| નલિયા, તા.૨૯
અબડાસા તાલુકાના અનેક ગામો પાણી સમસ્યામાં સપડાયા છે. અમૂક ગામોમાં મહિનાઓથી પાઈપલાઈન વાટે થતું વિતરણ ઠપ્પ થઈ ગયું છે. પાણીના ટેન્કરો માત્ર કાગળ ઉપર દોડાવાય છે. પાણી ન મળતા લોકો તળાવોનું ગંદુ પાણી પી દિવસો કાઢી રહ્યાં છે. તાકિદે આ ગામોમાં નિયમિત પાણી મળે તેવી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
લાઈન વાટે પાણી આવતું નથી, ટેન્કરોથી વિતરણ થતું નથી ઃ તળાવોનું ગંદુ પાણી પી દિવસો કાઢતા લોકો
અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુક હુસેનભાઈ મેઘરાએ અબડાસા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી જણાવ્યું હતું કે, અબડાસા તાલુકાના મોટાભાગના ગામોમાં પાણી પુરવઠાની યોજનાઓ ઠપ્પ થઈ ગઈ છે. લોકો દ્વારા રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરાય છે.
કુણાડીયા, બુટા, ઐડા, બૈયારી, બેર, હોથીયાય, રોહારો સહિતના ગામોમાં મહિનાઓથી લાઈન વાટે પાણી આવતુ નથી. ટેન્કરો માત્ર કાગળ ઉપર દોડે છે. પરંતુ લોકોને પામી મળતું નથી. પાણી ન મળતા લોકોને તળાવનું ગંદી પાણી પીવું પડતું હોવાથી લોકો રોગોનો ભોગ બની રહ્યાં છે.
પાણી પુરવઠા તંત્રને રજૂઆત કરવા છતાં ધ્યાને લેવાતી નથી. તાકિદે પગલાં લઈ ગામોને નિયમિત પાણી મળે તેવી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
|