ભાવનગર, શનિવાર
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા આધેડની સળગાવી દીધેલ હાલતે શામપરાથી કણકોટ રોડ ઉપરથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક આધેડ શહેરની હાઇસ્કુલમાં ફરજ બજાવતા હોવાનું ખુલવા પામ્યું હતું. ઘટનાના પગલે વરતેજ પી.એસ.આઇ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
વિદ્યાનગર ખાતે રહેતા શિક્ષકની મૃત હાલતે લાશ મળી ઃ મૃતકના ઘરેણા અને બાઇક લાપતા મળ્યા
ચકચારી ઘટના સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા અને ભાવનગર પરા વિસ્તારમાં આવેલ શારદામંદિર હાઇસ્કુલમાં ફરજ બજાવતા શિક્ષક પીનાકીનભાઇ ચંદ્રકાંતભાઇ જાની (ઉ.વ.૫૨)ની લાશ સળગાવી નાખેલ હાલતે મળી આવી હતી. શખ્સોએ લાશ ઓળખી ન શકાય તેવી રીતે સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ શામપરા સીમથી કણકોટ રોડ પર કર્યો હતો. તેમજ આધેડ શિક્ષકના ઘરેણા કે બાઇક ઘટના સ્થળ પર ન મળી આવી લાપતા મળ્યા હતાં. ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.
ઉક્ત ઘટનાના પગલે વરતેજ પી.એસ.આઇ. જે.આર.જાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને લાશનો કબ્જો મેળવી પોસ્ટ મોટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ઉક્ત ઘટનાના પગલે મૃતક શિક્ષકના બનેવી અશોકહર્ષ કૃષ્ણહર્ષ પંડયા (ઉ.વ.૪૯) રે.કાળીયાબીડ, પ્લોટ નંબર સી/૧૫૫, લખુભા હોલ પાછળ વાળાએ વરતેજ પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો સામે તેના સાળાને કોઇ કારણસર સળગાવી નાખી મોત નિપજાવી ગુનો કર્યા બાબતે ફરીયાદ નોંધાવતા વરતેજ પોલીસે આઇ.પી.સી. ૩૦૨ તળે ગુનો દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઇ.એ હાથ ધરી હતો.
|