જોકે યુનિવર્સિટી બોદો બચાવ કરે છે કે પરિસ્થિતિ એટલી બધી ખરાબ નથી
મુંબઈ, તા.૧૯
મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન શહેરની ૫૧ ટકા કોલેજોમાં પ્રિન્સિપાલ છેજ નહીં. રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ આરટીઆઈ એક્ટિવિસ્ટે મેળવેલી વિગતો મુજબ ૬૨૦ કોલેજમાંથી ૩૧૯ કોલેજમાં પ્રિન્સીપાલની પોસ્ટ ખાલી છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ મેળવેલી વિગતો અનુસાર મુંબઈની લો, મેનેજમેન્ટ, એન્જિનિયરીંગ, આર્ટસ, એવિએશન, કોમર્સ સ્ટ્રીપની કેટલીય જાણીતી કોલેજોમાં પ્રિન્સીપાલની પોસ્ટ ખાલી છે.
શહેરની ૩૫ લો કોલેજમાંથી ૨૮માં, આર્ટસ- સાયન્સ- કોમર્સની ૧૩૭માંથી ૫૦ કોલેજમાં અને આર્કિટેકચરની ૧૪માંથી ૧૨ કોલેજ પ્રિન્સિપાલ વગરની છે.
વાંદરાની સેન્ટ એન્ડ્રુજ કોલેજના પ્રિન્સીપાલ ડો. મેરી ફર્નાન્ડિઝે આ સ્થિતિને અત્યંત ચિંતાજનક અને આઘાતજનક ગણાવતા કહ્યું હતું કે પ્રિન્સીપાલની ગેરહાજરીમાં કોલેજની કામગીરી ખોરવાઈ જવાનો ભય રહે છે. પ્રિન્સીપાલ તો શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી, કોલેજ મેનેજમેન્ટ અને કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે મહત્ત્વની કડી સમાન હોય છે. પ્રિન્સીપાલ વિના કોલેજ સાવ ધણીધોરી વિનાની થઈ જાય અને વિદ્યાર્થીઓનું હિત પણ જોખમાય.
મુંબઈ યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના સ્ટાન્ડર્ડ પ્રમાણે દરેક કોલેજોને પ્રિન્સિપાલની નિમણૂંક કરવાને લગતું સરકયુલર મોકલવામાં આવે છે. પ્રિન્સિપાલના પદ માટે ૧૫ વર્ષનો અનુભવ અને પીએચડીની ડિગ્રી હોવી જરૃરી છે. પરંતુ કોલેજોને આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર શોધવામાં મુશ્કેલી પડતી હોવાથી પોસ્ટ ખાલી રહે છે.
મુંબઈ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એમ.એસ. કુરખડેએ કહ્યું હતું કે પરિસ્થિતિ કંઈ એટલી બધી ખરાબ નથી. ફુલટાઈમ પ્રિન્સિપાલની નિમણૂંક બાબતે યુનિવર્સિટી સતત કોલેજોને જણાવતા જ રહે છે.
ઉપરાંત જ્યાં સુધી ફુલટાઈમ પ્રિન્સિપાલ ન મળે ત્યાં સુધી કોલેજે હંગામી ધોરણે કોઈને જવાબદારી સોંપીને રોજબરોજની કામગીરી સંભળાવી જ જોઈએ.
|