ડે. મેયર વર્ષા રાણા ઉપરાંત સૌરાષ્ટ્રીયન હોવા છતાં ભીમજી પટેલ સી.આર. ગુ્રપના છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓમાં પાટીલ કોર્પોરેટરોની બાદબાકી ભલે રહી પરંતુ પદાધિકારીઓની નિમણુંકમાં સી.આર.પાટીલ જુથનો દબદબો યથાવત રહ્યો છે. પાલિકામાં મેયર ઉપરાંત હવે ડે. મેયર તથા સ્થાયી સમિતિ અધ્યક્ષમાં પણ સી.આર. ગુ્રપના કોર્પોરેટરોની જ નિમણુંક થઈ ગઈ છે.
પાલિકાના પદાધિકારીઓની નિમણુંક સુરત ભાજપની જુથબંધીના કારણે પ્રદેશના નેતાઓએ દખલગીરી કરવી પડી હતી. ગાંધીનગર ખાતેની બેઠકમાં ડે. મેયર તરીકે રોહીણી પાટીલનુ નામ મુકાતા જ પાટીલ સિવાયની વાત કરો તેવું કહેવામાં આવ્યું હોવાની ચર્ચા થતી હતી. જેના કારણે પદાધિકારીઓની નિમણુંકમાં સી.આર. જુથને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવે તેવું કહેવાતું હતું.
પરંતુ મેન્ડેટ ખોલતાની સાથે જ સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ભીમજી પટેલ, ડે. મેયર તરીકે વર્ષા રાણાની નિમણુંક સાથે જ આ વાત ખોટી સાબિત થઈ હતી. પદાધિકારીઓમાં પાટીલ કોર્પોરેટરની ભલે બાદબાકી થઈ પરંતુ ત્રણમાંથી બે પદાધિકારીઓ સી.આર. જુથના છે.
પદાધિકારીઓના નામ જાહેર થતાં જ કહીં ખુશી કહી ગમ જેવો માહોલ
પ્રફુલ્લ પાનસેરીયા, ડૉ. જગદીશ પટેલ, મુકેશ દલાલ અને દિપક આફ્રીકા જેવા હોટ ફેવરીટ નામો માત્ર ચર્ચા જ રહી ગઈ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓના નામની જાહેરાત થતાં જ કહી ખુશી કહી ગમ જેવો માહોલ થઈ ગયો હતો. સ્થાયી અધ્યક્ષ માટે ચાર નામો ભારે હોટ ફેવરીટ હતા પરંતુ મેન્ડેટ ખુલતાં જ લગભગ બધાને આશ્ચર્ય થઈ ગયું હતું. જેના કારણે પાલિકામાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ ઉભો થયો હતો.
પાલિકામાં પહેલી વખત સ્થાયી અધ્યક્ષ પદ સૌરાષ્ટ્રીયનને ફાળે જાય તેવી શક્યતા હતી. જેના કારણે પ્રફુલ્લ પાનસેરીયા તથા ડૉ. જગદીશ પટેલ વચ્ચે ભારે સ્પર્ધા રહી હતી. છેક છેલ્લી ઘડી સુધી આ બેમાંથી જ કોઈને સ્થાયી અધ્યક્ષનો તાજ આપવામાં આવે તેવી શક્યતા હતી. પરંતુ સતત ત્રણ વર્ષથી સ્ટેન્ડીંગ ચેરમેન વેઈટીંગ બનતા ડૉ. જગદીશ પટેલ ફરી એક વખત વેઈટીંગમાં મુકાયા છે. આ ઉપરાંત મેયરની નિમણુંક વખતે છેલ્લે સુધી જેમનુ નામ ગાજતું હતું તેવા પ્રફુલ્લ પાનસેરીયાની નિમણુંકની વાત જોરમાં હતી.
આ ઉપરાંત જો સુરતી અધ્યક્ષ બનાવવામાં આવે તો મુકેશ દલાલને રીપીટ કરવામાં આવે તેવી પુરેપુરી શક્યતા હતી. પંરતુ સુરતના કોઈ પણ જુથે તેમનું નામ મુક્યું ન હતું. પરંતુ તેમની સામે મુળ સુરતી તરીકે દિપક આફ્રિકાવાલાનું નામ અગ્રેસર રહ્યું હતું. પરંતુ આ બધા ચર્ચાતા નામોને બાજુએ મુકીને પ્રદેશ દ્વારા સ્કાઈલેબની જેમ સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ભીમજી પટેલનું નામ મુકાતા સોપો પડી ગયો હતો.
ડે. મેયર સુરતી તો શાસક પક્ષ નેતા હિન્દીભાષીને ફાળે ગયું
ડે. મેયર તરીકે વર્ષા રાણાની નિયુક્તિ, શાસક પક્ષ નેતા તરીકે દયાશંકર સિંહને રીપીટ કરાયા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણુંક માટે છેલ્લા એક અઠવાડિયાથી ચાલતી ચર્ચાનો આજે અંત આવ્યો છે. પાલિકાના ડે. મેયર, શાસક પક્ષ નેતા અને સ્થાયી સમિતિ અધ્યક્ષના નામ જાહેર થતાં આજે તેમના ટેકેદારો પાલિકામાં અભિનંદન આપવા માટે ઉમટી પડયાં હતા.
પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ભીમજી પટેલની નિયુક્તિ થતાં પાલિકાના ઈતિહાસમાં પહેલા બિન સુરતી અધ્યક્ષ તેઓ બની ગયા હતા. આ ઉપરાતં બપોરની સામાન્ય સભામાં ડે. મેયર તરીકે વર્ષા રાણા તથા શાસક પક્ષ નેતા તરીકે દયાશંકર સિંહના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
ભીમજી પટેલની નિયુક્તિ બાદ વરાછા વિસ્તારના કાર્યકરોના ટોળા આવ્યા હતા. જોકે, આ નિયુક્તિ બાદ અનેક સૌરાષ્ટ્રીયન કોર્પોરેટરો ગેરહાજર હોવા ઉપરાંત હાજર રહેલાના ચહેરા પર આનંદ દેખાતો ન હોવાથી તેમને ભીમજી પટેલની નિયુક્તિ ગમી ન હોય તેવી ચર્ચા પણ શરૃ થઈ ગઈ છે.