Last Update : 17-Jan-2012, Tuesday
 

આંદામાનના જારવા વનવાસીઓને સરકાર જાનવર ગણે છે

 

આંદામાનના ટુર ઓપરેટરો નિયમિતપણે જારવા સ્ત્રીઓના નગ્ન નૃત્ય દેખાડવા 'ટ્રાઇબલ સફારી'નું આયોજન કરે છે અને જંગલ અધિકારીઓ તેમાંથી અઢળક કમાણી કરે છે

ભારતનાં જંગલોમાં એવી અનેક માનવ જાતિઓ વસે છે, જેઓ આજની તારીખમાં પણ પથ્થરયુગની જિંદગી જીવે છે. બસ્તરના માડિયા વનવાસીઓ અને આંદામાનના જારવા વનવાસીઓ તેનાં ઉદાહરણો છે. તાજેતરમાં બ્રિટનના 'ગાર્ડિયન' અખબારે એક હેવાલ પ્રકાશિત રજૂ કર્યો હતો, જેમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે ભારતના સત્તાવાળાઓ આંદામાન ટાપુઓમાં હજારો વર્ષોથી વસતાં જારવા વનવાસીઓને જંગલનાં પ્રાણીઓ સમજે છે અને ટુરીસ્ટોના મનોરંજન માટે 'ટ્રાઇબલ સફારી' ટુરોનું આયોજન કરે છે. આ ટુર દરમિયાન જારવા સ્ત્રીઓને રૃપિયાની લાલચ આપીને તેમને નગ્ન હાલતમાં વિદેશી સહેલાણીઓ સમક્ષ નૃત્ય કરાવવામાં આવે છે. આ હેવાલના સમર્થનમાં આંદામાનની એક નહીં પણ પાંચ નગ્ન હાલમતાં નૃત્ય કરતી સ્ત્રીઓનો વિડીયો આ અખબારો દ્વારા તેમની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો છે. આ વિડીયો ભારતની બે ન્યૂઝ ચેનલોએ પ્રસિદ્ધ કરતાં જારવા વનવાસીઓની હાલત બાબતમાં ભારે ઉહાપોહ પેદા થયો છે.
વિશ્વમાં મનુષ્યોની જે પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે તેમાં જારવાનો પણ સમાવેશ થાય છે. આંદામાન ટાપુઓમાં પણ અમુક ચોક્કસ વિસ્તારમાં જ તેમની વસતિ આવેલી છે. આંદામાનમાં જારવાની વસતિ આજની તારીખમાં વધુમાં વધુ ૪૦૦ની છે. છેલ્લી એક સદીમાં તેમની વસતિમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે. વર્તમાનમાં પણ આ જાતિના લોકોમાં જન્મનાં પ્રમાણ કરતાં મરણનું પ્રમાણ વધુ છે. આ જાતિના લોકો આધુનિક સંસ્કૃતિના બહુ ઓછા સંપર્કમાં આવ્યા હોવાથી તેમણે હજારો વર્ષો જૂની પોતાની લાઇફસ્ટાઇલ અને પરંપરાઓને ટકાવી રાખ્યા છે. નૃવંશશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે આ જાતિનો અભ્યાસ માનવ સભ્યતાના અભ્યાસ માટેનું મહત્વનું સાધન બની રહે છે. તેને બદલે આંદામાનની મુલાકાતે જતાં ટુરિસ્ટો તેમને મનોરંજનનું સાધન ગણે છે અને તેમની પાસે દિગંબર અવસ્થામાં ડાન્સ કરાવે છે.
આપણે કોઇ જંગલમાં વાઘ જોવા જઇએ અને તે માટે જંગલ ખાતાં તરફથી જે રીતે 'ટાઇગર સફારી'નું આયોજન કરવામાં આવે છે તે રીતે આંદામાનના જંગલમાં જારવા વનવાસીઓનો ડાન્સ જોવા માટે કેટલાક સરકારી કર્મચારીઓ દ્રારા અનધિકૃત રીતે 'ટ્રાઇબલ સફારી'નું આયોજન કરવામાં આવે છે. 'ગાર્ડિયન' અખબાર દ્વારા જે વિડીયો શૂટ કરવામાં આવ્યો તે ટુરિસ્ટો દ્વારા જ શૂટ કરવામાં આવ્યો હતો. આ ટુરિસ્ટો જંગલના ચોકીદારને ૨૦૦ પાઉન્ડની લાંચ આપીને તેના માર્ગદર્શન હેઠળ જારવા વનવાસીઓના વિસ્તારમાં પ્રવેશ્યા હતા. કુતુલહથી તેમને જોવા એકઠી થયેલી જારવા સ્ત્રીઓને માત્ર ભોજનની લાલચ આપીને તેમને ડાન્સ કરાવ્યો હતો અને તેનું શૂટીંગ પણ કર્યું હતું. આ વિડીયોમાં દેખાતી જારવા સ્ત્રીઓ અર્ધનગ્ન હતી તેનું કારણ એ છે કે જારવા સ્ત્રીઓ સામાન્ય રીતે કમ્મરથી ઉપરના ભાગમાં કોઇ વસ્ત્ર પહેરતી જ નથી.
ઓગણીસમી સદી પહેલાં જારવા વનવાસીઓની વસતિ દક્ષિણ આંદામાન ટાપુના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં હતી. ઇ.સ. ૧૭૮૯માં આંદામાન ટાપુઓમાં બ્રિટીશરોનું આગમન થયું અને તેમણે જંગલો સાફ કરવા માંડયા. આ કારણે જારવાની વસતિ ઘટવા માંડી. બ્રિટીશરો સાથેના સંસર્ગને કારણે જારવાઓ અનેક ચેપી રોગના ભોગ પણ બન્યા, જેને કારણે તેમની વસતિ ઘટવાની પ્રક્રિયા ઝડપી બની. બ્રિટીશરો દ્વારા દક્ષિણ-પૂર્વના જંગલો સાફ કરવામાં આવતાં મોટા ભાગના જારવા વનવાસીઓ પશ્ચિમ આંદામાનમાં ચાલ્યા ગયા અને ત્યાં તેમણે વસાહતો બનાવી.
ભારત સરકારે આંદામાન ટાપુઓને જોડવા માટે 'આંદામાન ટ્રન્ક રોડ' નામનો ૩૦ કિલોમીટર લાંબો હાઇવે બનાવ્યો છે, જે દક્ષિણ આંદામાનને મધ્યમાં આવેલી બરાતાંગ વસાહતો સાથે અને ઉત્તર આંદામાન સાથે જોડે છે. આ હાઇવે જારવા વનવાસીઓની વસાહતો વચ્ચેથી પસાર થાય છે. આ હાઇવેને કારણે જારવાની જિંદગીમાં તોફાન આવ્યું છે. ઇ.સ. ૧૯૯૭ની સાલ સુધી જારવાઓ ભાગ્યે જ કોઇ સહેલાણીઓના સંપર્કમાં આવતા હતા. હવે તો સહેલાણીઓની બસો જ જારવાના પ્રદેશોમાંથી પસાર થાય છે. આ બસને પસાર થતી જોઇને જારવા સ્ત્રીપુરૃષો ભીખ માંગવા આવી જાય છે. તેઓ સહેલાણીઓનું મનોરંજન કરવા તેમની બસમાં પણ ચડી જાય છે. ઇ.સ. ૨૦૦૨માં ભારતની સુપ્રીમ કોર્ટે આ હાઇવ બંધ કરવાનો આદેશ આપ્યો હતો, પણ આજે ૧૦ વર્ષ પછી પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી.
જે લોકો આંદામાન- નિકોબાર ટાપુઓની મુલાકાતે જાય છે તેમને બરાબર ખબર છે કે અહીંના સ્થાનિક ટુર ઓપરેટરો ટુરિસ્ટોને આકર્ષવા માટે નિયમિતપણે 'ટ્રાઇબલ સફારી'નું આયોજન કરતા હોય છે. એક અંદાજ મુજબ સ્થાનિક જંગલ ખાતાંના અધિકારીઓને લાંચ આપીને દરરોજ આશરે ૧૩૦થી ૧૪૦ મોટરકારો અને બસો જારવાના સંરક્ષિત વનવિસ્તારમાં પ્રવેેશે છે. આ વાહનોમાં બેઠેલા ટુરિસ્ટો જારવા જાતિના લોકોને જોવા માટે અને તેમની લાઇફસ્ટાઇલ નિહાળવા માટે કુતુહલથી આવ્યા હોય છે. આ 'ટ્રાઇબલ સફારી'માંથી ટુર ઓપરેટરો તગડી કમાણી કરે છે અને જંગલ ખાતાના અધિકારીઓ તેમાં ભાગ પડાવે છે. જારવા વનવાસીઓનો ઉપયોગ જંગલના પ્રાણીઓ તરીકે કરવામાં આવે છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સહેલાણીઓનો પ્રવાહ વધ્યો છે. અમુક ભારતીય યુગલો હનિમૂન કરવા માટે આંદામાન જવા લાગ્યા છે. આંદામાન ટાપુઓનું સૌંદર્ય ખરેખર આકર્ષણનું મોટું કારણ છે, પણ સહેલાણીઓ પોતાની સાથે નવાં જમાનાંના દૂષણો અને પ્રદૂષણો પણ લઇને આવે છે. ઘણા હોટેલમાલિકોએ જારવાના વિસ્તારોની લગોલગ પોતાની હોટેલો અને રિસોર્ટો ખોલ્યા છે. ઇ.સ. ૨૦૦૬માં બેરકૂટ નામની ટ્રાવેલ કંપની દ્વારા જારવાની વસતિથી ત્રણ કિલોમીટરના અંતરે રિસોર્ટ ખોલ્યો છે. આંદામાનના વહિવટી તંત્રે આ કંપનીને રિસોર્ટ બંધ કરવાનો આદેશ આપ્યો તો તેઓ કોલકાતા હાઇકોર્ટમાં જઇને સ્ટે ઓર્ડર લઇ આવ્યા હતા. હવે બેરકૂટ કંપની આ કેસ જીતી ગઇ છે. ઇ.સ. ૨૦૦૮માં આંદામાનના પર્યટન ખાતાંએ એક આદેશ બહાર પાડીને જારવાના વિસ્તારમાં પ્રવેશ કરવા ઉપર અને તેમના ફોટાઓ પાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ પ્રતિબંધ માત્ર કાગળ ઉપર જ રહી ગયો છે.
આંદામાનની સરકારે જારવાઓ માટે અનામત વનવિસ્તાર નક્કી કર્યો છે, જેમાં બહારના લોકોને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પણ આંદામાન ટ્રન્ક રોડ આ વિસ્તારમાંથી જ પસાર થતો હોવાથી નિરર્થક બની રહ્યો છે. વળી જારવાના અનામત વનવિસ્તારની આજુબાજુ અનેક હોટેલો ઊભી કરી દેવામાં આવી છે, જેની મુલાકાતે જારવાઓ આવતા હોય છે. આ રીતે તેઓ આધુનિક સભ્યતાના પરિચયમા આવી જ રહ્યા છે. 'ગાર્ડિયન'ના વિડીયોમાં જે જારવા બાળકો જોવા મળે છે તેમણે ટી-શર્ટ પહેર્યાં છે, જે સૂચવે છે કે તેમને હવે લાંબો સમય સુધી વર્તમાન સભ્યતાથી દૂર રાખી શકાય તેમ નથી. ઘણા ટુરિસ્ટો જારવા વનવાસીઓના ઘરો જોવા માટે હોડીના નાવિકને રૃપિયા આપીને દરિયાના રસ્તે તેમનાં ગામોમાં પણ પહોંચી જાય છે. જો કે જારવાઓ પોતાની સાથે તીરકામઠાં રાખતા હોવાથી આ સાહસ ભારે પડી શકે છે.
જારવાની નવી પેઢી દિવસે દિવસે દેશી-વિદેશી ટુરિસ્ટોનાં સંપર્કમાં આવતી જાય છે. ટૂંક સમયમાં તેઓ બહારથી આવેલા લોકો માટે સ્થાપવામા આવેલી સ્કૂલોમાં શિક્ષણ લેવા માંડે તેવું પણ બની શકે છે. જારવા લોકોે આધુનિક શિક્ષણ લેવું જોઇએ કે નહીં તેનો નિર્ણય આપણે નથી કરવાનો પણ તેમણે કરવાનો છે. સરકારે તો એટલો જ ખ્યાલ રાખવો જોઇએ કે આધુનિક સભ્યતાના સંપર્કમાં આવેલા આ ભલાભોળા વનવાસીઓનું આર્થિક અને લૈંગિક શોષણ ન કરવામાં આવે અને તેમના જીવનની શાંતિ છીનવાઇ જાય નહીં.
જારવા વનવાસીઓ પાસે સદીમાં જૂની કળાઓ છે અને જીવન જીવવાની પદ્ધતિ છે. આજે પણ તેઓ માંદા પડે તો તેમને દવાઓની કે ડોકટરની જરૃર પડતી નથી. જંગલની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને તેઓ સાજા થઇ જાણે છે. કેટલાંક લોકો એવું સૂચન કરે છે કે જારવાને સરકારે મફતમાં અનાજ આપવું જોઇએ અને રેશનકાર્ડ આપવા જોઇએ. જારવાઓ વચ્ચે કામ કરતી સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો આ સૂચનનો વિરોધ કરી રહ્યા છે. ઇ.સ. ૨૦૦૩માં સુનામી આવ્યું ત્યારબાદ નિકોબાર ટાપુઓમાં રહેતા વનવાસીઓને સરકાર તરફથી મફતમાં રાહત સામગ્રીઓ આપવામાં આવી તેને કારણે તેઓ ભિખારી જેવા બની ગયા હતા અને તેમણે સ્વમાન પણ ગુમાવી દીધું હતું. જારવા વનવાસીઓને પણ જો સરકારી મદદ વગર વિચાર્યે કરવામાં આવશે તો તેમની હજારો વર્ષોથી ચાલી આવતી લાઇફસ્ટાઇલ છિન્નભિન્ન થઇ જશે.
કેમેરા સામે નગ્ન હાલતમાં નૃત્ય કરતી જારવા સ્ત્રીઓનો વિડીયો બહાર આવ્યો તે પછી આંદામાનના વહીવટીતંત્રે એવો બચાવ કર્યો હતો કે આ વિડીયો આશરે ૧૦ વર્ષ જુનો છે. જોકે 'ગાર્ડિયન' અખબારે આ દાવો ફગાવી દેતાં કહ્યું છે કે આ વિડીયો મોબાઇલના કેમેરાથી શૂટ કરવામાં આવ્યો હોવાથી પૂરવાર થાય છે કે એ તાજો છે. મુખ્ય મુદ્દો એ નથી કે આ વિડીયો નવો છે કે જૂનો છે. મુખ્ય મુદ્દો એ છે કે આ વિડીયો અસલી છે કે નકલી છે. આ વિડીયો નકલી છે, એવો દાવો તો સરકાર પણ કરતી નથી. મહત્ત્વની વાત એ છે કે આ વિડીયોમાં જે કોઇ દ્રશ્યો જોવા મળે છે એ આજની તારીખમાં પણ આંદામાન ટાપુઓ ઉપર જોવા મળે છે. ભારત સરકારની કોઇ એજન્સી આપણા દેશના નાગરિકોને જો જંગલનાં પ્રાણીઓ ગણતી હોય અને તેમનો ઉપયોગ ટુરિઝમના વિકાસ માટે કરતી હોય તો તેના જેવી શરમની બીજી કોઇ બાબત હોઇ શકે નહીં.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

સ્વાદ અને તંદુરસ્તીનો સાથ આપે લીંબુ
ગુસ્સો આવે છે તો કેમ આવે છે?
 

Gujarat Samachar Plus

પતંગના મહાપર્વનો આકાશી ખેલ

મોડી રાત સુઘી પતંગ ખરીદીની રમઝટ

સત્તર વર્ષથી હું એકપણ ઉતરાયણ ચૂક્યો નથી
ઉત્તરાયણ છે...
ડોન્ટ બી ક્રેઝી
પોતે જ પોતાને કામિયાબી અપાવો
સ્લીમ અને ફિટ રાખે તેવાં શાકભાજી
સ્ક્રબીંગ કરો અને સુંદરતા બનાવી રાખો
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આ છે,અમદાવાદ ની ઉત્તરાયણ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved