| |
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ
ભાવનગર, શુક્રવાર
ભાવનગરના સુપ્રસિધ્ધ સાંઇબાબાના મંદિરના ૩૨માં પાટોત્સવ પ્રસંગે આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરીયલના કલાકારોનો કાફળો એરપોર્ટ ખાતે આવી પહોચ્યો હતો. બાદ એરપોર્ટથી રોડ શો કરી મંદિર આવવાના બદલે બંધ કારમાં કલાકારો મંદિરે પહોચતા કલાકારોને જોવા ટોળે વળેલ ભાવુકે ઘસારો કરતા પોલીસે લોકો પર લાઠીચાર્જ કરતા લોકોમાં રોષની લાગણી છવાઇ ગઇ હતી.
સાંઇબાબા મંદિરના પાટોત્સવ કાર્યક્રમમાં અવ્યવસ્થા સર્જાતા પ્રશંસકો કાબુ બહાર
ભાવનગર શહેરના મેઘાણી સર્કલ વિસ્તારના સાંઇબાબા મંદિરના પાટોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ દયાભાભી-જેઠાલાલ, ખુદાગવાહ ફેઇમ મનોજ દેસાઇ, દયાશંકર પાંડે, પ્રોડયુસર આસિત વોરા, આસીત મોદી સહિતનો કાફલો સવારે ૮ કલાકે ભાવનગર એરપોર્ટ આવી પહોંચતા કલાકારોને નિહાળવા એકઠી થયેલ ભીડને દુર કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. કાર્યક્રમ અનુસાર એરપોર્ટથી કલાકારોનો કાફલો ખુલ્લીજીપમાં રોડ શો કરી મંદિર પહોચવાનો હતો તેને નિહાળવા ખાસી ભીડ થઇ એકઠીથઇ હતી. પરંતુ કાફલો બંધ કારમાં સાઇબાબા મંદિર રવાના થયો હતો. ત્યાં કલાકારોને જોવા ઉમટેલ લોકો અને ભક્તજનોનો ઘસારો જોઇ બી.ડીવીઝન પોલીસ અને સીક્યુરીટી ગાર્ડ, મહિલા ગાર્ડએ લાઠીચાર્જ કર્યો હતો. એક ગુનેગાર સાથે પોલીસ વર્તન કરે તે રીતે લોકો પર લાઠી ઉગામતા જોવા મળ્યા હતા. જેના પગલે નાસભાગ મચીહતી. લોકોની લાગણીને ન સમજનાર પોલીસે મહિલાઓને પણ બક્ષી ન હતી. જેનાથી રોષની લાગણી છવાઇ જવા પામી હતી. અને કલાકારોને જોવા ઉમટેલ ભાવુકો નિરાશા સાથે પરત ફરી હતી. આ ક્ષણે પોલીસની કામગીરી પ્રજામાં ટીકાપાત્ર બની હતી. |