ભાવનગર, સોમવાર
અંધજનો માટે બ્રોઈલલીપીના શોધક લુઈ બ્રોઈલની યાદ કાયમ રહી છે. ત્યારે અંધજનો માટે એક વરદાન આપનાર આ શોધકને તેના જન્મ દિવસે યાદ કરવો ઘટે. ગારીયાધારના પીપળવા પ્રા. શાળાના અંધ શિક્ષક આ પ્રસંગને કાયમ અનોખી રીતે ઉજવી રહ્યા છે.
ગારીયાધારની પીપળવા શાળાના શિક્ષક દ્વારા વિવિધ સ્પર્ધકો યોજી ઈનામો આપી ઉજવણી કરશે
જીવનમાં સતત સંઘર્ષ કરી બ્રેઈલલીપીના સંશોધન માટે રાત દિવસ એક કરી જેમને નેત્રહિનોના ટેરવામા ચક્ષુ મુકી ગજબ કર્યો છે. તેવા લુઈબ્રેઈલની બ્રેઈલલીપીના પરીણામે દુઃખના દરિયામાં ડુબેલા અંધજનોને સુખના સુર્યના દર્શન કર્યા છે. બંધ આંખે દ્રષ્ટિવાન વ્યક્તિની ઝડપે વાંચન અને લેખન કરતા અંધને જ્યારે દ્રષ્ટિવાન લોકો નિહાળે છે ત્યારે દંગ રહિ જાય છે. અંધજનોની શક્તિઓને ઉત્તેજન આપનાર બ્રેઈલલીપી અંધજનો માટે રમતગમત, નાટય, નૃત્ય વિવિધ ક્ષેત્રે આગળ દોરી રહી છે. માત્ર ૨૦ વર્ષની ઉંમરે બ્રેઈલલીપીનું સંશોધન પૂર્ણ કરનાર લૂઈ બ્રેઈલ વિશ્વના અંધજનોના ઉધારક બન્યા છે. આ સૃષ્ટિમાં જ્યાં સુધી અંધત્વનું પ્રમાણ રહેશે ત્યાં સુધી લૂઈ બ્રેઈલની આ લીપીથી અંધજનોમાં અનોખુ ખમીર રેડાતુ રહેશે.
પીપળવા પ્રાથમિક ગારિયાધાર તાલુકામાં શિક્ષક તરીકે કાર્યરત નેત્રહિન શિક્ષક પિયુષભાઈ ગુણાએ દેખતા સમાજમાં લૂઈ બ્રેઈલનો જન્મ દિવસ ત્રણ વર્ષથી પીપળવા ગામે અનોખી રીતે ઉજવે છે. કોઈ દાતા મળે કે ન મળે તો પણ આ નેત્રહિન શિક્ષક લુઈ બ્રેઈલનો જન્મ દિવસ ઉજવવાનું ખમીર ધરાવી લૂઈ બ્રેઈલનું ઋણ ચુકવવાની તૈયારી રાખે છે. તા. ૪ના રોજ વગડીયા હનુમાન આશ્રમ ખાતે પીપળવા મુકામે ગારિયાધારની ૩૨ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ ૮ના ૯૬ વિદ્યાર્થીઓ એકત્રીત કરીને તેમની વચ્ચે લોકસંગીત, વક્તૃત્વ અને કાવ્ય પઠન જેવી ત્રિરંગી સ્પર્ધાઓ યોજાશે. વિજેતાઓને પુરસ્કાર અપાશે અને વિજેતા શાળાને શિલ્ડ મહાનુભાવોના હસ્તે અપાશે.