| |
ભાવનગર, મંગળવાર
ભાવનગર રેલ્વે સ્ટેશનથી બપોરના ઉપડતી ભાવનગર-સુરેન્દ્રનગર લોકલ ટ્રેનનો બજુડ રેલ્વે સ્ટેશનમાં સ્ટોપ જ ન હોવાથી ગ્રામ પંથકોના યાત્રિકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. રેલ્વે તંત્ર દ્વારા ટ્રેનને બજુડમાં સ્ટોપ આપવા રેલ્વે યાત્રિક સુરક્ષા સમિતિએ માંગ ઉઠાવી છે.
બજુડ રેલ્વે સ્ટેશનમાં માત્ર બે જ ટ્રેનોનો સ્ટોપ અપૂરતી રેલ્વે સુવિધાથી યાત્રિકોને હાલાકી
સિહોર તાલુકાના બજુડને રેલ્વેની સુવિધા મળી છે પરંતુ રેલ્વે તંત્રની આડોડાઇથી કેટલીક ટ્રેનોનો બજુડ રેલ્વે સ્ટેશનમાં સ્ટોપ અપાયો ન હોવાથી બજુડ તેમજ આજુબાજુના ગામોના રત્નકલાકારો, વેપારીઓ, વિદ્યાર્થીઓ વગેરે યાત્રિકો હાલાકી ભોગવી રહ્યાં છે.
ખાસ કરીને ભાવનગર રેલ્વે સ્ટેશનમાંથી બપોરના ૨-૪૦ કલાકે ઉપડતી ભાવનગર સુરેન્દ્રનગર લોકલ ગાડી નં.૫૯૨૩૪ને બજુડ રેલ્વે સ્ટેશનમાં સ્ટોપ અપાય નથી અને માત્ર સવારની ભાવનગર-ઓખા અને ધાંગધ્રા-ભાવનગરનો સ્ટોપ હોવાથી અપૂરતી રેલ્વે સેવાથી યાત્રિકો તોબા પોકારી ગયા છે ત્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ગાડીને બજુડમાં સ્ટોપ આપવા પ્રબળ માંગ ઉઠી છે. |