Last Update : 21-Nov-2011, Monday
 

વિનોદ કાંબલીના મેચ ફિક્સિંગના આક્ષેપોમાં ભારોભાર તથ્ય છે

 

જો ઇ.સ. ૧૯૯૬માં શ્રીલંકા સામેની વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં મેચ ફિક્સિંગના આરોપોની તપાસ કરવામાં આવે તો ભારતના બે-ત્રણ ભૂતપૂર્વ ક્રિકેટરો જેલમાં જઈ શકે છે

ભારતીય ક્રિકેટમાં છેલ્લા દોઢ દાયકાથી જેની મુક્ત ચર્ચા થતી નહોતી એ વિવાદ છેવટે જાહેરમાં આવી ગયો છે. ઇ.સ. ૧૯૯૬માં કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારત બૂરી રીતે હાર્યું હતું. ક્રિકેટના ચાહકોને એ વાતની શંકા હતી કે આ મેચ બૂકીઓ દ્વારા ફિક્સ કરવામાં આવી છે, પણ તેની જાહેરમાં ચર્ચા કરવા કોઈ તૈયાર નહોતું. આ મેચના અંતે બીસીસીઆઈએ આ મામલાની ખાનગી તપાસ યોજીને ભીનું સકેલી લીધું હતું. હવે આ મેચમાં ભારતની ટીમ વતી રમનારા વિનોદ કાંબલીએ એક ટીવીની ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ઘટસ્ફોટ કર્યો છે કે આ મેચ ફિક્સ કરવામાં આવી હતી અને તેમાં મુખ્ય જવાબદારી તે વખતના કેપ્ટન અઝહરુદ્દીનની હતી. આ આક્ષેપને કારણે ભારતીય ક્રિકેટના વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ભ્રષ્ટાચાર વિરોધી વિભાગના ભૂતપૂર્વ વડા પોલ કોન્ડોને તાજેતરમાં તોફાની નિવેદન કર્યું હતું કે ઇ.સ. ૧૯૯૦ના દાયકામાં ક્રિકેટ રમતાં તમામ દેશો મેચ ફિકસીંગ કરતા હતા. આ વિવાદ બાબતમાં ટીવીની એક ચેનલ દ્વારા જૂથ ચર્ચા યોજવામાં આવી હતી અને તેમાં ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન વિનોદ કાંબલીને આમંત્રિત કરવામાં આવ્યો હતો. આ ચર્ચા દરમિયાન વિનોદ કાંબલી લગભગ ભાંગી પડયો હતો અને તેણે સીધો અઝહરુદ્દીન અને અજય જાડેજા ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમણે આ મેચ ફિક્સ કરી હોવાથી ભારત સેમી ફાઈનલમાં હારી ગયું હતું. વિનોદ કાંબલીને સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે આ બાબતમાં ૧૫ વર્ષ તે શા માટે મૌન રહ્યો? આ બાજુ વિનોદ કાંબલીના મેચ ફિકસીંગના આક્ષેપને કારણે કોંગ્રેસ પક્ષ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે, કારણ કે તેણે અઝહરુદ્દીનને સંસદમાં મોકલ્યો છે. આ વિવાદમાં મોહમ્મદ અઝહરુદ્દીનનો બચાવ કરવા સિવાય કોંગ્રેસ પક્ષ પાસે કોઈ વિકલ્પ જ રહ્યો નથી.
ઇ.સ. ૧૯૯૬ના વર્લ્ડ કપમાં ભારતનો દેખાવ પ્રારંભથી જ ઉજ્જ્વળ રહ્યો હતો. ભારતે વેસ્ટ ઈંડીઝ અને પાકિસ્તાન જેવી ધરખમ ટીમોને શિકસ્ત આપીને સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમી ફાઈનલ શ્રીલંકા સામે ઈડન ગાર્ડનમાં રમાવાની હતી. મેચ શરૃ થાય તે પહેલાં જ ગ્રાઉન્ડમેને હેવાલ આપ્યો હતો કે આ પીચ ઉપર જે ટીમ પ્રથમ બેટીંગ કરશે તેની જીત થશે. ભારતની ટીમે નક્કી કર્યું હતું કે જો તેઓ ટોસ જીતશે તો પહેલાં બેટીંગ કરશે. બધાના આશ્ચર્ય વચ્ચે કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો ફેંસલો કર્યો હતો. આ નિર્ણય જાણીને ભારતની ટીમના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. શ્રીલંકાએ પહેલા બેટીંગ કરીને ભારતને ૨૫૨ રનનો પડકાર આપ્યો હતો.
ભારતની ટીમ બેટીંગમાં ઉતરી હતી. ઓપનર સચિન તેંડુલકરે ભારતને સારો સ્ટાર્ટ અપાવ્યો ત્યારે ભારતની જીતની આશા જીવંત હતી. પરંતુ મેચે એકાએક પલટો લીધો હતો. એક પછી એક બેટ્સમેનો ફટાફટ આઉટ થવા લાગ્યા હતા. અઝહરુદ્દીન અને અજય જાડેજા શૂન્ય રનમાં આઉટ થઈ ગયા હતા. બીજા બેટ્સમેનોએ પણ પોતાની વિકેટો ફેંકી દીધી હતી. પાંત્રીસમી ઓવરમાં ભારતનો સ્કોર ૧૨૦ રનમાં આઠ વિકેટ હતો. કોલકાતાના ઈડન ગાર્ડનના પ્રેક્ષકો અત્યંત ખેલદિલ ગણાય છે. તેમને કાંઈ ખોટું થઈ રહ્યું હોવાની ગંધ આવી હતી. તેમને ભારતની ટીમ ઉપર ગુસ્સો ચડયો હોવાથી મેદાનમાં બોટલો અને ફળોનો વરસાદ વરસાવ્યો હતો. પ્રેક્ષકોના ગુસ્સાને શાંત કરવા મેચ ૨૦ મિનિટ માટે અટકાવી દેવામાં આવી હતી. ખેલાડીઓ મેદાનમાં ફરી પાછા આવ્યા ત્યારે ફરીથી બોટલોનો વરસાદ ચાલુ થયો હતો. કેટલાક લોકોએ સ્ટેડિયમના એક ભાગમાં આગ ચાંપી હતી. છેવટે મેચ રેફરીએ શ્રીલંકાને વિજેતા જાહેર કરીને મેચને પૂરી થયેલા જાહેર કરી હતી.
આ મેચમાં વિનોદ કાંબલી છેક છેલ્લે સુધી એક છેડો સાચવીને રમતો રહ્યો હતો. તેને અન્ય ખેલાડીઓનો સાથ મળ્યો નહોતો. મેચ પૂરી થઈ તે પછી ભારતની નાલેશીભરી હાર માટે વિનોદ કાંબલીને જવાબદાર ઠેરવીને તેને બલિનો બકરો બનાવવામાં આવ્યો હતો અને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. વિનોદ કાંબલી કહે છે કે તે વખતે તેને પોતાની કારકિર્દી ખતમ થવાની ચિંતા હોવાથી તે કાંઈ બોલ્યો નહોતો. વિનોદ કાંબલીએ એવો આક્ષેપ કર્યો હતો કે ટીમના ત્યારના મેનેજર અજીત વાડેકરને પણ જાણ હતી કે આ મેચ ફિક્સ થયેલી છે.
તાજેતરમાં બ્રિટનની એક અદાલતે મેચ ફિક્સીંગના આરોપમાં પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરોને જેલની સજા ફરમાવી છે. ભારતના કાયદાઓ મુજબ પણ આ રીતે મેચ ફિક્સ કરવામાં ફોજદારી કાયદાઓનો ભંગ થાય છે અને જેલની સજા પણ થઈ શકે છે. જો ઈ.સ. ૧૯૯૬ની સાલમાં મોહમ્મદ અઝહરુદ્દીન આણિ કંપનીએ મેચ ફિક્સ કરીને ભારતને હરાવવામાં મદદ કરી હોય તો તેમને સજા થવી જોઈએ.
વિનોદ કાંબલી દ્વારા ઇ.સ. ૧૯૯૬ના વર્લ્ડ કપની સેમી ફાઇનલની પૂર્વ સંધ્યાએ બનેલી જે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવે છે તેના ઉપરથી ખ્યાલ આવે છે કે તત્કાલીન ભારતીય ટીમનો મેનેજર અજીત વાડેકર પણ આ બાબતમાં ઘણું જાણે છે. વિનોદ કાંબલીના જણાવ્યા મુજબ આ મેચની પૂર્વસંધ્યાએ મોહમ્મદ અઝહરુદ્દીન અને અજીત વાડેકર વચ્ચે કોઈ ઝઘડો થયો હતો. આગલા દિવસે સાંજે ભારતની ટીમ મેદાનમાં નેટ પ્રેક્ટિસ કરવા ઉતરી હતી, પણ અઝહરુદ્દીને એવું બહાનું કાઢ્યું હતું કે તેને કોઈ અગત્યનાં કામે બહાર જવાનું છે. આ કારણે નેટ પ્રેક્ટિસ માત્ર ૧૫ જ મિનિટમાં આટોપી લેવામાં આવી હતી. આ બનાવને પગલે અજીત વાડેકર અને અઝહરુદ્દીન વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી. હજી સેમી ફાઈનલ મેચ રમાવાની બાકી હતી તો પણ અજીત વાડેકરે પોતાનો સામાન પેક કરીને મુંબઈ જવાની તૈયારી કરી લીધી હતી. ભારતના ખેલાડીઓ અજીત વાડેકરને સમજાવીને પાછા લઈ આવ્યા હતા. આ ઘટનાનો સંબંધ વિનોદ કાંબલી મેચ ફિક્સીંગ સાથે જોડી રહ્યો છે.
ભારત શ્રીલંકા સામેની સેમી ફાઈનલ હારી ગયું તેમાં વિનોદ કાંબલીને બલિનો બકરો બનાવવામાં આવ્યો હતો અને તેને ભારતની ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. આ બાબતમાં અજીત વાડેકર સચ્ચાઈ જાણતા હોવા જોઈએ, માટે જ તેમણે એક અખબારની કોલમમાં લખ્યું હતું કે આ પ્રકરણમાં વિનોદ કાંબલીનો ખોટી રીતે ભોગ લેવામાં આવી રહ્યો છે. જોકે આજની તારીખમાં અજીત વાડેકર કહે છે કે ઇ.સ. ૧૯૯૬ની સેમી ફાઈનલ ફિક્સ થઈ હોવાનું તેમને યાદ નથી. ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય પણ ટીમનો હતો એમ તેઓ કહે છે.
મેચ ફિક્સીંગની બાબતમાં અજીત વાડેકર જરૃર કાંઈક વધુ જાણે છે, પણ જાહેર કરતાં અચકાય છે. અજીત વાડેકરે થોડા સમય અગાઉ એવું નિવેદન કર્યું હતું કે એ સમયે તેમને ભારતના ખેલાડીઓની હિલચાલ ઉપર નજર રાખવાનું જણાવવામાં આવ્યું હતું અને તેઓ અમુક ખેલાડીઓના ફોન પણ ટેપ કરાવતા હતા. જોકે પાછળથી વાડેકરે આ નિવેદનમાં ફેરવી તોળ્યું હતું. વિનોદ કાંબલીએ અઝહરુદ્દીન ઉપર મેચ ફિક્સીંગનો આક્ષેપ કર્યો તે પછી ભારતની ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ અઝહરુદ્દીનના બચાવમાં આવી ગયો છે. ગાંગુલીએ કાંબલીને મેચ ફિકસીંગના પુરાવા આપવાનો પડકાર કરતાં સવાલ પૂછ્યો છે કે તે કેમ ૧૫ વર્ષ સુધી ચૂપ રહ્યો હતો? અજીત વાડેકર અને સૌરવ ગાંગુલીનાં નિવેદનો ઉપરથી લાગે છે કે ઇ.સ. ૧૯૯૬ના મેચ ફિક્સીંગ પ્રકરણમાં ભીનું સંકેલી લેવાની કવાયત પણ ટોચના સ્તરે જ કરવામાં આવી હતી.
શ્રીલંકા સામેની સેમી ફાઈનલ ફિક્સ થઈ હોવાના વિવાદે હવે રાજકીય રૃપ ધારણ કર્યું છે. ભાજપના સંસદસભ્ય અને ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે આ ઘટનાની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ એવી માગણી કરી છે. કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહ અઝહરુદ્દીનનો બચાવ કરી રહ્યા છે, કારણ કે અઝહરુદ્દીન કોંગ્રેસનો સંસદસભ્ય છે. બીસીસીઆઈના પ્રવકતા રાજીવ શુકલાએ વિનોદ કાંબલીના આક્ષેપને હાસ્યાસ્પદ ગણાવતા આ પ્રકરણમાં તપાસ કરવાની માગણી ફગાવી દીધી છે. આ બાજુ કેન્દ્રના રમતગમત ખાતાંના પ્રધાન અજય માકેને જાહેર કર્યું છે કે જો બીસીસીઆઈ આ પ્રકરણમાં તપાસ નહીં કરાવે તો તેઓ સ્વતંત્ર રીતે આ તપાસનો આદેશ આપી શકે છે. તાજેતરમાં બીસીસીઆઈ અને કેન્દ્રના રમતગમત ખાતાં વચ્ચે માન્યતાના મુદ્દે વિવાદ ચાલી જ રહ્યો છે. તેમાં રમતગમત ખાતાંના પ્રધાન અજય માકેનને બીસીસીઆઈ સામે લડવા માટે એક નવું હથિયાર મળી ગયું છે. અજય માકેન જો આ પ્રકરણમાં સીબીઆઈની તપાસનો આદેશ આપે તો બીસીસીઆઈનું નાક કપાય તેમ છે.
વિનોદ કાંબલીએ અઝહરુદ્દીન આણિ કંપની સામે મેચ ફિક્સીંગનો જે આક્ષેપ કર્યો છે તેમાં જરૃર કાંઈક તથ્ય છે. શ્રીલંકા સામેની સેમી ફાઈનલ વખતે કોલકાતાના ઈડન ગાર્ડનમાં આશરે એક લાખ પ્રેક્ષકો મોજૂદ હતા. બીજા કરોડો પ્રેક્ષકો પોતાના ટીવી સ્ક્રીન ઉપર અત્યંત આતુરતાથી આ મેચ નિહાળી રહ્યા હતા. આ મેચનું ફિક્સીંગ કરીને ભારતના ખેલાડીઓએ આ કરોડો પ્રેક્ષકો સાથે ઠગાઈ કરી હતી. અખબારી હેવાલો મુજબ તે વખતે મોહમ્મદ અઝહરુદ્દીનને બીસીસીઆઈ તરફથી સીબીઆઈની તપાસ કરવાની ધમકી આપવામાં આવી હતી. અઝહરુદ્દીને પોતાનું રાજીનામું આપીને આ વિવાદને સંકેલી લેવાની વિનંતી કરી હતી. આ રીતે આ પ્રકરણ પણ ફિક્સ કરવામાં આવ્યું હતું અને પડદો પાડી દેવામાં આવ્યો હતો. અઝહરુદ્દીન આણિ કંપનીએ જેમ શ્રીલંકા સામેની મેચ ફિક્સ કરી હતી તેમ બીસીસીઆઈએ આ પ્રકરણની તપાસ પણ ફિક્સ કરીને ભારતની પ્રજાનો વિશ્વાસઘાત કર્યો હતો. હવે કેન્દ્રના રમતગમત ખાતાંના પ્રધાન પોતાનું વચન પાળીને આ પ્રકરણમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવાનો આદેશ આપે તો ૧૫ વર્ષ જૂનાં આ પ્રકરણમાં ભારતના બે-ત્રણ ભૂતપૂર્વ ક્રિકેટરો આજે પણ જેલમાં જઈ શકે છે.
- સુપાર્શ્વ મહેતા

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ઈન્ડિયન કલ્ચરને ફિલ કરવા કેનેડિયન સ્ટુડન્ટ્‌સ અમદાવાદમાં
સચીન ભલે સદી ચૂકી ગયો પણ અમે નથી ચૂક્યા
શહેરની સરગમમાં સૂફીના સૂર રેલાશે

ત્રણ દરવાજાના ગોખમાં લક્ષ્મીજીની જ્યોત અખંડ રાખતો મુસ્લિમ યુવાન

૭૫ હજાર દિવાસળી વડે તાજમહેલનુ નિર્માણ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved