ભાવનગર, બુધવાર
નેત્રહિનોની રાજ્ય કક્ષાનો એતલેટીક્સ ખેલ મહાકુંભ રમતોત્સવ ભાવનગર રેલ્વે ગ્રાઉન્ડ ખાતે આજે યોજાયો હતો. જેમાં વલસાડની એન.એ.બી. ખેલાડીઓએ ઉતકૃષ્ટ દેખાવ કરી સાત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
વિવિધ છ રમતોમાં ૨૭૦ ખેલાડીઓએ ભાગ લીધો ઃ એન.એ.બી. વલસાડની ટીમ સાત રમતોમાં પ્રથમ સ્થાન મેળવ્યું
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, અંધજન મંડળ વસ્ત્રાપુર-અમદાવાદ તેમજ રાષ્ટ્રિય અંધજન મંડળ, ભાવનગર જિલ્લા શાખાનાં ઉપક્રમે નેત્રહિનોનો રાજ્ય કક્ષાનો એથ્લેટીક્સ ખેલ મહાકુંભ રમતોત્સવ આજરોજ રેલ્વે ગ્રાઉન્ડ, લાલટાંકી પાસે ભાવનગર પરા ખાતે યોજાયો હતો. આ ખેલ મહાકુંભમાં રાજ્યનાં ૨૬ જિલ્લાઓમાં યોજાયેલ વિવિધ રમતોનાં સ્પર્ધાનાં અંદાજે ૨૭૦ વિજેતા નેત્રહિન ખેલાડીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. આ ૨૭૦ ખેલાડીઓ, ટીમ મેનેજર, વિવિધ રમતોનાં કોચ વગેરેની આવાસની વ્યવસ્થા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં કરવામાં આવેલ હતી.
સ્પર્ધા બાદ નેત્રહિનોનો રાજ્ય કક્ષાનો એથલેટીક્સ ખેલ મહાકુંભ રમતોત્સવનું સમાપન જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સાંજના ૫ કલાકે રેલ્વે ગ્રાઉન્ડ ખાતે એક સમારંભમાં વિજેતા ખેલાડીઓને પારિતોષિક, મેડલ્સ, પ્રમાણપત્ર વગેરેનું વિતરણ કરી કરવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાની આ સ્પર્ધાઓમાં અંડર ૧૮ ભાઇઓમાં લાંબીકુદમાં વલસાડ, ૧૦ મી. દોડમાં અમદાવાદ, ૨૦૦ મી.દોડમાં વલસાડ, ગોળાફેંકમાં કચ્છ, ચક્રફેંકમાં વલસાડ, બચ્છી ફેંકમાં મહેસાણા, જ્યારે એબોવ ૧૮ ભાઇઓમાં ક્રમશઃ લાંબીકુદમાં અમદાવાદ, ૧૦૪ મી.માં વલસાડ, ૨૦૦ મી. દોડ, ગોળાફેંક ચક્રફેંકમાં વલસાડ પ્રથમ રહ્યું હતું. જ્યારે એબોવ ૧૮ બહેનોમાં લાંબીકુદમાં મહેસાણા, ૧૦૦ મી. દોડમાં આણંદ, ગોળાફેંક અને ચક્રફેંકમાં અમદાવાદ, બચ્છી ફેંકમાં સાબરકાંઠા, અંડર ૧૮ બહેનોમાં લાંબીકુદમાં દાહદ, ૧૦૦ મી.દોડમાં ડાંગ, ૨૦૦ મી.માં પાટણ, ગોળાફેંકમાં સુરેન્દ્રનગર તેમજ ચક્રફેંકમાં મહેસાણાનો પ્રથમ નંબરે વિજય થયો હતો.