| મંકી કેપ પહેરીને આવેલા તશ્કરો એક કલાક રોકાયા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
શહેરના ડભોઇ રોડ યમુનામીલ પાસેના શ્રીજી કોમ્પલેક્ષમાં આવેલાં સ્ટેટબેંકના એટીએમ મશીનને ગતરાતે તોડવાનો પ્રયાસ થયો હતો. ગેસકટર લઇને આવેલાં ત્રણ ગુનેગારોએ એક કલાક સુધી ભારે મથામણ કરી હતી. પરંતુ, તેમને સફળતા નહિ મળતાં છેવટે જતાં રહ્યાં હતાં. બનાવ અંગે વાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેશબોક્ષનું પતરૃં ના તૂટયું ઃ આખેઆખું મશીન ઉઠાવી જવા નટબોલ્ટ પણ ખોલી નાખ્યા ઃ સીસી કેમેરામાં રેકોર્ડીંગ
આ અંગેની વિગત એવી છે કે, ડભોઇ રોડ યમુનામીલ પાસે આવેલાં શ્રીજી કોમ્પલેક્ષમાં સ્ટેટ બેંકનું એટીએમ છેલ્લાં દોઢ-બે મહિનાથી શરૃ થયું છે. ગત રાતે એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો જે અંગે એટીએમનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીનાં વિશાલ ઠક્કરે જણાવ્યું હતું કે રાત્રિના નવથી સવારના નવ વાગ્યા દરમિયાન ચોરીનો પ્રયાસ થયો હતો. મન્કી કેપ પહેરીને આવેલાં ત્રણ ગઠિયાઓએ એટીએમ સેન્ટરની બહાર આવેલો કેમેરો તોડી નાંખ્યો હતો. તસ્કરોએ એટીએમ મશીનની ઉપરના તેમજ સાઇડના પતરા પણ તોડી નાંખ્યાં હતાં. જયારે એ.ટી.એમ. મશીનનું નીચું પતરૃં ગેસકટર વડે કાપી નાંખ્યું હતું. તસ્કરો એ ૧૪ એમએમની જાડાઈવાળું કેશબોક્ષનું પતરૃં પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળ થયાં ન હતાં. છેવટે, તસ્કરોએ આખેઆખુ મશીન જમીનમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો એમણે ચાર પૈકીના ત્રણ બોલ્ટ તો કાઢી પણ નાંખ્યા હતાં. અને મશીન અડધા ફૂટ જેટલું ઉંચું કરી દીધું હતું.
ગુનેગારોએ એક કલાક સુધી એટીએમમાં તોડફોડ કર હતી. ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, છેવટે સફળતા મળી નહતી. આ દરમિયાન પોલીસ આવી ગઇ હોવાના કારણે કે અન્ય કોઇ કારણસર તસ્કરો ભાગી છૂટયા હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
બનાવ અંગે પોલીસને જાણ કરતાં ડીસીપી સાહેબ ડીએસ ભટ્ટે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. વિશાળ ઠક્કરની ફરિયાદનાં આધારે વાડી પીઆઇ આરજી ભાવસારે આરોપીઓનું પગેરૃં મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. |