| સત્તાધારી પક્ષની કદમખોસી કરતી વડોદરા પોલીસ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
ભાજપાના નેતા લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રા દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરો ઉપર યુવા ભાજપાના આગેવાનો અને ટોળાએ કરેલા હુમલા તેમજ લૂંટના બનાવમાં ફતેગંજ પોલીસે યુવા ભાજપાના ચાર અગ્રણીની આજે ધરપકડ કરી હતી. પોલીસે તેઓની સાથે વીઆઇપી ની જેમ વર્તાવ કર્યો હતો. તેઓને ૨૪ કલાક પણ રાખામાં આવ્યા ન હતા. અને સાંજે છુટી પણ ગયા હતા.
હુમલા- લૂંટ કેસના આરોપીઓ મુખ્યપ્રધાનના કાર્યક્રમોમાં પણ બેધડક ફરતા હતા પણ પોલીસને ના દેખાયા ઃ ધરપકડ પછી પણ વીઆઇપી ટ્રીટમેન્ટ
અડવાણીની યાત્રા દરમિયાન સમા વિસ્તારમાં ભાજપા ના કાર્યકરો દ્વારા એનએસયુઆઇના અગ્રણીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં સાવલીના ધારાસભ્યના પુત્ર ધર્મેશ ચૌહાણ અને અન્ય ઘવાયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ હુમલા અને લૂંટની ફરિયાદ આવી હતી.
હુમલાખારો ખુલ્લે આમ ફરતા હોઇ કોંગી અગ્રણીઓએ અગાઉ પોલીસ કમિશનર સમક્ષ પણ રજુઆત કરી હતી. પોલીસે તપાસ કર્યા બાદ લૂંટની કલમ કાઢી નાખી હતી. હથિયારો અને લૂંટમાં ગયેલી મતા પરત મળી હોઇ રિમાન્ડ લેવામાં આવ્યા ન હતા.
પોલીસે યુવા ભાજપાના પ્રમુખ કેયુર નારણદાસ રોકડીયા (રહે. હરિકૃપા સો. પાણીગેટ) હસમુખ કાલુભાઇ વાઘેલા (રહે. કદમનગર, મહેસાણાનગર, ) અલ્પેશ મધુસુદન લીમ્બચીયા (રહે. મોતીનગર, તરસાલી) અનેવિશાલ ધનજીભાઇ પરમાર (રહે. સુતરીયા સોસાયટી) , નાગરવાડાની આજે ધરપકડ કરી હતી.
હુમલાખોરોની સવારે ૧૦ વાગે ધરપકડ બતાવવામાં આવી હતી. અને નમતી બપોરે કોર્ટમાં રજુ કરાયા બાદ જામીન ઉપર છુટકારો થયો હતો. |