| Last Update : 20-Jan-2012,Friday |
|
|
| |
|
|
|
|
૧૦૦ વર્ષ પછી ટાઈટેનિકની દુર્ઘટનાનું પુનરાવર્તન ?
|
| |
કોસ્ટા કોન્કોર્ડિયાના કેપ્ટને પોતાની પ્રેમિકાને ઇમ્પ્રેસકરવા ગિગ્લિયો ટાપુની અત્યંત નજીકથી સ્ટીમર ચલાવી તેને કારણે આ ભીષણ દુર્ઘટના થઈ હતી
અંગ્રેજીમાં કહેવાત છે કે 'હિસ્ટરી રિપીટ્સ ઇટસેલ્ફ' આ કહેવત શુક્રવારે ઇટાલીના દરિયાકિનારે સાચી પડી હોઈ તેવાં દ્રશ્યો સર્જાયાં. આજથી ૧૦૦ વર્ષ અગાઉ ઇ.સ. ૧૯૧૨ની એક સવારે લક્ઝરી લાઈનર 'ટાઈટેનિક' તેની પહેલવહેલી સફરે નીકળ્યું હતું. ટાઈટેનિકમાં કુલ ૨,૨૨૩ યાત્રિકો આયર્લેન્ડથી ન્યુયોર્ક જવા નીકળ્યા હતા. ટાઈટેનિકની ગણના તે સમયે વિશ્વની શ્રેષ્ઠ સ્ટીમર તરીકે થતી હતી. ટાઈટેનિકે ચાર દિવસની સફર પૂરી કરી ત્યાં તો એક હિમશિલા સાથે ટકરાયું હતું અને તેના ટુકડા થઈ ગયા હતા. ટાઈટેનિકમાં મુસાફરી કરી રહેલા સહેલાણીઓ ડીનરની મજા માણી રહ્યા હતા. તેઓ એવા ભ્રમમાં હતા કે ટાઈટેનિક ડૂબે જ નહીં. પરંતુ ટાઈટેનિક ડૂબી ગયું હતું અને તેના ૧,૫૧૭ મુસાફરો સમુદ્રમાં ગરકાવ થઈને મૃત્યુ પામ્યા હતા. ટાઈટેનિકની જેમ કોસ્ટા કોકોર્ડિયા પણ લક્ઝરી લાઈનર હતી. તેમાં વિશ્વના ૪,૨૦૦ ધનિકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ પણ સાંજના સમયે ડીનર લઈ રહ્યા હતા અને પાર્ટી કરી રહ્યા હતા ત્યારે તેમની સ્ટીમર ખડકો સાથે અફળાઈ હતી અને પ્રચંડ ધડાકા સાથે તૂટી પડી હતી. ફરક એટલો હતો કે કોસ્ટા કોન્કોર્ડિયાની દુર્ઘટનામાં માત્ર છ યાત્રિકોનાં મોત થયાં હતાં.
આપણે ટાઈટેનિક ફિલ્મમાં જોયું હતું કે જ્યારે સ્ટીમર ડૂબી રહી હતી ત્યારે હીરો અને હિરોઈન તેમની અભિવ્યક્તિ કરવામાં ગૂંથાયેલા હતા. આ પ્રકારના દ્રશ્યો કોસ્ટા કોન્કોર્ડિયા ડૂબી રહ્યું હતું ત્યારે પણ જોવા મળ્યાં હતાં. આ સ્ટીમરમાં પણ હનીમૂન ઉપર આવેલાં અનેક યુગલો હતાં. બચાવકારો જ્યારે સ્ટીમરમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે કેબિનમાંથી 'સેવ... સેવ'ના અવાજો આવી રહ્યા છે. આ કેબિનમાં હનીમૂન કરવા આવેલું દક્ષિણ કોરિયાનું યુગલ કેબિન તોડીને બહાર આવવાની મથામણ કરી રહ્યું હતું. રવિવાર રાત સુધી સ્ટીમરની કેબિનોમાંથી આ પ્રકારના અવાજો બહાર આવી રહ્યા હતા, જેના પરથી ખ્યાલ આવતો હતો કે હજી ઘણા યાત્રિકો અંદર ફસાયેલા હતા. આ દુર્ઘટનામાં જેઓ બચી ગયા છે તેમાંના ઘણાએ ટાઈટેનિક ફિલ્મ જોઈ હતી. તેમનું કહેવું છે કે સ્ટીમર ખાલી કરવા માટે જે સમય આપવામાં આવ્યો તે બહુ ઓછો હતો, જેને કારણે ઘણા લોકો હાંફળાફાંફળા થઈને દોડતા હતા, જેને કારણે તેમના હાડકાં પણ ભાંગી ગયાં હતાં.
કોસ્ટા કોન્કોર્ડિયા સ્ટીમર ૪૫ કરોડ ડોલર (આશરે ૨,૩૦૦ કરોડ રૃપિયાના) ખર્ચે બાંધવામાં આવી હતી. આ સ્ટીમર જ્યારે ડૂબી રહી હતી ત્યારે ડાઈનીંગ હોલમાં રાત્રિભોજન કરતાં અમુક યાત્રિકો વિડીયો શૂટીંગ કરતા હતા. આ વિડીયોમાં દુર્ઘટનાની પળો કંડારાઈ ગઈ છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ડઝનબંધ પ્લેટો ટેબલ ઉપરથી પડીને દિવાલો સાથે અફળાઈ રહી છે. ટાઈટેનિકની જેમ કોસ્ટા કોન્કોર્ડિયા પણ ૯૦ અંશના ખૂણે પાણીમાં લટકી રહ્યું છે. તેનો અડધો ભાગ પાણીની અંદર છે અને અડધો ભાગ બહાર છે. આ સ્ટીમરની કુલ લંબાઈ આશરે એક એક કિલોમીટર જેટલી હોવાથી જે ભાગ પાણીની અંદર છે તેની લંબાઈ આશરે ૫૦૦ મીટરની છે. આટલી ઊંડાઈસુધી ડૂબકી મારીને કુશળ તરવૈયાઓએ સેંકડો લોકોની જિંદગી બચાવી છે. આ સ્ટીમરના ૧૨ માળ પૈકી સાત સમુદ્રની અંદર છે.
ઇટાલીના સત્તાવાળાઓને એક ચોંકાવનારી વાત જાણવા મળી છે કે જે ગિગ્લિયો ટાપુ નજીક સ્ટીમર દરિયામાં ડૂબી ગઈ તે ટાપુ ઉપર સ્ટીમરના કેપ્ટન ફ્રાન્સેસ્કો શેટ્ટીનોની પ્રેમિકા રહેતીહતી. આ પ્રેમિકા આગળ વટ મારવા અને તેને પોતાની ભવ્ય સ્ટીમર બતાવવા કેપ્ટન આ ટાપુની અત્યંત નજીક સ્ટીમરને લઈ ગયો હતો. સ્ટીમરનો જે મૂળ રસ્તો હતો તેમાં આ ટાપુ આવતો જ નહોતો. પરંતુ પોતાની પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા કેપ્ટને રસ્તો બદલ્યો હતો અને તે ભેખડે ભરાઈ ગયો હતો. ઇટાલીના સત્તાવાળાઓ દ્વારા સ્ટીમરના કેપ્ટનની ધરપકડ કરવામાં આવી છે અને તેની ઉપર માનવહત્યાનો ખટલો માંડવામાં આવ્યો છે. જોકે સ્ટીમરના કેપ્ટને પોતાના બચાવમાં એવી રજૂઆત કરી છે કે તેને જે નક્શો આપવામાં આવ્યો હતો તેમાં ક્યાંય એવો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો કે આ ટાપુ નજીક દરિયો ખડકાળ છે. સ્ટીમરના કેપ્ટન ઉપર એવો આરોપ પણ મુકવામાં આવ્યો છે કે યાત્રિકોના જીવ બચાવવાને બદલે તેઓ અને બીજા કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા દરિયામાં કૂદી પડયા હતા. જોકે કેપ્ટને આ આરોપનો પ્રતિકાર કરતાં જણાવ્યું છે કે છેલ્લા યાત્રિકને બચાવ્યા પછી જ તેમણે સ્ટીમર છોડી હતી.
ગિગ્લિયો ટાપુના રહેવાસીઓ કહે છે કે જ્યારે જ્યારે કોસ્ટા કોન્કોર્ડિયા સ્ટીમર તેમના ટાપુ પાસેથી પસાર થાય છે ત્યારે તેને જોવા માટે ટાપુમાં રહેનારાઓ કિનારાની નજીક આવીને ગોઠવાઈ જાય છે. સ્ટીમરનો કેપ્ટન પણ હંમેશા તેને કિનારાની જરાક નજીક લાવીને સાઈરન વગાડીને લોકોનું અભિવાદન ઝીલે છે. એમ કહેવાય છે કે ભૂતકાળના એક કેપ્ટનની પત્ની આ ટાપુમાં દરિયાકિનારે રહેતી હતી ત્યારથી આ પ્રથા શરૃ થઈ હતી. સ્ટીમરના કેપ્ટનો સામાન્ય રીતે તેને કિનારાથી પાંચેક માઈલ દૂર રાખતા હોય છે, પણ શુક્રવારે કેપ્ટનની ગફલતથી તે બહુ નજીક પહોંચી ગઈ હતી. ટાપુના રહેવાસીઓ કહે છે કે તેમણે સ્ટીમરને આટલી નજીક આવતી કદી જોઈ નહોતી. આ સ્ટીમર દરિયામાં ડૂબી ગઈ ત્યારે ૧૩ તારીખ હતી. આ કારણે ૧૩નો આંકડો અપશુકનિયાળ છે એવી યુરોપિયનોની માન્યતા વધુ દ્રઢ બની છે. સ્ટીમરના કેપ્ટનને જ્યારે ખ્યાલ આવ્યો કે તેનું જહાજ ડૂબી રહ્યું છે ત્યારે તેણે સ્ટીમરની દિશા બદલી હતી અને તેને ટાપુની દિશામાં હંકારી ગયો હતો. આ કારણે સ્ટીમરના તળિયાને વધુ નુકસાન થયું હતું અને તેના તૂટવાની ઝડપ વધી ગઈ હતી. જોકે કેપ્ટનનો એવો દાવો છે કે વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય એ માટે તે સ્ટીમરને કિનારા ભણી હંકારી ગયો હતો. સ્ટીમર એવા એન્ગલે દરિયામાં ડૂબી ગઈ હતી કે યાત્રિકો માટે લાઈફબોટમાં ચડવું પણ મુશ્કેલ બની ગયું હતું. આ કારણે જેમને તરતા આવડતું હતું તેમણે દરિયામાં ઝંપલાવી દીધું હતું અને તેઓ તરીને કિનારે પહોંચી ગયા હતા. આ યાત્રિકોનો તમામ સામાન દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. હવે જાણવા મળ્યું છે કે અતિવિશ્વાસના કારણે સ્ટીમર ઉપડે તે પહેલાં જે ઇમરજન્સી ડ્રીલ કરવાની હોય છે તે કરવામાં જ આવી નહોતી.
કોસ્ટા કોન્કોર્ડિયા સ્ટીમરમાં હજારો કેબિનો છે અને તેમાંથી કેટલીક કેબિનોમાં હજી પણ કેટલાક સહેલાણીઓ સલવાયા હોવાની શક્યતા છે. આ કેબિનો વોટર પ્રુફ હોવાથી જો તેમાં હજી પાણી ન પ્રવેશ્યું હોય તો તેમાંના રહેનારા જીવતા હોય તેવી સંભાવના છે. કુશળ તરવૈયાઓ દરિયામાં ડૂબકીઓ મારીને એકપછી એક કેબિનો ચેક કરી રહ્યા છે અને યાત્રિકોના જીવ બચાવી રહ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે હજી આશરે ૩૦ યાત્રિકોનોપત્તો નથી. તેઓ દરિયામાં ડૂબી ગયા છે અથવા કેબિનોમાં ફસાયેલા છે. આ સ્ટીમરમાં આશરે ૨,૩૦૦ મેટ્રિક ટન જેટલું ઇંધણ છે. જો સ્ટીમરની ઇંધણની ટાંકી તૂટી જાય તો આ બધું ઓઈલ દરિયામાં ફેલાઈ જાય તેમ છે. જો આવું બને તો મોટી પર્યાવરણીય દુર્ઘટના સર્જાઈ શકે છે. આ સંભવિત દુર્ઘટનાને ટાળવા ઇટાલીના સત્તાવાળાઓ તનતોડ પ્રયાસો કરી રહ્યા છે.
કોસ્ટા કોન્કોર્ડિયા સ્ટીમરની માલિકી 'કાર્નિવલ' નામની કંપનીની છે. આ કંપનીને હજી આશા છે કે સમુદ્રમાં અડધી ગરકાવ થયેલી સ્ટીમરને હજી બહાર કાઢી શકાશે અને ફરીથી દરિયામાં તરતી કરી શકાશે. તેમના માનવા મુજબ આ વર્ષના નવેમ્બર મહિના સુધીમાં તેમને આ સ્ટીમરને દરિયામાંથી બહાર કાઢવામાં અને તરતી કરવામાં સફળતા મળશે. જોકે આ પ્રક્રિયામાં તેમને આશરે ૮.૫ કરોડ ડોલર જેટલું નુકસાન તો અવશ્ય સહન કરવું પડશે. આ દુર્ઘટનાના સમાચાર પ્રસરતા આ કંપનીના શેરોમાં ૨૧ ટકાનો કડાકો બોલી ગયો હતો, જેને કારણે કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશનમાં આશરે એક અબજ ડોલરનો ઘટાડો થયો હતો.
કોસ્ટા કોન્કોર્ડિયાનો કેપ્ટન ફ્રાન્સેસ્કો પોતાની ધૂનમાં એટલો મસ્ત હતો કે સ્ટીમર ખડકો સાથે અફળાઈ તે પછી પણ તે કબૂલ કરવા તૈયાર નહોતો કે તેની સ્ટીમર ખરેખર ડૂબી રહી છે. તેને કદાચ એવી આશા હતી કે હજી સ્ટીમરને સહીસલામત કિનારે પહોંચાડી શકશે. આ કારણે ૭૦ મિનિટ સુધી તેણે સ્ટીમરને ખાલી કરવાનો આદેશ આપ્યો નહોતો. આ દરમિયાન સ્ટીમરના ખલાસીઓ વ્યાકુળ થઈ ગયા હતા. તેમણે કેપ્ટન સામે રીતસર બળવો કરીને ઉતારુઓને ડેક ઉપર આવવા અને લાઈફ બોટોમાં બેસવાનો આદેશ કર્યો હતો, જેને કારણે ઘણા જીવ બચી ગયા હતા.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને માનવજાત ગમે એટલાં અદ્યતન હવાઈ જહાજો કે સ્ટીમર બનાવે, આખરે તેનું સુકાન તો કાળા માથાના માનવીને જ સોંપવામાં આવે છે. આ કારણે કોઈપણ અદ્યતન ઉપકરણમાં માનવીય ભૂલનો અવકાશ રહે છે. આજથી ૧૦૦ વર્ષ અગાઉ સ્ટેટ ઓફ ધ આર્ટ ગણાતી ટાઈટેનિક ડૂબી ગઈ હતી તેમ ચાર દિવસ અગાઉ કોસ્ટા કોન્કોર્ડિયાએ જળસમાધિ લીધી છે. આ ઉપરથી એટલું જ સાબિત થાય છે કે ગમે એટલી અદ્યતન ટેકનોલોજી માનવના હાથમાં સોંપવામાં આવે ત્યારે તે ફૂલપ્રૂફ હોતી નથી. ૧૦૦ વર્ષ અગાઉની દુર્ઘટનામાં અને વર્તમાન દુર્ઘટનામાં ફરક માત્ર એટલો છે કે ટાઈટેનિકની સરખામણીએ કોસ્ટા કોન્કોર્ડિયાની જાનહાનિ બહુ ઓછી છે.
- સુપાર્શ્ચ મહેતા
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|