| Last Update : 24-April-2011, Sunday |
|
|
|
|
|
|
ભારતીય ટીમના ફૂટબોલ કોચ બોબ હાઉટને રાજીનામું આપ્યું |
|
ઈંગ્લિશ કોચ પર ભારતીય રેફરીના વંશીય અપમાનનો આરોપ હતો
હાઉટનનો કરાર ૨૦૧૩ સુધીનો હતો
નવી દિલ્હી,તા.૨૩
ભારતીય ફૂટબોલ ટીમના ઈંગ્લિશ કોચ બોબ હાઉટને આજે રાજીનામું ધરી દીધું હતુ. મૂળ ઈંગ્લેન્ડના વતની એવા હાઉટન પર એક ભારતીય રેફરીનું વંશીય અપમાન કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જો કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને (એઆઇએફએફ) પુરાવાના અભાવમાં તેમને છોડી મુકવાનો નિર્ણય લીધો હતો.
ગત વર્ષે ભારત અને યમન વચ્ચેની ફ્રેન્ડલી મેચમાં ભારતીય રેફરી દિનેશ નાયરનું વંશીય અપમાન કરવાના મામલે ભારતીય ટીમના ઈંગ્લિશ કોચ હાઉટન સામે ત્રણ સભ્યોની તપાસ સમિતી બેસાડવામાં આવી હતી.
જો કે હાઉટને આજે તેમનું રાજીનામું સૌંપી દેતા ભારતીય ટીમ સાથેના તેમના પાંચ વર્ષના કાર્યકાળનો અંત આવી ગયો હતો. તેઓ જુન-૨૦૦૬માં ભારતીય ટીમ સાથે જોડાયા હતા.
ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને જાહેરાત કરી હતી કે, વંશીય અપમાનના આરોપને પુરાવાના અભાવમાં પડતો મુકવામાં આવ્યો હતો અને કોચે અંગત કારણોસર રાજીનામું ધરી દીધું છે. અમે તેમને જે શો કોઝ નોટીસ આપી હતી તેનો તેમણે રીપ્લાય આપ્યો છે અને તેઓની સામે તપાસ પણ કરવામાં આવી હતી અને તે અંગેનો રીપોર્ટ ફેડરેશનને જમા કરાવી દેવામાં આવ્યો છે.
એઆઇએફએફની યાદીમા એમ પણ જણાવાયુ છે કે, તપાસ સમિતીએ રજુ કરેલા અહેવાલને આધારે એઆઇએફએફને લાગ્યું કે તેમની સામે પુરતા પુરાવા નથી અને તેના કારણે તેમની સામેના તમામ આરોપો અને આક્ષેપોને પાછા ખેંચી લેવામાં આવ્યા છે. હાઉટને અંગત કારણોસર રાજીનામું ધરી દીધું હતુ અને ફેડરેશને તેને સ્વીકારી પણ લીધું છે. હાઉટનનો ભારત સાથેનો કોન્ટ્રાક્ટ ૨૦૧૩ સુધીનો હતો. ફેડરેશને તેમને આ અંગ કોઇ નાણાંકીય વળતર આપ્યું છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી. |
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|