| ટ્રનમાં મુસાફરોનો જ નહીં રેલવે કર્મચારીઓનો સામાન પણ અસલામત
(પ્રતિનિધિદ્વારા) વડોદરા, શનિવાર
સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં રિઝર્વ કોચમાંથી ટિકીટ ચેકરની બેગ ચોરાઈ જતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે ટીસીની ફરિયાદને આધારે વડોદરા રેલવે પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.
રિઝર્વ કોચમાં ટીસીની સીટ ઉપરની સાંકળ તોડીને ગઠિયો બેગ ઉઠાવી ગયો ઃ સૂર્યનગરી એક્સપ્રેસમાંથી મુસાફરનું લેપટોપ ચોરાયુ
રેલવે પોલીસનાં સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, મધ્યપ્રદેશનાં રતલામ શહેરનાં હુક્કાભાઈ પલાસ રેલવેમાં ટિકીટ ચેકરની ફરજ બજાવે છે. ૧૭મીએ તેઓ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ફરજ ઉપર ચડયા હતા. ટ્રેનમાં પહોંચતાની સાથે જ તેમણે પોતાની સીટ પાસેની બારી ઉપર સાંકળથી પોતાની બેગ બાંધી દીધી હતી. ત્યારપછી તેઓ રિઝર્વ કોચમાં ટિકીટ ચેકિંગ કરવા ગયા હતા. જે દરમિયાન કોઈ ગઠિયાએ તેમની સીટ પરની સાંકળ કાપીને તેમની બેગ ચોરી લીધી હતી. આ બનાવ અંગે ટીસીએ નોંધાવેલી ફરિયાદને આધારે વડોદરા રેલવે પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.
બીજી તરફ અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં આવેલા ઉપેન્દ્ર પાર્કમાં રહેતા દિપકભાઈ ખટવાલ (ઉં.વ-૫૧) મુંબઈ જવા માટે ૨૦મીએ સુર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા હતા. ટ્રેનનાં રિઝર્વ કોચમાં મુસાફરી કરી રહેલા દિપકભાઈની નજર ચુકવીને કોઈ ગઠિયો તેમનું રૃપિયા ૨૩,૭૦૦ની કિંમતનું લેપટોપ ચોરી ગયો હતો. આ બનાવ અંગે તેમણે નોંધાવેલી ફરિયાદને આધારે વડોદરા રેલવે પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે. |