| શિક્ષણ સમિતિની શાળામાં લોકભાગીદારી બાદ
સુરતની અંધજનશાળાએ સુરત પાલિકાની તમામ આંગણવાડીમાં ભૌતિક સુવિધા આપવાની જાહેરાત કરી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને દત્તક આપ્યા બાદ હવે પાલિકાની આંગણવાડીઓ પણ દત્તક આપવા માટે કવાયત થઈ રહી છે. પાલિકાની ૩૫૦થી વધુ આંગણવાડીઓ દત્તક લેવા માટે સેવાભાવી સંસ્થાઓએ તૈયારી બતાવી છે. જ્યારે સુરતની અંધજનશાળાએ પાલિકાની તમામ આંગણવાડીમાં ભૌતિક સુવિધા આપવાની જાહેરાત કરવામા આવી છે. આંગણવાડીને દત્તક લઈ લોકભાગીદારી કરનારી સંસ્થાઓનું આગામી ૧૮ ડિસેમ્બરના રોજ સદ્દભાવના મીશનમાં સન્માન પણ કરવામાં આવશે.
સુરત મહાગનરપાલિકા સંચાલિત ૧૦૦૪ આંગણવાડી છે. આ આંગણવાડી સરકારની ગ્રાન્ટ તથા પાિલિકા દ્વારા આપવામાં આવતી સુવિધાથી ચાલે છે. આ આંગણવાડીમાં ૬ વર્ષ સુધીના ૯૧૨૭૦ બાળકો લાભ લે છે. પાલિકા દ્વારા આ બાળકોને પુરક પોષણનો આહાર આપવામાં આવતો હોવા છતાં આંગણવાડીમાંથી ૪૪૨૯ બાળકો અતિ કુપોષિત હોવાનું બહાર આવ્યું છે. આવા બાળકોનું સ્વાસ્થય સુધારવા માટે આંગણવાડી દત્તક આપવાની વિચારણા કરવામાં આવી છે.
સુરત પાલિકા દ્વારા સેવાભાવી સંસ્થાઓની એક બેઠક બોલાવીને સમિતિની શાળાની જેમ આંગણવાડીને દત્તક આપવા માટેની વાત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, કુપોષણના કારણે ૫૩ ટકા બાળકો મૃત્યુ પામતા હોય છે. આ સમારંભમા સ્વૈચ્છિક સંસ્થાઓ કેવી રીતે આંણગવાડીને દત્તક લઈ શકે તે માટેની માહિતી અને સમજણ આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરે એ.જે. શાહે જણાવ્યું હતું ેકે, કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે સમાજને સાથે લઈને ચાલવું જોઈએ જેના માટે વિવિધ સંસ્થાઓની મદદ લેવી પડશે. સરકારની યોજનામાં પણ કુપોષિત બાળકોને આહાર તથા તેની કાળજી લેવામાં આવે ચે. પરંતુ આવા કુપોષિત બાળકોને વિશિષ્ટ પ્રોટીન સભર આહારની જરૃર રહે છે. આવા બાળકોને સ્વૈચ્છિક સંસ્થાઓએ જાતે આંગણવાડીમાં જઈને પૌષ્ટિક આહાર આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ આંગણવાડી દત્તક લેશે તેવી સંસ્થાઓને ૧૮ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના સદ્દભાવના કાર્યક્રમમાં બિરદાવવામાં આવશે.
આ બેઠકમા મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા ૨૦૦ આંગણવાડી દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે તેલુગુ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૧૫૧, બિહારીભાઈ ભોજ દ્વારા એક, અને વિદ્યાધન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે આંગણવાડી દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે સુરતની અંધજન શાળાએ તમામ આંગણવાડીમાં ભૌતિક સુવિધા પુરી પાડવા માટે જાહેરાત કરી હતી. હાલમાં ૩૫૦થી વધુ આંગણવાડી દત્તક આપવામાં આવી છે તેમજે આગામી દિવસોમાં વધુ આંગણવાડી દત્તક આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. |