દેશપ્રેમ, પ્રમાણિકતા, ચારિત્ર્ય શુઘ્ધિ વગેરે ગુણો એ ૮૭ વર્ષથી આપણા દેશમાં ચાલી રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) નામના સંગઠન (સંસ્થા)ના સ્વયંસેવકો (સભ્યો)ની વિશેષતા.
આપણા દેશના રાજકારણમાં અને રાજકીય પક્ષોમાં આ ગુણનો સદંતર અભાવ હોવાના કારણે સંઘના વડા સ્વ. ગોળવેલકરે સ્વ. દિનદયાળ ઉપાઘ્યાય અને અટલવિહારી બાજપેયી, બલરાજ મધોક, વસંતરાવ ઓક જેવા ચુનંદા અને યુવાન સ્વયંસેવકોને અલગ તારવીને સ્વ. શ્યામાપ્રસાદ મુકરજી જેવા ત્યારના બિનકોંગ્રેસી પણ હિન્દુવાદી નેતાના નેતૃત્વ નીચે રાજકીય પક્ષ શરૂ કરેલો.
દિનદયાળ ઉપાઘ્યાય, બાજપેયી વગેરે ગોળવેલકરની દ્રષ્ટિ અને નીતિ પાળવામાં એવા કડક ચુસ્ત હતા કે... દા.ત. એ વખતે દિલ્લીમાં બીજા પક્ષના છ-સાત જણને ભાજપ (જનસંઘ)માં લેવામાં આવે તો દિલ્લીમાં જનસંઘની મ્યુનિસિપાલિટી થઇ જતી હતી. પરંતુ દિનદયાળે એવા પક્ષપલટા કરાવીને સભ્યો લેવાની ઘસીને ના કહી દીધેલી.
ેએ જ રીતે ત્યારે આખા દેશમાં આપણા રાજ્યના બોટાદ શહેરમાં જનસંઘની પહેલવહેલી મ્યુનિસિપાલિટી થએલી પરંતુ એમાના છ-સાત સભ્યો ઉપર ભ્રષ્ટાચાર કરવા બદલ આંગળી થએલી તો દિનદયાળે એમને હાંકી કાઢવાનો હુકમ કરેલો.
સંઘનો વ્યાપ અને સંગઠન વધતા સમાજના જૂદા જૂદા ક્ષેત્રોમાં ભારતીય સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના રંગોથી રંગવા જે ૮૦થી ૧૦૦ જેટલી જૂદીજૂદી સંસ્થાઓ ગોળવેલકરે શરૂ કરેલી એમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, સંસ્કાર ભારતી, ભારતીય મજદૂર સંઘ, કિસાન સંઘ વગેરેની જેમ વિશ્વ હિન્દુ પરિષદના એક ભાગરૂપે બજરંગદળ શરૂ કરેલું.
એ બજરંગદળમાં પહેલાં વિશ્વ હિન્દુ પરિષદમાં હતા એ વિનય કટિયારને રાષ્ટ્રીય પ્રમુખ બનાવેલા. (જેમ આપણે ત્યાં નરેન્દ્ર મોદી પહેલાં આરએસએસમાં પ્રચારક બન્યા પછી કિસાન સંઘમાં મંત્રી હતા, પછી વિશ્વ હિન્દુ પરિષદમાં મંત્રી બનાવ્યા અને છેલ્લે ભાજપમાં મંત્રી બનાવ્યા એ રીતે) વિનય કટિયાર ઉત્તરપ્રદેશમાં આરએસએસના ચુસ્ત સ્વયંસેવક. એ બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદમાંથી કલ્યાણ સંિહથી માંડી રાજનાથ સંિહ જેવા સેંકડો એમના કરતાં સિનીયર નેતાઓ વચ્ચે એમનો ગજ વાગતો નહીં. ટી.વી. પર કે અખબારોમાં ક્યારેક ચમકતા.
એ વિનય કટિયારે ધીરેધીરે કાઠું કાઢ્યું અને હમણાં ઉત્તરપ્રદેશ સરકારમાંતી મુખ્યપ્રધાન માયાવતીએ જે બે પ્રધાનોને ભ્રષ્ટાચાર આચરવાના કારણે પ્રધાનમંડળમાંથી તથા પક્ષમાંથી છૂટા કરેલા એ બાબુસંિહ કુશવાહા તથા બાદશાહ સંિહને એ કટિયારે ગળે લગાડીને ભાજપમાં વાજતેગાજતે.... ભાજપની પ્રતિષ્ઠાની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારની ઐસી તૈસી કરીને... લીધા!
એ સાથે આખા દેશમાં ભાજપ માટે થુ થુ થવા લાગ્યું.
એક બાજુ ભાજપ મજબૂત લોકપાલ બીલની ઝુંબેશ ચલાવે છે, મજબૂત લોકપાલ બીલ જલદી સંસદમાંથી પસાર કરાવવા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને સરઘસાકારે દિલ્લીમાં મળવા જવાનું નાટક કરે છે અને બીજી બાજુ લખનૌમાં આ નાટક!
ઉ.પ્ર.ના મુખ્યપ્રધાન માયાવતીએ લગભગ દસ જેટલા પ્રધાનોને પોતાના પ્રધાનમંડળમાંથી ભ્રષ્ટાચારના કારણે છૂટા કર્યા ત્યારે આ જ ભાજપ હજી આગલા દિવસે કહે છે કે... ‘‘માયાવતીએ કાઢી મૂકેલા ‘‘ચોરોને’’ ભાજપમાં કોઇ સ્થાન નથી... અને બીજા દિવસે એજ ‘‘ચોરોને’’ ભાજપ ગળે લગાવે છે.
એ વખતે ત્યાં મંચ ઉપર આડવાણી, રાજનાથસંિહ જેવા ઘુરંધર નેતાઓ ઉપસ્થિત છે. વળી એમને આ પગલું ગમ્યું નથી... એવું તેઓ નિવેદન કરે છે તો પણ એમને પણ ઉવેખીને રાષ્ટ્રીય પ્રમુખ ગડકરીના આશિર્વાદ સાથે બે ભ્રષ્ટ નેતાઓને ભાજપમાં પ્રવેશ અપાયો!
આ કુશવાહા માયાવતી સરકારમાં કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન હતા. એમની ઉપર રૂપિયા ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧ ખર્વ એટલે ૧૦૦ અબજ)નો ભ્રષ્ટાટાર કર્યાનો આરોપ હોવા ઉપરાંત એમના હાથ નીચેના બે મેડીકલ ઓફિસર મારી નંખાયાનો, એક સીએમઓ જેલમાં રહસ્યમય રીતે મરી ગયાનો... વગેરે આરોપ થએલા છે. નેશનલ રુરલ હેલ્થ મિશન (એન આર એચ એમ) નામની કેન્દ્ર સરકારની જે યોજના છે એને એન આર એચ એમ કહે છે.
જ્યારે પેલા બીજા પ્રધાન બાદશાહ સંિહને ઉત્તરપ્રદેશના એન કે મેહરોત્રાએ ગરીબોની જમીન પચાવી પાડવાના આરોપસર છૂટા કરવાનું જણાવતા માયાવતીએ એમને છૂટા કરેલા. તેઓ માયાવતીના પ્રધાન મંડળમાં મજૂર પ્રધાન હતા.
ભાજપનો આ જૂનો ઈતિહાસ છે. અગાઉ ભ્રષ્ટાચારના કારણે સજા પામેલા અને કોંગ્રેસે કાઢી મૂકેલા પેલા રૂપિયાની નોટોની ઘરમાં પથારી રાખનાર પેલા હરિયાણાના સુખરામ જેવા કેટલાયને ભાજપે પોતાનામાં લઇને ચૂંટણી માટે ટિકિટ પણ આપી છે. એ સુખરામ કોંગ્રેસના કેન્દ્રમાં પ્રધાન હતા. એમને ત્યાં સીબીઆઈનો દરોડો પડ્યો તો એમના ઘરમાંથી પાંચસો રૂપિયાની અને હજાર રૂપિયાની નોટોની પથારીઓ ભરેલી મળી આવતા કોંગ્રેસે એમને કોંગ્રેસમાંથી અને પ્રધાન તરીકે છૂટા કરેલા પણ ભાજપે એમને તરત પક્ષમાં લઇ લીધેલા!
આ વાત તો પંદર-વીસ વર્ષ પહેલાંની છે પણ હમણાં જ ગયા વર્ષે કોંગ્રેસે આન્ધ્રના જેઓ ગવર્નર હતા તેમજ અગાઉ કેન્દ્રમાં કોંગ્રેસના જુદા જુદા ખાતામાં પ્રધાન તરીકે વર્ષો સુધી રહેલા તથા ઉત્તરાંચલના કોંગ્રેસના મુખ્યપ્રધાન રહેલા ૮૦ વર્ષના નારાયણ દત્ત તિવારીના સેક્સ કૌભાંડ બહાર આવતા તરત જ કોંગ્રેસે એમને ગવર્નર તરીકે અને પક્ષના સભ્ય તરીકે છૂટા કરી દેતા ભાજપે એમને પણ લીધેલા.
દૂરની વાત શા માટ? આપણા ગુજરાતમાં જ જેમના માથે મહારાષ્ટ્ર સરકારનું વૉરન્ટ છે એવા પુરૂષોત્તમ સોલંકીને કોંગ્રેસે છૂટા કર્યા તો ભાજપે પોતામાં લઇને એમને પ્રધાન બનાવ્યા છે! એવા જ બીજા ગુનાઇત ભૂતકાળવાળા સમી તાલુકાના ભાવસંિહ ડાહ્યાભાઇ રાઠોડ કોઇ ગુનાસર સકંજામાં આવતા ભાજપે એમના અમદાવાદ પાલડી ખાતેના બંગલા સામે દેખાવો પણ કરેલા. એ પછી કોંગ્રેસે એમને છૂટા કર્યા એટલે એ જ ભાજપે એમને પક્ષમાં લીધેલા! તેઓ ડ્રગની હેરાફેરીમાં કર્ણાટકમાં પોલિસના હાથે પકડાયેલા. ભાજપે એમને ટિકિટ આપીને અત્યારે ધારાસભ્ય પણ બનાવ્યા છે.
ભ્રષ્ટાચાર નાબૂદી, ચારિત્ર્ય શુઘ્ધિ, મજબૂત લોકપાલ, અણ્ણાને ટેકો, વગેરે વાતો કરીને જનતાની છેતરપંિડી કરનાર, જનતાને મૂર્ખ સમજનાર અને મૂર્ખ બનાવનાર ભાજપ અને એની પાછળ ઊભેલા આરએસએસનો આ ચહેરો છે.
ઉત્તરપ્રદેશના કુશવાહા અને ચાર કલંકિતોના પ્રકરણમાં પણ ભાજપ અને આરએસએસની આ જ રીતે જનતાને મૂર્ખ બનાવવાની રમત છે. ગડકરી અને કટિયાર સંઘના એવા ચુસ્ત સ્વયંસેવક છે કે સંઘને પૂછ્યા વિના પગલું પણ ન ભરે.
એટલે સંઘ પણ નાટક કરે છે અને ભાજપ પણ નાટક કરે છે. સંઘ- ભાજપે ‘‘પાંચજન્ય’’ નામે જનતાને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને સંઘે ભાજપના પગલાંનો વિરોધ કર્યો છે એવું છપાવ્યું છે. પણ પાંચજન્યે હકીકતમાં એવી દલીલ કરી છે કે આવા કલંકિત ઉમેદવારો... સભ્યો કોંગ્રેસ, બહુજન સમાજ, મુલાયમનો પક્ષ... બધામાં છે.
એ તો ઠીક સંઘના પ્રવકતા રામ માધવે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે... ‘‘ભાજપે જે નિર્ણય લીધો છે એ ભાજપે પોતાના હિતમાં જ લીધો હશે. ભાજપની આંતરિક બાબતોમાં અમે માથું મારતા નથી.’’
સંઘના એવા બીજા નેતા અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યે પણ એમ જ કહેલું કે, ‘‘કોઇને પક્ષમાં લેવો કે ન લેવો એ ભાજપે જાતે નિર્ણય લેવાનો છે અને સંઘે એમાં માથું મારવાનું નથી હોતું.’’
આમ, સંઘ અને ભાજપ જનતાને રીતસર ઉલ્લુ બનાવી રહ્યા છે. ખરી વાત એવી છે કે ઉત્તરપ્રદેશની ચૂંટણીનું સુકાન સંઘના હાથમાં જ છે. પેલા ઉમા ભારતી અને સંજય જોષીને સંઘે જ ઉત્તરપ્રદેશની ચૂંટણીનું કામ સોંપ્યું છે એટલે આ ચાર કલંકિતોને ભાજપમાં લેવાનો નિર્ણય સંઘે જ ગડકરી અને કટિયાર પાસે લેવરાવ્યો છે.
ગુણવંત છો. શાહ
રાડાર
ઉત્તર પ્રદેશની ચૂંટણીનું એક બીજું પણ મહત્ત્વ છે
ઉત્તર પ્રદેશની ચૂંટણી રાજ્યસભામાં પણ બેઠકો ઉપર અસર કરશે કારણ કે આ વર્ષે માર્ચમાં રાજ્યસભાની ૫૮ સીટોની ચૂંટણી આવી રહી છે. રાજ્યસભામાં દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો ઉમેદવારોને ચૂંટે છે એટલે ઉત્તરપ્રદેશમાં ચૂંટણીમાં જે પક્ષની બહુમતિ હશે એ પક્ષની રાજ્યસભામાં પણ વઘુ બેઠકો હશે.
માર્ચમાં જે ૫૮ સીટોની ચૂંટણી થવાની છે એમાં અત્યારે કોંગ્રેસના ૨૨ સભ્યો, ભાજપના ૧૪, સમાજવાદી ૫, બહુજન સમાજના ૨ સભ્યો છે.
ભાજપના જે ૧૪ છે એમાં ઉત્તર પ્રદેશના ૩ છે... વિનય કટિયાર, વીરપાલ સંિહ અને કલરાજ મિશ્ર.
ઢંઢેરો
પાતળા રહેવા માટે કોફી પીઓ!
એક નવી શોધ છે કે... શરીરને જાડું ન કરવું હોય કે શરીરને પાતળું રાખવું હોય તો ડાયેટીંગ કરવાની જરૂર નથી પણ બસ, રાત્રે જમ્યા પછી એક કપ કોફી પીઓ! આ કોફી એટલે નેસ કોફી નહીં પણ કોફીના બુંદદાણા પીસીને બનાવેલી શુઘ્ધ અને કડવી કોફી.
આપણે ત્યાં મોટા ભાગે નેસ કોફી જ વપરાઇ અને પીવાઇ છે જેમાં કોફી એક કે પા ટકો પણ નથી! એનો ફક્ત ‘‘ટેસ્ટ’’ જ કોફી જેવો છે. એની ઉપર લખેલું જ હોય છે કે ‘‘ટેસ્ટ એઝ કોફી.’’
ચાની જેમ ‘‘એક્સ્પાયરી ડેટ’’ હોય છે એમ શુઘ્ધ કોફીની પણ ‘‘એક્સ્પાયરી ડેટ’’ હોય છે. શુઘ્ધ કોફી અઠવાડિયા ‘‘શુઘ્ધ કોફી’’ ગણાય એટલે બુંદદાણાનો પાવડર વઘુમાં વઘુ સાત દિવસ સુધી જ ગુણકારી ગણાય. બુંદદાણા પણ બહુ બહુ તો મહિના જૂના જ ચાલે. પછી એ પણ નકામા ગણાય.
બીડી-સિગારેટ પણ જૂના હોય તો નકામા ગણાય.
હળદર, જીરુ, વગેરેથી માંડી એકેએક ખાદ્ય પદાર્થની ‘‘એક્સ્પાયરી ડેટ’’ હોય જ છે. એનો ખ્યાલ રાખ્યા વિના એનો ઉપયોગ કરવામાં આવે પછી કહે કે... ‘‘ફાયદો નથી થતો’’... તો એમાં વાંક પદાર્થનો નથી પણ આપણો જ છે.