વડોદરાના કમાટીબાગમાં યોજાશે પક્ષીદર્શનનો અનોખો કાર્યક્રમ
કાગડો, ચકલી, સમડી, કોયલ અને મોર જેવી ૧૫-૨૦ પ્રજાતિઓને બાદ કરતા પક્ષી પરિવારની હજારો પ્રજાતિઓ વિષે લોકોને જાણકારી જ નથી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
કોંક્રિટનાં જંગલો ગણાતા, શહેરોમાં હવે વાહનોના ઘોંઘાટ સામે પક્ષીઓનો કલરવ સાંભળવાની તક ઓછી મળતી હોય છે. જબરદસ્ત વસ્તી વિસ્ફોટ અને વાહનોનાં પ્રદુષણને પગલે હવે શહેરોમાં પક્ષીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને પરિણામે કબુતર, કાગડો, કોયલ, મોર, ચકલી, સમડી અને ઘુવડ જેવા પક્ષીઓની ૧૫-૨૦ જેટલી પ્રજાતિઓને બાદ કરતા બાકીની હજારો પ્રજાતિઓ વિષે લોકોને માહિતી હોતી જ નથી.
આશ્ચર્યની વાત એ છે કે, નાના બાળકો જ નહીં પરંતુ, વયસ્ક અને સુશિક્ષીત લોકો પણ પક્ષીઓની અનેક પ્રજાતીઓનાં નામો સુદ્ધા જાણતા નથી. જેથી લોકોને પક્ષીઓ વિષે જાણકારી આપીને તેઓને પ્રકૃતિની નીકટ લાવવાનાં ઉમદા પ્રયાસનાં ભાગરૃપે શહેરની કેનાઈન નામની સંસ્થાનાં પક્ષીપ્રેમી કાર્યકરોએ સયાજીબાગનાં પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીદર્શનનાં અનોખા કાર્યક્રમનું આયોજન કર્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાનાં કાર્યકરો સામાન્ય જનતાને સયાજીબાગમાં પક્ષીદર્શન માટે લઈ જશે..જ્યાં તેઓને પ્રત્યેક પક્ષીનાં નામ અને તેઓનાં બિહેવિયર વિષે વિસ્તૃત માહિતી આપશે.
આ કાર્યક્રમ સંદર્ભે માહિતી આપતા કેનાઈન સંસ્થાનાં વિશાલ ઠાકુરે જણાવ્યુ હતુ કે, ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં પ્રત્યેક પ્રાણી અને પક્ષીનું ધાર્મિક મહત્વ હતુ. પરંતુ, બદલાતા સમય સાથે લોકોમાં પ્રાણીઓ તથા પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ નામશેષ થઈ ગયો હતો. જેને પરિણામે અસંખ્ય જીવજંતુઓ, પક્ષીઓ તથા પ્રાણીઓની અનેક પ્રજાતિઓ ધરતી પરથી લુપ્ત થઈ ચુકી છે. હાલનાં સમયમાં લોકો પક્ષીઓની અનેક પ્રજાતિઓનાં નામ સુધ્ધા જાણતા નથી. દુઃખની વાત એ છે કે, શહેરી વિસ્તારોમાં થઈ રહેલી વૃક્ષછેદનની પ્રવૃત્તિને પરિણામે કાગડો, ચકલી અને કોયલ જેવા પક્ષીઓની સંખ્યામાં પણ કડાકો બોલાયો છે. હાલનાં સમયમાં લોકો પોતાની આસપાસ જોવા મળતા પક્ષીઓ પૈકીની ગણતરીની પ્રજાતિઓનાં નામ જ જાણે છે. જેને પગલે લોકોમાં પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ પણ ઘટી રહ્યો છે. જેથી લોકોને પક્ષીઓની વધુને વધુ પ્રજાતિઓની જાણકારી આપીને તેઓને પ્રકૃતિની નીકટ લાવવાનાં હેતૂસર તેમની સંસ્થાએ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીદર્શનનાં કાર્યક્રમનું આયોજન કર્યુ છે. સયાજીબાગમાં મોટી સંખ્યામાં લોકો વહેલી સવારે ચાલવા જાય છે. સયાજીબાગમાં જ અનેક પ્રજાતિના પક્ષી મોકળાશથી વિહાર કરતાં હોય છે પણ તેમની સામે જોવાની કે ઓળખવાની ફુરસદ કોઇને હોતી નથી. આથી, આ ખાસ કાર્યક્રમ શરૃ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા તમામ નાગરિકોએ કેનાઈન ગૃપનો સંપર્ક સાધવા જણાવાયું છે.