| Last Update : 21-Nov-2011, Monday |
|
|
| |
|
|
|
|
| લોકપાલ અને સ્પેક્ટ્રમ બંને મુદ્દે રાજકીય એકતા |
| |
નવી દિલ્હી,તા.૨૦
સંસદનું શિયાળુ સત્ર શરૃ થઇ રહ્યું છે તે સાથે રાજધાની નવી દિલ્હીની રાજકીય રોનક પાછી ફરશે. નવી દિલ્હી આમ તો દેશની રાજકીય રાજધાની ખરી પરંતુ વર્ષના મોટાભાગના સમય દરમિયાન તે સરકારી બાબુઓની નગરી જ બની રહે છે. સંસદના સત્ર જેવા દિવસો દરમિયાન જ દેશના મોટભાગના સાંસદોની ચહલપહલ તથા તમામ રાષ્ટ્રીય નેતાઓની હાજરી જોવા મળે છે.
આ વખતેે સંસદના શિયાળુ સત્રમાં શાસક અને વિપક્ષ વચ્ચે રાબેતા મુજબની તડાફડી સર્જાય તેવા એંધાણ તો છે જ પરંતુ રાજકીય પ્રવાહો સુચવે છે કે પડદા પાછળ તમામ પક્ષો એકતા કે સમજુતીની રમત રમી શકે છે. મજાની વાત એ છે કે શિયાળુ સત્રમાં પણ કદાચ સૌથી વધુ ગાજનારા બે મુદ્દા લોકપાલ બિલ અને સ્પેક્ટ્રમ કાંડ જ શાસક અને વિપક્ષને કોઇ ગુપ્ત સમજુતીની ફરજ પાડી શકે છે.
તમામ રાજકીય પક્ષો ભલે ઉપર ઉપરથી અણ્ણા હઝારેના લોકપાલ બિલને ટેકો આપતા હોય પણ અંદરખાને કોઇ કડક લોકપાલ બિલ ઇચ્છતું નથી એ હકિકત છે. વધુમાં, અણ્ણાની ટીમ જે રીતે તુટી રહી છે તે પછી રાજકીય પક્ષોને પણ એમ લાગે છે કે અણ્ણાના તોફાનને ખાળી શકવાનું અશકય નથી. કોંગ્રેસ આ તમામ પક્ષોની નબળાઇ જાણે છે એટલે લોકપાલ બિલના મુસદ્દા બાબતે રાજકીય સર્વસંમતિનો ખેલ ચાલુ થાય તો નવાઇ નહીં ગણાય. અણ્ણા નીતિશ કુમારની નારાજગી પણ વહોરી ચુકયા છે. ભાજપની અણ્ણાના જનલોકપાલ બિલના સમર્થન માટેની અવઢવ જાણીતી છે. કોંગ્રેસના ફલોર મેનેજરો અને કોંગ્રેસના બેક સ્ટેજના કસબીઓ કેટલી હદે વિપક્ષોને પોતાની સાથે રાખી શકે છે તેના પર તેમની સંસદીય મુત્સદીગીરીની કસોટી છે.
સુત્રો કહે છે કે યુપીએ સરકારે સ્પેકટ્રમ કૌભાંડને ટાઢું પાડવા માટે નવો એક મોરચો ખોલી નાખ્યો છે. સ્પેકટ્મ કૌભાંડની તપાસને એનડીએ શાસન સુધી લંબાવવામાં આવી છે અન ેતત્કાલીન અધિકારીઓ સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. ભાજપે સ્વાભાવિક રીતે જ આ હરકત સામે જોરશોરથી વિરોધ ચાલુ કર્યો છે અને ચિદમ્બરમને બચાવવા માટે જ આ ખેલ ચાલુ થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દેખીતી રીતે જ સ્પેક્ટ્રમ કૌભાંડ બાબતે ભાજપના અવાજને શાંત પાડવા માટે આ ચાલ ચાલવામાં આવી છે. સીબીઆઇ દ્વારા નોંધવામાં આવેલા કેસનું ટાઇમીંગ બહુ મહત્વનું છે. સંસદના શિયાળુ સત્રના પ્રારંભના ગણતરીના દિવસો પહેલાં જ આ કેસ દ્વારા ભાજપને સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે સ્પેક્ટ્રમ કૌભાંડ બાબતે બદનામી વહોરવામાં યુપીએ સરકાર એકલી નહીં હોય. વધુમાં આ કેસ આગળ ચાલે તો ભાજપ માટે અણ્ણા હઝારેના લોકપાલ બિલને ટેકો આપવાનું કે અણ્ણા માટે પણ ભાજપ તરફ કૂણું વલણ અપનાવાનું મુશ્કેલ બની જશે.
જોકે, યુપીએ સરકારે બીજી વખત સત્તાના સુત્રો સંભાળ્યાં છે ત્યારથી અત્યાર સુધીમાં કયારેય તેની કોઇ ગણતરી સાચી પડી નથી. શિયાળુ સત્રમાં આ સિલસિલો ચાલે છે કે તુટે છે તે આગામી દિવસોમાં જોવા મળશે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|