ખેતરોમાં તૈયાર જુવારનો પાક સફાચટ કરી જતાં રખડતા ઢોરો
પૂર્ણા નદી કિનારાના તવડી, મીરજાપોર, અલુરા, દેલવાડા અને ભીનારના ખેડૂતોને થતું નુકસાન ઃ ઢોરોનું ટોળું હુમલો પણ કરે છે
નવસારી, સોમવાર
જલાલપોર તાલુકાના પૂર્ણાનદી કિનારે આવેલા ગામોમાં છેલ્લા દોઢ બે મહિનાથી રખડતા ઢોરો (હુનેરા)ના ભારે ત્રાસ અને હુમલાથી ખેતીવાડીને ભારે નુકસાન થઇ રહ્યુ છે. તવડીગામમાં છેલ્લા ૧૫ દિવસમાં રખડતા ઢોરો જુવારનો તૈયાર પાક ખાઇ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
જલાલપોર તાલુકામાં પૂર્ણાનદીના કિનારે આવેલા તવડી, મીરજાપોર, અલુરા, દેલવાડા અને ભીનારગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ પાંચેય ગામના ખેડૂતો-પશુપાલકો ડાંગર, શેરડી, જુવાર, ઘંઉ, પાપડી, લીલીચોળી જેવાં પાકો કરે છે. છેલ્લા દોઢ-બે મહિનાથી આ ગામની સીમમાં રખડતા ઢોરો-ગાય, વાછરડા અને આખલાઓ (હનેરા એટલે કે માલિક વિનાના ઢોર) ખેતીવાડીમાં પ્રવેશી આતંક મચાવી રહ્યાં છે. આ પાંચેય ગામડાઓની ખુલ્લી સીમમાં રખડતાઢોરો ડાંગર, જુવાર, પાપડી, લીલીચોળી જેવાં તૈયાર પાકો વાળા ખેતરોમાં પ્રવેશી વિવિધ પાકોની મીજબાની કરી જતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ખેડૂતોનાં તૈયાર કિંમતી પાકોથી ભરેલા ખેતરોમાં રખડતા ઢોરો પ્રવેશી તૈયાર પાક.ખાઇ ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
એટલું જ નહિ પરંતુ ખેડૂતો પોતાના ખેતરોમાં તૈયાર પાકને નુકસાન કરતાં રખડતા ઢોરોને હંકારવા જતાં ૫૦ થી ૬૦ના ટોળામાં ભટકતાં આખલાઓ ખેડૂતો ઉપર હુમલો કરે છે. ખેડૂતો પોતાનો જીવન બચાવી ઘર ભેગા થઇ જવું પડે છે. ૫૦ થી ૬૦ જેટલાં રખડતા ઢોરોનું ટોળું જે ખેડૂતો ખેતરમાં પ્રવેશે છે. તે ખેતરોમાં જે તે પાકોને સંપૂર્ણ ખાઇ જતાં ખેડૂતોના હાથમાં આવેલો તૈયાર પાક છીનવાઇ જતાં ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. તવડી ગામની સીમમાં છેલ્લા બે-ત્રણ સપ્તાહથી પેંઘા પડેલા રખડતા ઢોરોએ ગીરીશભાઇ નાથુભાઇ પટેલ, અમ્રતભાઇ ગોવિંદભાઇ પટેલ, બ્રીજેશ નાનુભાઇ પટેલ, રામભાઇ પટેલ વિગેરે ૧૫ જેટલાં ખેડૂતોના ખેતરમાં તૈયાર થઇ ગયેલાં અંદાજે ૩૦ થી ૩૫ વિધા જમીનમાં જુવારનાં પાક ખાઇ જતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. તૈયાર થઇ ગયેલો પાક હાથમાંથી છીનવાઇ જતાં ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળે છે.
રાત્રીના રખડતા ઢોરો ખેતરમાં ઘુસી નુકસાન કરે છે ઃ કિશોરભાઇ
નવસારી, સોમવાર
જલાલપોર તાલુકાના તવડી મીરજાપોર, અલુરા, દેલવાડા, અને ભીનાર ગામ સહિત-મરોલી કાંઠા વિસ્તારના માંગરોલ, નીમળાઇ, પરસોલી, દીપલા અને ઉંભરાટ જેવાં ગામોમાં પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. કાંઠા વિસ્તારનાં ગામડાઓમાં ખેડૂતોના તૈયાર પાકને હડપ કરી જતાં રખડતાં ઢોરોથી ખેડૂતોને લાખ્ખો રૃપિયાનું નુકસાન થઇ રહ્યુ છે. તે રખડતાં ઢોરોના હુમલા પણ ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યાં છે. તવડી ગામનાં ખેડૂત અને પશુપાલક કિશોરભાઇ પ્રેમાભાઇ પટેલના જણાવ્યા મુજબ રખડતાં ઢોરોનાં ટોળા રાત્રી દરમ્યાન ખેતરોમાં પ્રવેશી જુવાર, પાપડી, લીલાચોળી વિગેરે તૈયાર પાકોને ખાઇ જતા ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યુ છે. ખેતરોમાં ઘાસચારો લેવા જતા બળદોને ગળામાં બાંધેલી ઘંટડીનાં પટ્ટાનો અવાજ સાંભળી સીમમાં બેસી રહેતા-રખડતાં ઢોરો-બળદગાડા ઉપર પણ હુમલો પૂર્વે કિશોરભાઇ પટેલ તથાં તેમના મિત્ર ઉપર આખલાએ હુમલો કરતાં ૨ કિલોમીટર સુધી જીવ બચાવવા માટે ભાગવુ પડયુ હતું.