Last Update : 20-Jan-2012,Friday
 

ઓરિસ્સાના પિપલી ગેન્ગરેપ કેસમાં પ્રધાનશ્રી પણ સંડોવાયેલા છે

 

ભુવનેશ્વરથી માત્ર ૧૦ કિલોમીટર દૂર આવેલાં ગામમાં ૧૯ વર્ષની દલિત કન્યા ઉપર થયેલા બળાત્કારની ફરિયાદ પ્રધાનશ્રીના દબાણને કારણે ૪૨ દિવસ સુધી નોંધાઇ નહોતી

રાજસ્થાનમાં ભંવરી દેવીનું પ્રકરણ બહુ ચગ્યું તે પછી તેમાં સંડોવાયેલા જાહેર બાંધકામ ખાતાંના પ્રધાન મહિપાલ મદેરણાએ રાજીનામું આપવું પડયું હતું અને છેવટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. કાગડા બધે કાળા હોય છે તેમ રાજકારણીઓ બધે ખરડાયેલા જ હોય છે. આ રાજકારણીઓ ક્યાં તો પોતે ક્રિમિનલ હોય છે અને ક્યાં તેઓ ક્રિમિનલ તત્ત્વોને સંરક્ષણ પૂરું પાડતા હોય છે. આ સમાજકંટકો જ્યારે નિર્દોષ પ્રજા ઉપર અત્યાચારો ગુજારે ત્યારે રાજકારણીઓ તેમની ઢાલ બનતા હોય છે અને તેમને કાયદાની પ્રક્રિયાથી પણ બચાવી લેતા હોય છે. રાજસ્થાનમાં ભંવરી દેવીનાં પ્રકરણની જેમ આજકાલ ઓરિસ્સામાં પિપલી ગામે ૧૯ વર્ષની દલિત યુવતી પર થયેલા ગેન્ગરેપનું પ્રકરણ ગાજી રહ્યું છે. આ પ્રકરણમાં સંડોવાયેલા બીજુ જનતા દળના એક પ્રધાને રાજીનામું આપ્યું છે પણ આ પ્રકરણમાં આખી સરકારની ભૂમિકા શંકાસ્પદ છે. વિપક્ષો તો આ પ્રકરણને દબાવી દેવા બદલ નવીન પટનાઇક સરકારનું પણ રાજીનામું માંગી રહ્યા છે.
ઓરિસ્સાના પૂરી જિલ્લાના પિપલી ગામે ગયાં વર્ષની ૨૮ નવેમ્બરે એક ૧૯ વર્ષની દલિત યુવતી પર ચાર પુરૃષોએ સામૂહિક બળાત્કાર કર્યો અને પછી તેની હત્યા કરવાની પણ કોષિશ કરી હતી. બળાત્કાર અને હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા ઇસમો ઓરિસ્સાના કૃષિ પ્રધાન પ્રદીપ મહારથીના ઓળખીતાઓ હતા. આ ઇસમો દ્વારા ઈ.સ. ૨૦૦૮ દરમિયાન આ જ યુવતીની છેડતી કરવામાં આવી હતી. યુવતીએ તેમની સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી, જે કેસ હજી ચાલુ છે. દલિત યુવતીને પાઠ ભણાવવા આ ઇસમોએ તેની ઉપર ગેન્ગરેપ કર્યો હતો અને તેનું મર્ડર કરવાની પણ કોષિશ કરી હતી, પણ યુવતીનું નસીબ જોર કરતું હોવાથી તે બચી ગઇ હતી. આ યુવતીનાં માતાપિતાએ ઘટનાના બીજા જ દિવસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને બળાત્કારીઓ સામે ફરિયાદ નોંધાવવાની કોષિશ કરી હતી, પણ તેમની ફરિયાદ નોંધવામાં આવી નહોતી.
સુપ્રિમ કોર્ટનો ભારતનાં તમામ પોલીસ સ્ટેશનોને કડક આદેશ છે કે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવવા આવે ત્યારે પોલીસે તાત્કાલિક એફઆઇઆર નોંધવી જોઇએ અને કેસની તપાસ શરૃ કરવી જોઇએ. જોકે વ્યવહારમાં આપણને અલગ જ અનુભવ થાય છે. ફરજ ઉપરના પોલીસ અધિકારી ફરિયાદ નોંધવાની બાબતમાં જરાય ઉત્સુક હોતા નથી, કારણ કે જો ફરિયાદ નોંધાય તો તેમણે ગુનાની તપાસ કરવી પડે એમ હોય છે. ઘણી વખત તો ચોરી, લૂંટફાટ જેવા કેસોમાં ફરિયાદ નોંધીને ચોરને પકડવા માટે પણ પોલીસને લાંચ આપવી પડે છે. બળાત્કારનો ભોગ બનેલી દલિત મહિલાની ફરિયાદ નોંધવામાં ન આવી તેનું કારણ એ હતું કે બળાત્કાર કરનારાઓ પિપલીના વિધાનસભ્ય અને કૃષિ પ્રધાન પ્રદીપ મહારથીના ઓળખીતાઓ હતા. હકીકતમાં બળાત્કાર કરીને તેમણે પ્રદીપ મહારથીના ફાર્મ હાઉસમાં જ રાત વિતાવી હતી. પ્રદીપ મહારથી પોતે પ્રધાન હોવાથી તેમણે સ્થાનિક પોલીસ અધિકારી ઉપર પોતાની વગનો ઉપયોગ કરીને તેને ફરિયાદ ન નોંધવા સમજાવી લીધો હતો.
કોઇ પણ પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ નાગરિક ફરિયાદ લઇને જાય ત્યારે પોલીસની ફરજ આ ફરિયાદ તાત્કાલિક નોંધવાની અને ગુનાની તપાસ કરવાની બને છે. ઘણા કિસ્સાઓમાં પોલીસ ગુનેગારોને ઓળખતી હોય છે અથવા તેના હપ્તા ખાતી હોય છે. આ કારણે તે ફરિયાદ નોંધવામાં ગલ્લાંતલ્લાં કરે છે. પિપલીના સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરી દીધો, કારણ કે આરોપીઓ પ્રધાનશ્રીના ઓળખીતા હતા અને પ્રધાનશ્રીએ પોલીસ અધિકારીના કાનમાં ફૂંક મારી દીધી હતી.
દલિત કન્યા ઉપર બળાત્કાર ગુજારનારા ઇસમોએ તેની હત્યા કરવાની પણ કોષિશ કરી હતી. આ કારણે આ કન્યા કોમમાં સરી પડી હતી. આ કન્યા કટકની એસસીબી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. હજી આ કન્યા ભાનમાં આવી નથી. પિપલીમાં દલિત કન્યા ઉપર થયેલા ગેન્ગરેપના સમાચાર જેમ પ્રસરતા ગયા તેમ લોકોનો રોષ પણ વધતો ગયો. વિપક્ષમાં રહેલો ભાજપ પણ સક્રિય થઇ ગયો. હાઇકોર્ટમાં આ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી. હાઇ કોર્ટના આદેશને પગલે છેક ૯મી જાન્યુઆરીએ આ કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી. ત્યારબાદ પોલીસ ઉપર હાઇકોર્ટનું દબાણ આવી ગયું એટલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. ચોથો આરોપી હજી પોલીસને ચોપડે નાસતો ફરે છે. બળાત્કાર ગુજાર્યા પછી આ ઇસમો દોઢ મહિના સુધી છડેચોક ગામમાં ફરતા હતા, પણ પોલીસને તેમની ધરપકડ કરવાની ઇચ્છા નહોતી. હવે હાઇકોર્ટના આદેશને પગલે આ પોલીસ સ્ટેશનના વડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પૂરી જિલ્લાના જે ગામમાં દલિત મહિલા ઉપર સામૂહિક બળાત્કાર થયો એ ગામ ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી માત્ર ૧૦ કિલોમીટરના અંતરે જ આવેલું છે. તેમ છતાં આ બળાત્કારની ઘટનાને દાબી દેવાના જે પ્રયાસો ઉચ્ચ સ્તરે થયા તેને કારણે મુખ્ય પ્રધાન નવીન પટનાઇક સુધી આ સમાચાર પહોંચતા એક મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો હતો. મુખ્ય પ્રધાન નવીન પટનાઇકને જ્યારે ખ્યાલ આવ્યો કે આ પાશવી બળાત્કારમાં તેમના પ્રધાનમંડળના સાથીદારની પણ સંડોવણી છે ત્યારે તેમણે પહેલાં આ ઘટના ઉપર ઠંડું પાણી રેડવાની કોષિશ કરી હતી. બધી વિવાદાસ્પદ ઘટનામાં બનતું હોય છે તેમ પ્રજાના રોષને શાંત પાડવા મુખ્ય પ્રધાન નવીન પટનાઇકે આ પ્રકરણની ન્યાયાલીન તપાસનો આદેશ આપ્યો અને ત્રણ મહિનામાં તેનો હેવાલ રજૂ કરવાની તાકીદ કરી. તેમ છતાં પ્રજાનો રોષ શાંત થવાને બદલે વધ્યો.
પિપલી ગેન્ગરેપનું પ્રકરણ ઓરિસ્સામાં એક મોટા રાજકીય વિવાદનું સ્વરૃપ ધારણ કરી ચૂક્યું છે. જ્યારે રાષ્ટ્રીય મહિલા આયોગને આ પ્રકરણી જાણ થઇ ત્યારે તેમણે આ બાબતમાં તપાસ કરવાનું કામ તેના ઉચ્ચ અધિકારીને સોંપ્યું છે. આ દરમિયાન આ પ્રકરણના આરોપીઓને છાવનારા કૃષિ પ્રધાન પ્રદીપ મહારથીનાં રાજીનામાંની માંગણી દિવસે દિવસે ઉગ્ર બની રહી હતી. પ્રદીપ મહારથી છેલ્લી પાંચ ચૂંટણીઓથી આ મતવિસ્તારના વિધાનસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. હજી ૧૦ મહિના પહેલાં જ તેઓ પ્રધાનમંડળમાં જોડાયા છે. મુખ્ય પ્રધાન નવીન પટનાઇકે મહારથીનાં રાજીનામાં બાબતમાં વિચારણા કરવા પ્રધાનમંડળની અને ઉચ્ચ સનદી અધિકારીઓની બેઠક બોલાવી હતી. જ્યારે તેમને લાગ્યું કે હવે બીજો કોઈ વિકલ્પ જ બાકી નથી રહ્યો ત્યારે મહારથીને રાજીનામું આપવાની સૂચના આપવી પડી હતી.
ભાજપના નેતાઓ હવે એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ પ્રકરણમાં પોલીસે મહારથીની સૂચનાથી જે ભૂંડી ભૂમિકા ભજવી તે બદલ સરકારની નૈતિક જવાબદારી સ્વીકારીને મુખ્ય પ્રધાન નવીન પટનાઈકે પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ. નવીન પટનાઇકની સૂચનાથી પિપલી પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી અનિલ ચંપાતિરાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને તેમની સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. વિપક્ષો કહે છે કે આ કેસમાં મુખ્ય જવાબદારી નવીન પટનાઇકની છે, કારણ કે તેમના પ્રધાનમંડળના સાથીદારના મળતિયાઓ દ્વારા આ પાશવી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને પ્રધાન દ્વારા ગુનેગારોને બચાવવા માટે સત્તાનો દુરૃપયોગ કરવામાં આવ્યો છે.
અનેક વિવાદોનો સામનો કરી રહેલી નવીન પટનાઇકની સરકાર સામે મોરચો માંડવાની વિપક્ષને તક મળી ગઇ છે.
આ બાજુ સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દલિત યુવતીની હાલત અત્યંત નાજુક છે. તેની સારવાર માટે તેને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસની હોસ્પિટલમાં દાખલ કરવાની પેરવી રાજ્ય સરકારે કરી હતી, પણ યુવતીના પરિવારજનો દ્વારા તેને દિલ્હી લઇ જવાનો વિરોધ કરવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા દિલ્હી અને મુંબઈના નિષ્ણાંત ડૉક્ટરો આ યુવતીને ભાનમાં લાવવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. આ યુવતી ભાનમાં આવે અને પોલીસને નિવેદન આપે તેની રાહ જોવાઈ રહી છે. યુવતીનાં નિવેદનના આધારે જ આ પ્રકરણમાં હકીકતોને છાવરવામાં કોની કેટલી જવાબદારી છે તેનો ખ્યાલ આવશે.
ભારતનું રાજકારણ એક કરતાં વધુ સેક્સ સ્કેન્ડલોથી ઘેરાઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવ અને માયાવતીના પ્રધાનમંડળમાં કામ કરી ચૂકેલા એક કરતાં વધુ પ્રધાનો બળાત્કારના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. રાજસ્થાનમાં ભંવરી દેવીનું પ્રકરણ હજી તાજું છે, જેમાં અશોક ગેહલોત સરકારના એક વરિષ્ઠ નેતા આજે જેલમાં છે. હવે ઓરિસ્સાના પ્રધાને બળાત્કારીઓને છાવરવાના આક્ષેપ હેઠળ રાજીનામું આપવાની નોબત આવી છે. બળાત્કારનો ભોગ બનેલી યુવતી ભાનમાં આવશે અને નિવેદન આપશે તેના આધારે આ ગુનામાં પ્રધાનશ્રીની ભૂમિકા બાબતમાં વધુ માહિતી મળશે અને કદાચ તેમની ધરપકડ કરવામાં આવે તેવું પણ બની શકે છે. આ પ્રકરણમાં ઓરિસ્સાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક પોતાની સરકારની ઇજ્જત બચાવવાની ફિકરમાં છે તો વિપક્ષો તેમને ઉથલાવી કાઢવાનું બહાનું શોધી રહ્યાં છે.
આમિર ખાને થોડા સમય પહેલાં 'પિપલી લાઈવ'નામની ફિલ્મ બનાવી હતી, જેમાં ભારતનાં ગામડાંઓમાં ગરીબ કિસાનો કેવી દર્દનાક હાલતમાં જીવી રહ્યા છે અને રાજકીય પક્ષો પોતાની ભાખરી શેકવા આ કિસાનોનો કેવો ઉપયોગ કરી રહ્યા છે તેની કથા કટાક્ષપૂર્વક વણી લેવામાં આવી છે. ઓરિસ્સામાં અત્યારે જે પ્રકરણ ચાલી રહ્યું છે તે 'પિપલી-પાર્ટ ટુ' જેવું છે. આ પ્રકરણમાં દલિતો ઉપર અને ખાસ કરીને દલિત મહિલાઓ ઉપર દેશનાં ગામડાંઓમાં ક્યા પ્રકારના અત્યાચારો ગુજારવામાં આવે છે, તેમાં પોલીસની, પ્રધાનોની અને રાજકીય પક્ષોની શી ભૂમિકા હોય છે, તેનો પણ ખ્યાલ આવે છે. ઓરિસ્સામાં દલિત મહિલા ઉપરના ગેન્ગરેપ બાબતમાં જે રાજકીય ધમાસણ ચાલી રહ્યું છે તેમાં પણ દલિત મહિલાને ન્યાય મળે એવી ચિંતા બહુ ઓછા રાજકારણીઓની છે.
તેઓ તો આ કિસ્સાને જેટલો ચગાવી શકાય એટલો ચગાવીને રાજકીય પોઇન્ટ સ્કોર કરવા માંગે છે. આ સંયોગોમાં દેશમાં મહિલાઓ ઉપરના અત્યાચારો ઓછા થાય તેવી કોઇ સંભાવના જણાતી નથી.
- સુપાર્શ્વ મહેતા

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

બાળકોના લંચબોક્સ પેક કરતાં શું ઘ્યાન રાખશો?
લીવરને બચાવવું હોય તો ઓલિવ ઓઈલ ખાવ
 

Gujarat Samachar Plus

મેરી અઘૂરી કહાની... લો દાસ્તાં બન ગઈ
સી.એમાં ગુજરાતનો ગઢ અકબંઘ
અલખના અલંકાર હવે યુવાઓના ટશન ટ્રેન્ડ
નળ સરોવરના મુલાકાતીઓમાં ૩૦ ટકાનો ઘટાડો
ભારતની સૌથી મોટી હાફ મેરેથોનનો શ્રેય ગુજરાતને
અરોમા કોલેજમાં એચ.આઇ.વી જાગૃતિ કાર્યક્રમ
પોતાની વાત કેમ કરીને સમજાવશો?
મહેંદી જૂની , સ્ટાઈલ નવી
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ૠત્વિક રોશન અમદાવાદની મુલાકાતે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved