વડોદરા,સોમવાર
૧૧મી માર્ચથી સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતીની ઊજવણીનો વડોદરામાં શાનદાર પ્રારંભ થશે. આ ઊજવણી અંગે આજે કોર્પોરેશનમાં મેયર અને રાજવી પરિવાર તથા ઊજવણી સમિતિ વચ્ચે બેઠક થઈ હતી.
વડોદરામાં પ્રભાતફેરી અને રેલી યોજાશે
૧૧મીએ વડોદરા ખાતેના ઊજવણી સમારોહના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યપ્રધાનને પણ હાજર રહેવા આમંત્રણ પાઠવાયું છે. સવારે પ્રભાતફેરી સાથે કાર્યક્રમ શરૃ થશે. સયાજીરાવ મહારાજાએ શિક્ષણ, સાહિત્ય, કલા, સમાજ સુધારણા, વહીવટ વગેરે ક્ષેત્રમાં જે યોગદાન આપ્યું તેને આવરી લેતા ફ્લોટસ સાથે રેલી યોજવાનું નક્કી થયું છે. આ રેલી ઉપરાંત તસવીર પ્રદર્શન પણ યોજાશે. મહારાજાની આ ૧૫૦મી જન્મ જયંતી હોવાથી ૧૫૦ સેમી મીણબત્તી પ્રજવલિત કરવામાં આવશે. જ્યારે સાંજે વડોદરાવાસીઓ જે સ્થળ નક્કી થશે ત્યાં એકત્રિત થઈને મીણબત્તી પ્રગટાવશે ફતેસિંહ રાવ લિખિત પુસ્તક 'સયાજીરાવ - ધ પ્રિન્સ એન્ડ ધ મેન્ટ' ત્રણ ભાષામાં અનુવાદિત થઈ રહ્યું છે, તેનું તે દિવસે વિમોચન કરવામાં આવશે.