| (પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
એમ.એસ.યુનિવર્સીટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીનો ફાઈન આર્ટસ ફેર આ વખતે તા ૨૩ અને ૨૪ના રોજ યોજાનાર છે.આ વખતના ફેરની થીમ માસ્ક એટલે કે મુખવટો રાખવામાં આવી છે.
૫૦૦ વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રાધ્યાપકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની કલાકૃતિઓ નીહાળી શકાશે
ફાઈન આર્ટસ ફેકલ્ટીના કાર્યકારી ડીન પ્રા.સંજય જૈને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કલાકારો અને લોકો વચ્ચે સંવાદનો સેતુ સ્થપાય તે માટે ૧૯૬૧થી દર બે વર્ષે ફાઈન આર્ટસ ફેર યોજવાની પરંપરા શરુ કરાઈ હતી.ગત વર્ષે ફેરની થીમ એલીયન એટેક હતી.આ વખતે ફેરની થીમ માસ્ક રાખવામાં આવી છે.ફેકલ્ટીમાં ફેરનુ જે ડેકોરેશન છે તે માસ્ક પર આધારીત હશે.
ફાઈન આર્ટસ ફેરમાં ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ,પ્રાધ્યાપકો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની કલાકૃતિઓ રજુ કરશે.જેમાં કેટલીક કલાકૃતિઓ નારીયેળની છાલ,વાંસ જેવી નકામી વસ્તુઓમાંથી બનાવવામાં આવી છે.ફેરમાં કે.જી.સુબ્રમણ્યમ અને જ્યોતિ ભટ્ટ સહિતના વિખ્યાત કલાકારોની કલાકૃતિઓ પણ મુકવામાં આવનાર છે.ફેર દરમ્યાન ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓ નાટક,એનીમેશન ફીલ્મ પણ રજુ કરશે.૧૯૮૯ની ફાઈન આર્ટસની બેચના વિદ્યાર્થીઓ પણ તા ૨૪મીએ ફેરમાં ભાગ લેશે.ભારતના વિવિધ ભાગોમાં અને વિદેશોામાં સ્થાયી થયેલા આ વિદ્યાર્થીઓ ફેરમાં ભાગ લેવા માટે વડોદરામાં આવ્યા છે.
ફેરમાં રજુ થનારી કલાકૃતિઓનુ વેચાણ કરવામાં આવશે.આ પૈસા ફેકલ્ટીના વિકાસ માટે અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ પાછળ વપરાય છે.તા ૨૩ અને ૨૪ના રોજ લોકો સાંજના ૪ થી રાતના ૧૦ દરમ્યાન ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે ફેર નીહાળી શકશે. |