| રાજકોટ,બુધવાર
રાજકોટમાં એક તરફ શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓએ તાજેતરમાં જ 'ગેરકાયદે બાંધકામો તોડવાની કાર્યવાહીમાં પક્ષના કોઈ નેતા વચ્ચે નહીં આવે અને આવશે તો પાર્ટી ચલાવી નહીં લે' તેવું સ્પષ્ટ જાહેર કર્યા છતાં પક્ષની આ વાતને કચરાપેટીમાં ફેંકીનેે આજે સતત બીજા દિવસે પણ ભાજપના કોર્પોરેટર અને વોર્ડના કાર્યકરે ડિમોલીશનની કાયદેસરની કામગીરીમાં અવરોધ થાય તે રીતે ધસી ગયાનું બહાર આવ્યું છે.
કોઠારીયા રોડ ઉપર રાજલક્ષ્મી સોસાયટીમાં ટોળા સાથે સંજય ધવા, જીજ્ઞોશ જોષીની હાજરીમાં જ બાંધકામો તોડીને 'મેસેજ' આપતું તંત્ર
ગઈકાલે વોર્ડ નં.૨૨,૨૩ના વિસ્તારમાં ડિમોલીશન વખતે વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર પ્રવિણ રાઠોડનો વિસ્તાર નહીં હોવા છતાં પહોંચી જઈને કામ અટકાવવા માટે સ્ટાફ સાથે ઉગ્ર માથાકૂટ કર્યાનું બહાર આવ્યું હતું. આ માથાકૂટ અધિકારીઓના સ્વમાન પર એક પ્રહાર સમાન હતી જે અન્વયે આજે ફરી એ જ વિસ્તારમાં આવેલ કોઠારીયા રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ, ટી.પી.,વિજીલન્સ વગેરેનો સ્ટાફ સવારથી પહોંચી ગયો હતો.
કોઠારીયા રોડ પર રાજલક્ષ્મી સોસાયટી અને હરિ ધવા માર્ગ કહેવાતા રોડ પાસે વિશાળ રહેણાંક જગ્યા પર ૬ દુકાનો ખડકી દેવાતા ત્યાં ડિમોલીશન શરુ થાય તે પહેલા જ પાંચસોથી સાતસો લોકોના ટોળા સાથે ભાજપના કોર્પોરેટર સંજય ધવા તથા જીજ્ઞોશ જોષી ત્યાં પહોંચી ગયા હતા. પરિસ્થિતિ પારખીને ડિમોલીશન કામગીરી અટકાવી બાદમાં પોલીસે મામલો સંભાળતા અંતે દુકાનોના શટર તોડી નાંખ્યા હતા. જ્યારે પ્રથમમાળનું આખુ બાંધકામ પણ ગેરકાયદે હોય આશરે બારસો ફૂટની છતને તોડવા માટે બપોર પછી અર્ધો ડઝન જેટલા બ્રેકર મશીન મંગાવાયા હતા અને કામગીરી ચાલુ રાખી ત્યાં રોફ જમાવવા, તંત્ર પર ધાક જમાવવા સાંજ સુધી હાજર નેતાઓના કહેવાથી ડિમોલીશન નહીં જ અટકે તેવો સ્પષ્ટ મેસેજ પણ મ્યુનિ.તંત્રએ આપ્યો હતો.
આ વખતે કિરણ સોસાયટીમાં વોર્ડ ઓફિસ ગેરકાયદે બન્યા સહિતના પ્રતિઆક્ષેપો થયા હતા પણ તેને ટી.પી.શાખાએ તદ્દન ખોટા ગણાવ્યા હતા. આ માથાકૂટ વખતે ઉચ્ચ મ્યુનિ.અધિકારીઓએ કોર્પોરેટરોના ફોન સ્વીકારવાનું બંધ કર્યું હતું તો કેટલાક અધિકારીઓએ નેતાઓના ફોન ટેપ કર્યાનું પણ ચર્ચાય છે.
શહેરમાં ગેરકાયદે બાંધકામોને છાવરવા માટે મોટો 'વહીવટ' થઈ ચૂક્યો હોય તેમ ઠેરઠેર અવરોધ ઉભા કરાતા રહે છે. આ પહેલા શહેર ભાજપે વોર્ડ નં.૫માં બે કોર્પોરેટરો સુરેશ રૈયાણી અને બાબુ ઉધરેજીયા સામે ફરિયાદ,આક્ષેપ થતા બન્ને પાસેથી પક્ષના હોદ્દા, પદ આંચકી લેવાયા હતા પરંતુ, ગેરકાયદે બાંધકામો 'વહીવટ'ના કારણે છાવરવાની આવી પ્રવૃતિ વોર્ડ નં.૧,૧૩,૨૧,૨૨,૨૩ વગેરેમાં થતી હોવાની ફરિયાદો ઉઠતા મહાપાલિકાએ મવડી,ગાંધીગ્રામ, યુનિ.રોડ પછી કોઠારીયા રોડ પર આ ડિમોલીશન શરુ કર્યું છે અને તે અવિરત વધુ કડકાઈથી ચાલુ રખાય તેવી કાયદાને માન આપીને ચાલનારા લોકોની તીવ્ર માંગ છે.
|