| Last Update : 03-Jan-2012, Tuesday |
|
|
| |
|
|
|
|
ઉત્તમ પુરોહિત હત્યા કેસમાં ફરિયાદીના કુટુંબીઓ ફરી ગયા
|
| |
એકાઉન્ટન્ટને પતાવી દેવાના ગુનામાં ગોવર્ધન ઈન્ટરનેશનલના સંચાલકોને શંકાનો લાભ
(પ્રતિનિધિ દ્વારા) સુરત,સોમવાર
આજથી આઠેક વર્ષ પહેલાં રાધાકૃષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાં આવેલા ગોવર્ધન ઈન્ટરનેશનલ નામની કાપડની પેઢીના એકાઉન્ટન્ટને નાણાંકીય ઉચાપત કેસમાં ગેરકાયદે ગોંધી માર મારીને મોત નિપજાવ્યા બાદ પુરાવાનો નાશ કરવાના કાવતરામાં સંડોવાયેલા પેઢીના આરોપી સંચાલકો વિરુધ્ધનો કેસ ફરિયાદ પક્ષ શંકા રહિત સાબિત કરી શકવામાં નિષ્ફળ રહેતા કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.
રીંગરોડ ખાતે આરકેટી માર્કેટમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવર્ધન ઈન્ટરનેશનલ પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં શાંતિલાલ ઉર્ફે ઉત્તમજી પુરોહીત (રે.સીતારામ સોસાયટી,પુણા રોડ) તા.૨૫-૧૦-૦૪ના રોજ પેઢીમાં રોકાયા હતા.જે દરમિયાન પેઢીના હિસાબમાં ગોલમાલ થયાની આશંકાના આધારે પેઢીના સંચાલકો મનોજ ગંગા શરણ કપુર,અશોક ગોવર્ધન મલ્હોત્રા, આશિષ,અમન, તથા અશ્વિની ગોવર્ધન મલ્હોત્રા (રે.ગોકુલ રો હાઉસ પાર્લે પોઈન્ટ) વગેરેએ એકાઉન્ટન્ટ ઉત્તમ પુરોહીતને ગેરકાયદે ગોંધી રાખી માર માર્યો હતો.જેના કારણે મરનાર હિસાબનીશનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતાં પેઢીના આરોપી સંચાલકોએ મરનારની લાશને મહાવીર હોસ્પિટલ પાસે ફેંકીને ફરાર થઈ ગયા હતા.
જેથી ટેક્ષટાઈલ માર્કેટમાં કામ કરતાં રાજસ્થાન વાસીઓમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો.મરનારના સાળા ફરિયાદી પ્રકાશકુમાર મમતાજી પુરોહીતે તા.૩૦-૧૦-૨૦૦૪ના રોજ ગોવર્ધન ઈન્ટરનેશનલના આરોપી સંચાલકો વિરુધ્ધ મરનારના ગેરકાયદે ગોંધી રાખી માર મારવા તથા આત્મહત્યાની દુષ્પ્રેરણા આપી પુરાવાનો નાશ કરવાના ગુના અંગે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન તત્કાલીન એડીશ્નલ સેશન્સ જજ દ્વારા મેડીકલ ઓફિસરની જુબાની બાદ ફરિયાદ પક્ષે એપીપી દિગંત તેવારે આરોપીઓ સામે હત્યાનો ગુનો બનતો હોવાની અરજી આપતાં તેને મંજુર કરવામાં આવી હતી.ત્યારબાદ સુરત સેશન્સ કોર્ટના ચુકાદા સામે આરોપીઓએ હાઈકોર્ટમાં અપીલ કરતાં હાઈકોર્ટે સુરત સેશન્સ કોર્ટને ફેર વિચારણા કરવા રિમાન્ડ કરી હતી.જેથી એડીશ્નલ સેશન્સ કોર્ટે બંને પક્ષોની સાંભળીને હત્યાની કલમ ઉમેરવાની અરજી નામંજુર કરતાં ફરિયાદ પક્ષે હાઈકોર્ટમાં રિવીઝન કરી હતી.જેથી હાઈકોર્ટે ફરીથી વૈકલ્પિક ચાર્જ-૩૦૨ ઉમેરો કરવાની દાદ મંજુર કરી આરોપી પક્ષે ફરીથી પોતાના બચાવ માટે સાક્ષીઓને બોલાવી ઉલટ તપાસ માટે વ્યાજબી તક આપવા નિર્દેશ આપ્યો હતો.
જેથી કાનુની દાવપચ ધરાવતા ચકચારી કેસની અંતિમ સુનાવણી આજરોજ ચાલી જતાં કોર્ટે ફરિયાદીના નજીકના સંબંધીઓ દ્વારા જ ફરિયાદ પક્ષના કેસને સમર્થન ન આપતાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|