સ્કૂલ યુનિફોર્મ પહેરેલી માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારાયા બાદ ઘાતકી રીતે હત્યા કરી દેવાઇ હતી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
ડીંડોલી સી.આર. પાટીલ એસ્ટેટમાં ગત સાંજે અવાવરૃ એપાર્ટમેન્ટના બીજા માળની તૂટેલી સીલીંગના સળિયા સાથે ગળે ફાંસો આપી લટકાવેલી જે ત્રણ વર્ષીય બાળકીની લાશ મળી હતી. તેના ઉપર બળાત્કાર ગુજારાયો હતો. પોલીસે બાળકીની ઓળખ સ્થાપિત કરવા આજે સમગ્ર વિસ્તારમાં રીક્ષા ફેરવી અને ફોટા ચોંટાડી પ્રયાસ કર્યો હરતો. પરંતુ બાળકીની ઓળખ થઇ શકી ન હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત સાંજે ડીંડોલી સી.આર. પાટીલ એસ્ટેટ માનસી રેસીડન્સીના ગેટની બાજુમાં જમણી તરફ એક અવાવરૃ એપાર્ટમેન્ટના બીજા માળની તૂટેલી સીલીંગના સળિયા સાથે સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં ત્રણ વર્ષીય બાળકીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.
સ્કૂલ યુનિફોર્મ પહેરેલી બાળકીને દિવાલ સાથે અફાળી કે ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારાયાની શક્યતાને પગલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. ફોરેન્સીક વિભાગના તબીબોએ પોસ્ટમોર્ટમ કરતાં બાળકીને માથામાં ઇજા થવાથી તેમજ ગળે ટૂંપો દેવાથી હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું.
જો કે, પોસ્ટમોર્ટમમાં તેવું પણ જાણવા મળ્યું હતું કે માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બાળકી ઉપર બનાવના સ્થળે જ બળાત્કાર ગુજારી ખૂબ ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરનાર વિકૃત માનસ ધરાવતા આરોપી સુધી પહોંચવા બાળકીની ઓળખ જરૃરી હોવાથી પોલીસે આજે દિવસભર તે દિશામાં દોડધામ કરી હતી. પોલીસે લિંબાયત, નવાગામ, ડીંડોલી, ભેસ્તાન વિસ્તારમાં માઇક સાથે રીક્ષા ફેરવી બાળકીનું વર્ણન કરી તેના પરિવારજનો સુધી પહોંચવા પ્રયાસ કર્યો હતો. પોલીસે બાળકીના ફોટા સાથે પણ આ વિસ્તારોમાં તપાસ કરી હતી. પરંતુ પોલીસને ઓળખ સ્થાપિત કરવામાં સફળતા મળી ન હતી. વધુ તપાસ લિંબાયત પી.આઇ. એલ.બી. ઝાલા કરી રહ્યા છે.