં, આંખો બરાબર જોઈ શકે નહીં અને માંડ માંડ શ્વાસ લઈ શકાતા હોય, તો પણ સત્તાપ્રાપ્તિ માટે વ્યક્તિ અંતિમ શ્વાસ સુધી મચી રહેશે.
કોઈને કીર્તિની ભારે ભૂખ હોય, કોઈને સંતાનની પ્રબળ ઇચ્છા હોય કે પછી કોઈને બંગલા કે મોટરના ભવ્ય વૈભવને પ્રાપ્ત કરવાની ખ્વાહેશ હોય છે. તેઓ એ ઇચ્છાને પરમ ઘ્યેય માનીને એની પાછળ સઘળું ભૂલીને દોટ મૂકે છે. આની સામે ધર્મની પ્રાપ્તિ તો ભીતરની તરસમાંથી થાય છે. જો ભીતરમાં પરમનો સ્પર્શ પામવાની ઈચ્છા નહીં હોય, તો એ ભીતર અઘ્યાત્મથી સાવ કોરું જ રહેશે. જો એને ઈશ્વર, પરમેશ્વર કે અધાત્મની કોઈ ઇચ્છા જાગી નહીં હોય, તો એને એનો કોઈ અણસાર મળશે નહીં.
વ્યક્તિ ભીતરમાં જાય, તો જ સાચો ધર્મ મળે, પરંતુ આજે ભીતરનો ધર્મ ભુલાયો છે અને બહારના ધર્મની બોલબાલા છે. પરિણામ એ આવે છે કે બહારની દુનિયામાં જેનો મહિમા હોય, તે ધર્મના રૂપે પ્રગટ થાય છે અને ધર્મને વિરૂપ બનાવે છે.
બાહ્ય જગતમાં લગ્નના પ્રસંગોએ વ્યક્તિ લખલૂંટ ખર્ચો કરે છે, મોંઘી કંકોતરી છપાવે છે. ભવ્ય ભોજન સમારંભ યોજે છે, લાઇટોનો શણગાર અને બેન્ડવાજા વગડાવે છે. તમે જુઓ કે આ આખીય લગ્નની પ્રથાનો ભપકો, એની ધામઘૂમ અને એ સમયની માનસિકતા ધર્મમાં સ્થાન પામી છે. લગ્નમાં કેટલા લાખ કે કરોડ ખર્ચ્યાં, તેની ચર્ચા થાય છે, તો ધાર્મિક પ્રસંગમાં કેટલી મોટી રકમની બોલી બોલાઈ કે કેટલી જંગી આવક થઈ, એનું મહિમાગાન થાય છે. લગ્નમાં મોંઘીદાટ કંકોતરી બહાર પાડવામાં આવે છે, તો એ જ પરિસ્થિતિ ધર્મમાં પણ આવી અને એક્સો-બસો રૂપિયાની નહીં, બલ્કે પાંચેક હજારની એક કંકોતરી છપાવા લાગી.
આમ, ધર્મ ભીતરમાંથી નીકળીને બાહ્યાચારમાં લેપાઈ ગયો. આયોજનો અને સમારંભોમાં ડૂબી ગયો અને લગ્ન પછી જેમ દામ્પત્યસુખની વાત થાય, એ રીતે મોક્ષપ્રાપ્તિ કે બ્રહ્મજ્ઞાનની વાતો થવા લાગી. પરંતુ મોક્ષપ્રાપ્તિ માટેના માર્ગની એને ખબર હોતી નથી અને એની કશી સાધના એણે કરી નથી. બ્રહ્મજ્ઞાન માટેનું ચંિતન એણે કર્યું નથી અને એને યોગ્ય એવું જીવન એણે ગાળ્યું નથી.
આમ એ શબ્દ સિવાય બીજી કશી ખબર હોતી નથી. જ્યાં માર્ગનો જ ખ્યાલ ન હોય, ત્યાં વ્યક્તિ એના ઘ્યેયને પહોંચી કઈ રીતે શકે? આને પરિણામે માત્ર ધાર્મિક પરિભાષાની વાત થતી રહે છે, કંિતુ એ પરિભાષાનો મર્મ એના હૃદયમાં ઊતરતો નથી.
ભગવાન મહાવીર સ્વામીએ પોતાના અંતિમ પ્રવચનમાં મોક્ષમાર્ગનાં સોપાનો દર્શાવ્યાં હતાં, એમાંથી એકેય સોપાનની એને જાણ હોતી નથી. શંકરાચાર્યે બ્રહ્મજ્ઞાનની ગહન ચર્ચા કરી હતી, એનો એને કોઈ અંદાજ હોતો નથી. પરિણામ એ આવે છે કે ધાર્મિક પરિભાષાઓની રમઝટ બોલાય છે અને પછી એક સમય એવો પણ આવે છે કે કેટલાક એમ કહેશે કે મોક્ષપ્રાપ્તિ માટે આટલી લાંબી સાધના કરવાની જરૂર નથી. અમે તમને તત્કાળ મોક્ષ આપીશું. અમારી પાસે આવો. કોઈ કહેશે કે બ્રહ્મજ્ઞાન માટે સાધનાની જરૂર નથી. તમારા કપાળે અમે એક અંગૂઠો મૂકીશું અને બ્રહ્મજ્ઞાન થઈ જશે. આનો અર્થ એ કે આઠમા ધોરણમાં નપાસ થનારને એમ.એ.નું સર્ટિફિકેટ આપી દેવાશે. જ્યાં સુધી ધર્મનું મુખ બહારની બાજુ ભૌતિકતા તરફ હશે, ત્યાં સુધી આવી પરિસ્થિતિ જોવા મળશે. આંતરઅનુભવ વગર એ શક્ય બનતું નથી. જો અંતર્મુખતા નહીં હોય, તો કશી પ્રાપ્તિ નહીં થાય.
સંત કબીરે કહ્યું છે,
કબીર માયો મોહિની, માંગી મિલૈ ન હાથ ।
મના ઉતરી જૂઠ કરિ, લાગી ડોલૈ સાથ ।।
આ સાખીમાં સંત કબીરે બહુ લાક્ષણિક રીતે બહિર્મુખતા અને અંતર્મુખતાની વાત કરી છે. બહિર્મુખતાને માયા તરીકે દર્શાવી છે. એ કહે છે કે, ભૌતિક ચીજવસ્તુઓની માયા તે મોહિનીરૂપ છે અને એ માગવાથી કે ઇચ્છાથી મળતી નથી. એનો અર્થ એ કે વ્યક્તિની ભૌતિક ઇચ્છાઓ પૂર્ણરૂપે સંતુષ્ટ થતી નથી. કોઈના મનમાં એવી તીવ્ર ઇચ્છા હોય કે હું કરોડો રૂપિયા ખર્ચીને અનેક સુવિધાયુક્ત અદ્યતન ગગનચુંબી નિવાસસ્થાન બનાવું. આવું નિવાસસ્થાન બનાવવા માટે એ રાતદિવસ મહેનત કરશે. એ ભોજન કરતો હશે કે ભજન કરતો હશે, પણ બધા જ સમયે ગગનચુંબી મહેલ જેવા નિવાસસ્થાનનું જ એને રટણ હશે. એ દિવસે એની પાછળ દોડતો હશે અને રાત્રે એનાં સ્વપ્ન સેવતો હશે. એ કાર્યની સિદ્ધિ માટે જીવનમાં સુખ અને શાંતિને બાજુએ મૂકશે. પોતાના સ્વાસ્થ્યની કે પોતાનાં બાળકોના સંસ્કારની પણ પરવા નહીં કરે.
બસ, એને તો એક જ રટણ છે કે વિરાટ ગગનચુંબી નિવાસસ્થાન બનાવું. એવું નિવાસસ્થાન બનાવવું કે એના જેવું ઊંચું, વૈભવી નિવાસસ્થાન આ નગરમાં કોઈનું ય ન હોય. એનાથી વધારે ભૌતિકતા અને સંપન્નતા હશે તો એ વિચારશે કે એવું નિવાસસ્થાન બનાવું કે એના જેવું આખા રાજ્યમાં અન્ય કોઈનું ન હોય! એથી આગળ વધીને કોઈ વિચારશે કે દેશમાં કે દુનિયામાં ન હોય એવું વૈભવશાળી નિવાસસ્થાન બનાવું.
બસ, કબીર કહે છે તેમ માયાની મોહિની પાછળ એની દોડ ચાલવા લાગશે અને એ માયાની ઇચ્છા કોઈની ય પૂરી થતી નથી. ગગનચુંબી નિવાસસ્થાન તૈયાર થાય અને પેલો ધનકુબેર ત્યાં રહેવા જાય, તે પછી જો કોઈ એનાથી વધારે વૈભવશાળી ગગનચુંબી નિવાસસ્થાન બનાવે, તો એનું નિવાસસ્થાન એના મનમાં રાતોરાત ધરાશાયી થઈ જાય છે. ધરતીકંપ થાય છે. પહેલા જે રુઆબથી પોતાના નિવાસમાં ધૂમતો હતો, તે રુઆબ થોડો ઓછો થઈ જાય છે. પહેલાં મિત્રો સાથેની વાતોમાં કે અખબારોના પ્રચારમાં જેની વાત ગાઈ-બજાવીને કરતો હતો, એમાં હવે જુસ્સો ઓછો થઈ જશે. એને ખુદ એવો અનુભવ થશે કે આ વાતનો પહેલાં જેવો ‘વટ’ પડતો હતો, એવો ‘વટ’ હવે પડતો નથી.
આ રીતે માયાને ‘ઠગિની’ એ માટે કહેવામાં આવી કે એ પહેલાં માણસને એના મોહમાં નાખે છે અને પછી એને ઠગે-છેતરે છે. સ્વયં સંત કબીર કહે છે કે ભૌતિકતાની કોઈની ય ઇચ્છા પૂરી થતી નથી. બીજી પંક્તિમાં સંત કબીર અંતર્મુખતાની વાત કરે છે. એ કહે છે કે ‘માયાને ખોટી સમજીને જે મનથી ઉતારી દે છે, તેની પાછળ પાછળ એ ફરે છે.’
આનો અર્થ એ કે જે બહિર્મુખતાને મનથી ઉતારીને એટલે કે મનમાંથી દૂર કરીને અતર્મુખતા અપનાવે છે એની પાછળ એ ફરે છે. અર્થાત્ ભૌતિક ઇચ્છાનો ત્યાગ કરવાથી પૂર્ણતા સધાય છે.
ધર્મ એ એક અર્થમાં પૂર્ણતાનો પ્રયત્ન છે. પરમેશ્વરની સાથે જોડાયેલી બાબત તે પરમ ઐશ્વર્ય કે પરમ મહાનતા છે અને એને માટે સાધક પાસે પરમ લક્ષ્ય કે પરમ ઘ્યેય હોવું આવશ્યક છે. આથી એમ કહી શકાય કે પરમને પ્રાપ્ત કરવાની ઈચ્છા તે પરમેશ્વરપ્રાપ્તિની ઈચ્છા છે. આવું કહીએ એનો અર્થ વિલક્ષણ છે અને પરમ એટલે શ્રેષ્ઠ અને સૂક્ષ્મ ભાવ જે સાધનાસ્થિતિમાં વર્તમાન સમયમાં હોઈએ, તે સ્થિતિમાંથી વઘુ શ્રેષ્ઠતા કે સૂક્ષ્મતા પ્રાપ્ત કરવાનો ભાવ થાય તેને પરમેશ્વર પ્રાપ્તિની ઇચ્છા કહેવાય છે.
ઘ્યેય તો દરેક વ્યક્તિ પાસે હોય છે, પરંતુ એણે પરમ ઘ્યેયનો વિચાર કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદ પ્રારંભમાં આની જ ખોજ કરતા હતા. આવા પરમ ઘ્યેયનો વિચાર કરતાં પહેલાં સાધકે સ્વજીવનનો વિચાર કરવો જોઈએ. એણે વિચારવું જોઈએ કે એની પ્રવૃત્તિની દિશા કઈ છે? કેટલીક વ્યક્તિઓ એક પ્રવૃત્તિથી આરંભ કરે છે. એમાં થોડા આગળ વઘ્યા ન હોય, ત્યાં બીજી પ્રવૃત્તિ ઝડપી લે છે અને એવામાં ત્રીજી પ્રવૃત્તિનો પ્રારંભ કરી દે છે. ઘણી વ્યક્તિઓ જીવનમાં પ્રવૃત્તિ કરતી વખતે એ પ્રવૃત્તિનો વિચાર કરતી હોય છે, સમગ્ર જીવનનો નહીં. પોતાના જીવનઘ્યેયને એણે જીવનના ચોકની વચ્ચે રાખીને જોવું જોઈએ. જો આમ નહીં કરે તો એ પ્રવૃત્તિઓમાં વહેંચાઈ જશે અને પરિણામે એની પાસે કોઈ એક નિશ્ચિત ઘ્યેય નહીં રહે. આવે સમયે પરમ ઘ્યેયની તો વાત ક્યાંથી કરવી?
ઉત્તરઘુ્રવ પર યાત્રા કરનાર કે દરિયાઈ ખેપ કરનાર સાથે નકશો રાખીને નીકળતો હોય છે. વ્યક્તિની પાસે એના જીવનસમગ્રનો એક નકશો હોવો જોઈએ અને એ નકશા પ્રમાણે એણે ચાલવું જોઈએ. જો એમ ન ચાલે તો એ ખૂબ દોડાદોડ કરતો હશે અને છતાં એને ખ્યાલ નહીં આવે કે એની આ દોડાદોડ ઉદ્દેશહીન કે લક્ષ્યહીન છે. ધીરે ધીરે એવું પણ બનશે કે એની પ્રવૃત્તિઓની જાળ વધતાં દોડાદોડ વધી જશે પછી વ્યસ્તતા એ એનો સ્વભાવ બની જશે. હજી એક પ્રવૃત્તિ માંડ પૂર્ણ થઈ હોય, ત્યાં એ બીજી પ્રવૃત્તિ પર હાઈ-જમ્પ લગાવશે અને બનશે એવું કે બીજા લોકોને એ અત્યંત પ્રવૃત્તિશીલ દેખાશે અને હકીકતમાં એની આ સઘળી પ્રવૃત્તિઓ આડેધડ અને ઘ્યેયહીન હશે.
|