કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાની મુક્તિ રદ કરવાના વિરોધમાં
રાજકોટ, બુધવાર
કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાની મુક્તિ મર્યાદા રદ કરવાના વિરોધમાં આવતીકાલ તા. ૮ ડીસેમ્બરના રોજ સમગ્ર સૌરાષ્ટ્રની સહકારી બેંકોમાં એક દિવસની પ્રતિકાત્મક હડતાલ જાહેર કરવામાં આવી છે. આ હડતાલ સંદર્ભે આવતીકાલ તા. ૮ના રોજ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવશે.
રાજકોટમાં જુદી જુદી સહકારી બેંકોના આગેવાનો દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરીએ આવેદન પત્ર અપાશે, ઉગ્ર આંદોલનનો નિર્ધાર
રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલ તા. ૮ના રોજ સહકારી બેંકોનું રાજયવ્યાપી બંધનું જે એલાન આપવામાં આવ્યું છે તેમાં રાજકોટમાં રાજકોટ નાગરીક સહકારી બેંક, જીવન કો ઓપરેટીવ બેંક, સીટીઝન બેંક, જિલ્લા સહકારી બેંક, ધરતી બેંક, રાજ બેંક, ગોંડલ નાગરીક બેંક, પીપલ્સ બેંક, વિજય બેંક અને વેરાવળ કો. ઓપ. બેંક સામેલ થશે. આ હડતાલ સંદર્ભે ગુજરાત અર્બન કો. ઓપરેટીવ બેંક ફેડરેશનના સુત્રોએ જણાવ્યું હતું કે સહકારી બેંકોમાં આજસુધી આવકવેરાની મુક્તિ મર્યાદાનો જે લાભ આપવામાં આવતો હતો તે લાભ કેન્દ્રના નાણાં મંત્રાલય દ્વારા રદ કરી દેવામાં આવતા ગુજરાતમાં ૨૦૦ અર્બન કો. ઓપરેટીવ બેંક, ૧૮ જિલ્લા સહકારી બેંક અને એક સ્ટેટ કો. ઓપરેટીવ સહકારી બેંક બંધ પાળશે. આ હડતાળને કારણે સૌરાષ્ટ્રમાં ૨૦૦ કરોડના નાણાંકીય વ્યવહારો અટકી જશે. રાજકોટમાં સહકારી બેંકોના પ્રતિનિધિઓ દ્વારા રેલી સ્વરૃપે કલેકટર કચેરીએ જઇ આવેદન પત્ર આપવામાં આવશે, તેમ છતાં પણ સહકારી બેંકોનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે તેવો નિર્ધાર જાહેર કરવામાં આવ્યો છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં
માતાજીના પ્રસાદના જમણવારમાં ૧૩ બાળકોને ફુડ પોઇઝનીંગ
જામનગર, તા. ૭
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રાંદલ માતાજીના પ્રસાદના જમણવારમાં ૧૭ બાળકો સહિત ૧૪ને ઝેરી અસર થવાથી તેઓને અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં.
તમામ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં પ્રતાપભાઇ ઢાપાના ઘરે રાંદલ માતાજી તેડયા હતા અને માતાજીના પ્રસાદીના જમણવારમાં ભોજન લીધા બાદ બાળકોને ખોરાકની ઝેરી અસર થતાં સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
જેમાં જયેશ જીતુભાઇ, ચેતન જીતુભાઇ (ઉ.વ.૫), નિખિલ પ્રતાપભાઇ (ઉ.વ.૩), સાગર નરસીભાઇ (ઉ.વ.૫), માનસી નીતિનભાઇ (ઉ.વ.૮), વિરેન્દ્રસિંહ (ઉ.વ.૧૯) તેજસ ભરતભાઇ (ઉ.વ.૧૧), વિશાલ નરશીભાઇ, કેતન નરસીભાઇ (ઉ.વ.૧૦), નેહાબેન અશોકભાઇ (ઉ.વ.૫), રિદ્ધિબેન રાકેશભાઇ, નિખિલ હરેન્દ્રભાઇ, વૈશાલી સુનીલભાઇ (ઉ.વ.૧૫) સહિત ૧૪ લોકોને સારવાર આપવામાં આવી હતી.
તાલાલા પંથકની ધરાને ધુ્રજાવતો ૨.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
તાલાલા ગિર, તા. ૭
તાલાલા પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું રોજીંદુ બની ગયું છે. મંગળવારે રાત્રે ૨.૨ની તીવ્રતાના ભારે આંચકાથી ધરા ધણધણી ઉઠી હતી આખી રાત ધરા શાંત રહ્યા બાદ બપોરે ફરી હળવો આંચકો આવ્યો હતો.
એપી સેન્ટર તાલાલથી ૧૫ કિ.મી. સાઉથ વેસ્ટ દિશામાં નોંધાયું
તાલાલા પંથકમાં મંગળવારે રાત્રે ૯.૨૩ કલાકે ૨.૨ની તીવ્રતાનો તીવ્ર આંચકો આવતા લોકો ડરી ગયા હતા. આંચકાનું એપી સેન્ટર તાલાલાથી ૧૦ કી.મી. દુર નોર્થ-વેસ્ટ દિશામાં નોંધાયું હતું. તીવ્ર આંચકા બાદ અઢાર કલાક ધરા શાંત રહ્યા બાદ ૧.૨ની તીવ્રતાનો વધુ એક આંચકો આવેલ જેનું એપી સેન્ટર તાલાલાથી ૧૫ કી.મી. સાઉથ-વેસ્ટ દિશામાં નોંધાયું હતું. તાલાલા પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું પ્રમાણ ઓછું થયું છે. પરંતુ આંચકા બંધ થયા નથી.