ઊંઝા,તા.૧૭
ઊંઝા તાલુકામાં જાહેર થયેલી આઠ ગ્રામ પંચાયતોની ચુંટણીઓમાં ત્રણ ગામ લક્ષ્મીપુરા, ગંગાપુરા તથા અમુઢ સમસર થઈ છે જ્યારે ઐઠોરમાં ભરાયેલ સરપંચ સહિતના તમામ વોર્ડમાંથી ફોર્મ પરત ખેચાતા ચૂંટણી મોકૂફ રહેતા હવે માત્ર ચાર ગામો બ્રાહ્મણવાડા, ભાંખર, ઉનાવા તથા ભૂણાવમાં ચૂંટણી યોજાનાર છે.
ઐઠોર ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યોના ફોર્મ પરત ખેંચાતાં ચૂંટણી મોકૂફ
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઊંઝા તાલુકામાં ગંગાપુરા તથા લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત અગાઉથી સમરસ થયેલ છે. લક્ષ્મીપુરામાં તમામ સભ્યો મહિલા રહેતા મહિલા સમરસ થઈ છે. જ્યારે આજે ફોર્મ પરત ખેચવાના છેલ્લા દિવસે છેલ્લી ગણતરીની મીનીટોમાં સરપંચ પદે ભરાયેલા તમામ ચાર ફોર્મ પરત ખેંચાતા સમરસ થઈ છે.
ઐઠોરમાં ૧૭ વોર્ડ તથા સરપંચની ચૂંટણીઓમાં પ્રથમથી જ પાંચ વોર્ડમાં ફોર્મ ભરાયા નહોતા. બાકીના ૧-૩ વોર્ડ તથા સરપંચ પદે ભરાયેલા તમામ ફોર્મ આજે પરત ખેંચાતા ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રહી છે. ગતરાત્રીએ ગામમાં ભરાયેલ ગ્રામ સભાઓમાં થયેલી ચર્ચાઓમાં હાલના વહીવટદાર અમૃતભાઈ પટેલ દ્વારા થઈ રહેલ વિકાસના કામોની ગતી જોતા ગ્રામજનોએ નક્કી કર્યા પ્રમાણે આજે તમામ ફોર્મ પરત ખેચાયા હોવાના અહેવાલ છે.બીજી તરફ બાકી રહેલા ચાર ગામો ઉનાવા, બ્રાહ્મણવાડા, ભુણાવ તથા ભાંખરમાં ચુંટણીઓ યોજાનાર છે. બ્રાહ્મણવાડામાં સરપંચ પદે છ ઉમેદવાર તથા ચાર વોર્ડમાં ચુંટણી તથા ૧૧ વોર્ડ બિનહરીફ છે. ઉનાવામાં સરપંચ પદે ત્રણ ઉમેદવાર, ૮ વોર્ડમાં ચુંટણી તથા ૧૯ વોર્ડ બિનહરીફ છે. ભાંખરમાં તમામ વોર્ડમાં ચુંટણી યોજાનાર છે. ભુણાવમાં તમામ વોર્ડમાં બિનહરીફ છે. પરંતુ સરપંચ પદે બે ઉમેદવાર રહેતા માત્ર સરપંચની ચુંટણી યોજાનાર છે. |