પ્લોટના વેચાણ દસ્તાવેજ કરવા ગલ્લા તલ્લાં કરનાર ઓર્ગેનાઈઝરને વ્યાજ સહિત વળતર ચુકવી આપવા ગ્રાહક કોર્ટનો આદેશ
(પ્રતિનિધિ દ્વારા) સુરત,બુધવાર
સચીન વિસ્તારમાં જમશેદનગર રૉ-હાઉસીસ ટેનામેન્ટના પ્લોટ પેટે અવેજ સ્વીકાર્યા બાદ વેચાણ દસ્તાવેજ કરવા વાયદા કરનાર બિલ્ડર-ઓર્ગેનાઈઝરને ગ્રાહક સેવામાં બેદરકારી દાખવવા બદલ ગ્રાહક અદાલતે વાર્ષિક ૬ ટકાના વ્યાજ સહિત વળતર ચુકવી આપવા હુકમ કર્યો હતો.
સગરામપુરા કૈલાશનગર ખાતે રહેતા ફરિયાદી ઈશ્વરભાઈ રાણાએ સચીન વિસ્તારમાં જમશેદનગર રૉ-હાઉસીસ ટેનામેન્ટના નામે પ્લોટના ઓર્ગેનાઈઝર પ્રકાશભાઈ પંચાલ (રે.ગુ.હા.બોર્ડ, પાંડેસરા) પાસેથી ૧૯૮૬-૮૭ દરમિયાન રૃ.૧૫,૮૦૧ ચુકવીને પ્લોટ વેચાણ લીધો હતો. જ્યારે બાકીની રકમ રૃ.૧૦,૨૦૨ ચુકવવા જતાં પ્રકાશભાઈ પંચાલે ફરિયાદીને હજુ લોન અંગે સરકારી પરમીશન મળ્યા બાદ બાકીની રકમ ચુકવવા જણાવ્યું હતુ. ત્યારબાદ લાંબા સમય સુધી પ્લોટ સંદર્ભે કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદીએ પ્લોટના નાણાં પરત કરવા માંગ કરી હતી.
જો કે પ્રકાશભાઈ પંચાલે ફરિયાદીના પ્લોટના નાણાં કે વેચાણ દસ્તાવેજ કરવાના મુદ્દે આનાકાની કરતાં ફરિયાદી ઈશ્વરભાઈ રાણાએ એડવોકેટ પ્રિતીબેન મારફતે ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી. જેની સુનાવણીના અંતે ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એ.આર.પટેલે ફરિયાદીની ફરિયાદ મંજુર કરીને વાર્ષિક ૯ ટકાના વ્યાજ સહિત ફરિયાદીને રૃ.૧૫,૮૦૧ સહિત ફરિયાદ ખર્ચ પેટે રૃ.૨ હજાર ચુકવી આપવા હુકમ કર્યો હતો.