| |
ભાવનગર, શનિવાર
હિન્દુસ્તાન આઝાદ થયા પછી રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં માત્ર માર્ચ પાસ પરેડમાં ભાગ લેતી પોલીસ આ વખતે સૌ પ્રથમવાર પ્રજાસત્તાક દિન ઉજવણીમાં ગુજરાતના ભાતીગળ સામુહીક લોકનૃત્યોના કાર્યક્રમો સાથે હાલારી લોકગીતના સથવારે અશ્વનૃત્ય પણ રજૂ કરશે. ગુજરાત પોલીસ પરીવારનો આ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ ''ના ભુતો ના ભવિષ્યતી'' બની રહેશે.
બેડારાસ, તાડીરાસ, માંડવડી, ડાંગીનૃત્ય, અઠંગો, ટીટોડો, દાંડીયારાસ રજૂ કરી પોલીસ પ્રેક્ષકોના મન ડોલાવશે
શહેરના જવાહર મેદાન ખાતે પ્રજાસત્તાક દિન ઉજવણી અંગે બનાવવામાં આવેલ ૧૬ ગ્રાઉન્ડ લેવલ સ્ટેજ પરથી ગુજરાતના વિવિધ જીલ્લાના પોલીસ કર્મચારીઓ અને તેના પરિવારના સભ્યોની બનેલી ૧૬ ટીમો, કવી કાગના રચેલા દુહા-સાંઇરામ દવેના રચેલા લોકગીતો અને ઝવેરચંદ મેઘાણીનાં શૌર્યગીતો સાથે એકજ રીધમમાં ૧૬ ભાગોમાં બેડારાસ, તાડીરાસ, માંડવડી, ડાંગીનૃત્ય, અઠંગો, ટીટોડો, ઢાલ-તલવાર, સાથીયા રાસ અને દાડીયારાસ રજુ કરી પ્રેક્ષકોના મન ડોલાવી દેશે. લોકનૃત્યોના અંતભાગે હાલારી લોકગીત ''હાલારી તારા હાથ વખાણુ''ના તાલે, ગ્રાઉન્ડ પરિસરમાં ૪૦ તલવાર અને ભાલાધારી અશ્વ સવારો અશ્વ નૃત્ય રજુ કરશે. ૧૬ ગ્રાઉન્ડ સ્તરના સ્ટેજની વચ્ચો વચ્ચ ભાવનગર પોલીસ પરીવારની યજમાન ટીમ પરફોર્મન્સ કરશે.
આ સમગ્ર લોકનૃત્યોની કોરીયોગ્રાફી અને નિદર્શન ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા, આં.રા. કોરીયોગ્રાફ્ટ, જામનગરના પોલીસ કર્મચારી જે.સી.જાડેજાએ કરેલ છે. ભાવનગર પોલીસ પરિવાર લોકનૃત્ય ટીમનો કોરીયોગ્રાફ જગદીશ પંડયાએ અને પોલીસ કોન્સ્ટેબલ જીમીએ કરેલ છે. આ કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલ લોકગીતો અને દુહા, છંદનો ટ્રેડ જામનગર પોલીસ બેડાના ધનશામદાન ગઢવી અને ગોંંડલ એસ.આર.પી. ગૃપના ભરતદાન ગઢવીના કંઠે તૈયાર કરાયેલ છે. જ્યારે ગંગાજળીયા ગોહીલ કુળના કુળદેવી ખોડીયાર માતાજી, હમિરજી ગોહિલ, મોખડાજી ગોહિલ, પૂ.બજરંગદાસ બાપા અને પ્રાંતઃસ્મરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની ઐતીહાસીક ઝાંખી રાજકોટ એસ.આર.પી. ગૃપના રસિક બોખરીયાએ પોતાના લોકસાહિત્યક ભાષામાં આગવી ઢબે આપેલ છે. સમગ્ર ઇન્વેટનું નિયમન જીલ્લા પોલીસ અધિકારી વી.ચંદ્રશેખરની નીગરાની નીચે ભાવનગર ટીમના નીયામક રીર્ઝવ પી.એસ.આઇ. સામંતસિંહ જાડેજા સંભાળી રહ્યાં છે.
તા.૨૬-૧નાં રોજ સવારે ૧૧ કલાકે, રાજ્યના મુખ્યમંત્રી અને તેના પ્રધાનમંડળના સદસ્યોની ઉપસ્થિતિમાં યોજાનાર પ્રજાસત્તાક દિન ઉજવણી પ્રસંગે રજુ થનાર ગુજરાત પોલીસ પરિવારનો આ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ ''ના ભુતો ના ભવિષ્યતી'' બની રહેશે. |