ગાંધીધામ,તા.૬
શૈક્ષણિક નગર આદિપુર અને આસપાસમાં વિકસી રહેલા રહેણાંક વિસ્તાર અને વધતા જતા રેલ મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં લઈને રેલવે સ્ટેશનનું વિસ્તરણ તેમજ નવિનીકરણ કરવામાં આવે વગેરે પ્રશ્નોની ગાંધીધામમાં મેળવી રેલવે સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
રેલવે સલાહકાર સમિતિમાં સોલ્ટ, ટીમ્બર વગેરે ઉદ્યોગના મુદ્દે ભવિષ્યમાં રેલ ટ્રાફિકને પહોંચી વળવા જરૃરી સૂચનો કરાયા
સમિતિના સભ્ય યજુવેન્દ્રસિંહ જાડેજાએ રેલવેને સ્પર્શતા વિવિધ પ્રશ્નો સંદર્ભે જણાવ્યું હતું કે, કચ્છમાં મીઠા ઉદ્યોગ, ટીમ્બર ઉદ્યોગ, ઈન્ડસ્ટ્રીઝ તેમજ ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં રેલ ટ્રાફિકને પહોંચી વળવા ભવિષ્યમાં સામખિયાળીથી વિરમગામના રેલવે રૃટને ડબલ ટ્રેક કરવાનું સૂચન કર્યું હતું. પરિણામે વિસ્તારને વધુ રેકની ફાળવણી થઈ શકે તેવી આશા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
ગાંધીધામ રેલવેની હદમાં લાંબા સમયથી ઉગી નિકળેલા ગાંડા બાવળના ઝુંડ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેમજ રાત્રિના સમયે જી.આર.પી. તેમની આર.પી.એફ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરી અસામાજીક તત્વો પર બાજ નઝર રાખવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભુજથી દાદર ટ્રેનને દૈનિક કરવાની માંગણી સાથે આદિપુરના રેલવે સ્ટેશન પર પ્રવાસીવર્ગને લાંબા સમયથી પજવતી જન સુવિધાઓની સગવડો તાકિદે પુરી પાડવામાં આવે તેવી તેમણે અંતે આક્રોશપૂર્વક માંગ કરી હતી.