જેકી રિમોટ કન્ટ્રોલ દ્વારા કામ કરે છે એવો નિર્માતાનો દાવો
મુંબઈ, તા. ૧૯
ફિલ્મ જેટલી ઝડપથી સાઈન કરે છે એના કરતાં બમણી ઝડપે ફિલ્મ છોડવા માટે જેકવેલિન ફર્નાન્ડિસનું નામ લેવાય છે. તેના પ્રેમી અને દિગ્દર્શક સાજિદ ખાનની સલાહ પછી તેણે 'ક્રિશ-થ્રી' છોડી દીધી હતી. ત્યાર બાદ સોમવારે સવારે વિક્રમ ભટ્ટની ફિલ્મ 'રાઝ-થ્રી'માંથી પણ અભિનેત્રીને પડતી મૂકવામાં આવી હતી. હવે આ ફિલ્મમાં તેને સ્થાને નવોદિત એશા ગુપ્તાને લેવામાં આવી છે. જે 'જન્નત-ટુ'થી આ વરસે પોતાની કારકિર્દી શરૃ કરી રહી છે.
'મર્ડર-ટુ'ની રિલીઝ પછી જેકીને 'રાઝ-થ્રી' માટે સાઈન કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે અંગ પ્રદર્શન કરતાં કપડાં પહેરવાના છે એ વાત તે સારી રીતે જાણતી હતી. બિકિની અને સેક્સી ડ્રેસ પહેરવા ઉપરાંત તેને બિપાશા બાસુ પછી નવા સેક્સ સિમ્બોલ તરીકે રજૂ કરવા માગતા હતા. આ ફિલ્મમાં બિપાશા જેકીની મોટી બહેનની ભૂમિકા ભજવે છે.
આ મહિનામાં આ ફિલ્મનું શૂટિંગ શરૃ થવાનું છે અને જેકીએ ભટ્ટ કેમ્પ સાથે આ પાત્ર માટે સેક્સી લુક ધારણ કરવાનો કોન્ટ્રાક્ટ પણ સાઈન કર્યો હતો. ''કેટલાક સપ્તાહો પૂર્વે તેણે આઉટફિટ બાબતે નખરા કરવાની શરૃઆત કરી હતી. ઘણી ડ્રેસની લંબાઈ વધી જતી હતી તો કોઈ વાર ગળું ઊંચું થઈ જતું હતું. ગયે સપ્તાહે જેકીએ પોતે અંગ પ્રદર્શન કરતાં કપડાં પહેરી શકે તેમ ન હોવાનું ભટ્ટને કહ્યું હતું. એક અફવા પ્રમાણે સાજિદે તેને આ રોલ કરવાની ના પાડી હતી. સાજિદે તેને સમજાવ્યું હતું કે તેને ટોચની અભિનેત્રી બનવું હોય તો બી-ગ્રેડ ફિલ્મમાં અંગ પ્રદર્શન કરતા રોલથી દૂર રહેવું જોઈએ. આ દરમિયાન જેકીના નખરાથી કંટાળીને ભટ્ટ કેમ્પે તેને તેમની ફિલ્મમાંથી દૂર કરવાનું નક્કી કર્યું હતું.
પોતે 'રાઝ-થ્રી' ફિલ્મમાં ન હોવાનું જેકીએ સ્પષ્ટ કર્યું હતું. તેણે કરેલા દાવા મુજબ તેમણે સાથે મળીને આ નિર્ણય લીધો હતો.
મુકેશ ભટ્ટે જણાવ્યા પ્રણાણે, ''જેકી સફળતા પચાવી શકી નથી. તેણે એડવાન્સમાં સ્ક્રિપ્ટ સાંભળી હતી, પરંતુ, તેણે પોતે જ પીછેહઠ કરી હતી. ફિલ્મ સર્જકો જેકીને સાડી પહેરાવી પડદા પર રજૂ કરવા તૈયાર નથી.''
આ બાબતે સાજિદની દખલ વિશે જણાવતા ભટ્ટે ઉમેર્યું હતું કે, 'તે રિમોટ કન્ટ્રોલ પર ચાલે છે એ વાત સૌ જાણે છે, કોની ભૂલ છે એ તો સમય, જ કહેશે.''
'ક્રિશ-થ્રી'માં હૃતિક રોશન સાથે ચુંબન દ્રશ્ય નહીં ભજવવાની તેમજ 'રેસ-ટુ'માં અંગ પ્રદર્શન નહીં કરવાની જીદને કારણે જેકીએ આ બન્ને ફિલ્મ છોડી દીધી હતી. હવે આ યાદીમાં 'રાઝ-થ્રી'નું નામ ઉમેરાયું છે.
|