(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
દમણથી બીયરનો જથ્થો ભરીને અમદાવાદ ડીલીવરી આપવા જતાં ટર્બો ગાડીના ચાલક અને ક્લીનરને વીજીલન્સ સ્કવોર્ડે નેશનલ હાઈ-વે ૮ પરથી મોડી રાતે ઝડપી પાડયાં હતા. દારૃ મોકલનાર દમણના જીતુને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ગાડી અને બીયર સહિત ૨૦.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દમણથી જીતુએ બીયરનો જથ્થો ભરાવ્યો હતો અગાઉ એકવાર અમદાવાદ ડીલીવરી આપેલી
આ અંગેની વિગત એવી છે કે, ગાંધીનગર વીજીલન્સ સ્કવોડને બાતમી મળી હતી કે દમણથી બીયર ભરેલી નીકળેલી ગાડી નેશનલ હાઈવે-૮ પરથી પસાર થવાની છે. જેથી, પોલીસે આજવા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ગાડી આવતાં પોલીસે ઈશારો કરી ગાડી ઉભી રાખવા જણાવ્યું હતું પણ ગાડી ઉભી નહિ રખાતા પોલીસે દારૃ ભરેલી ગાડીનો પીછો કરી આરાધના હોટલ પાસે અટકાવી હતી. ગાડીમાં તપાસ કરતાં બીયરની ૧૫૫૫૨ બોટલ કિંમત રૃપિયા ૧૫,૫૫,૨૦૦ની મળી આવી હતી. જેથી, પોલીસે ગાડીના ડ્રાયવર ક્લીનર પ્રમોદ ક્રિષ્ણાભાઈ આરોડે અને સાગર મુકુંદભાઈ સાવરકર (બંને રહે. કુવા વોટરપાર્ક વસંતભાઈની ચાલી વાપી જિ. વલસાડ મૂળ રહે. અકોલા મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી હતી. પોલીસે ગાડી પણ કબ્જે લીધી છે. આ બીયરનો જથ્થો દમણના જીતુએ ભરાવ્યો હતો અને અમદાવાદ ત્રણ નાકા પાસે આપવાનો હતો.
કિશનવાડી પોલીસે બંન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતાં જણાવ્યું હતું કે, જીતુની તપાસ કરવાની છે. ડીલીવરી આપનાર શખ્સનું નામ આરોપી આપતાં નથી
પરંતુ, મોબાઈલ નંબર આપે છે. જેના આધારે તપાસ કરવાની છે. એક મહિના પૂર્વે પણ દારૃનો જથ્થો ટ્રક મારફતે અમદાવાદ પહોંચાડયો હતો. તે અંગે તપાસ કરવાની છે. દમણમાં કયા કયા ગોડાઉનમાંથી દારૃ લાવે છે ? ડીલીવરી લેવા ગાડી લઈને આવનારની તપાસ કરવાની છે.જીતુ સાથે ઓળખાણ કરાવનાર દિપકની તપાસ કરવાની છે. કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
|