મુંબઈ - દેશના ઝવેરીબજારોમાં ચાંદીના ભાવોમાં આજે વધુ ભડકો થઈ જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. મુંબઈમાં આજે હાજર ચાંદીના ભાવો ૯૯૯ના કિલોના રૃ.૭૦૮૧૦ વાળા ઉછળી રૃ.૭૨૯૮૦ બંધ રહ્યા પછી મોડી સાંજે ભાવો રૃ.૭૩૦૦૦ રહ્યા હતા.
ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૨૨૦૦ જેટલા વધ્યા હતા જ્યારે છેલ્લા પાંચ દિવસમાં ચાંદીના ભાવો આશરે રૃ.૮૩૦૦ જેટલા ઉછળી જતાં બજારના પીઢ અનુભવી ઝવેરીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. ચાંદીના તેજીના પડછાયામાં આજે મુંબઈમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૨૦૦ વધ્યા હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના વધી રૃ.૨૨૦૩૦ થઈ છેલ્લે રૃ.૨૨૦૨૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૨૧૩૫ થઈ છેલ્લે રૃ.૨૨૧૨૦ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો રૃ.૨૫૬૩૦૦ વાળા રૃ.૨૦૦૦ વધી રૃ.૨૫૮૩૦૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવો સતત વધતા રહ્યા છે અને તેના છાંટા ભારતના બજારો પર ઉડતા રહ્યા છે. વિશ્વબજારમાં ચાંદીના ભાવો ઔંશના ૪૬.૬૦થી ૪૬.૬૨ ડોલરવાળા ઉછળી ૪૭ ડોલર આસપાસ બોલાતા થયા છે. ૩૧ વર્ષ અગાઉ હંટ બ્રધર્સના ખેલાવખતે વિશ્વબજારમાં ચાંદીના ભાવો ૫૦ ડોલર થયા હતા એ વર્લ્ડ રેકોર્ડ ગણાય છે અને હવે ભાવો આ રેકોર્ડથી માત્ર ત્રણ ડોલરના અંતરે પહોંચી ગયા છે. હાલની તેજીનો માહોલ જોતાં વિશ્વબજારમાં હવે પછી ટૂંકમાં ચાંદીના ભાવોમાં નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાવાની શક્યતા છે.
વિશ્વબજારમાં સોનાના ભાવો પણ વધતા રહી ૧૫૧૦ ડોલર બોલાતાં નવો વિક્રમ વિક્રમ થઈ ગયો છે અને હવે વિશ્વવિક્રમ નોંધાવવાનો વારો ચાંદીનો છે! ભારતના બજારોમાં તો જોકે બંને કિંમતી ધાતૂઓ હાલ રેકોર્ડ ભાવોએ પહોંચી ગઈ છે. દિલ્હી ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવો હાજર ડિલીવરીના વધુ રૃ.૨૦૦૦ વધી રૃ.૭૨૦૦૦ ને વિકલી ડિલીવરીના રૃ.૨૬૪૦ વધી રૃ.૭૦૬૪૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૩૦૦૦ વધી રૃ.૭૮થી ૭૯ હજાર બોલાયા હતા.
કોમોડિટીઝ એક્સચેન્જો પર આજે ચાંદીના વાયદામાં વિક્રમ ભાવોએ પણ ધૂમ સોદા થયા હતા અને દૂરની ડિલીવરીના વાયદાઓ ઉછળી રૃ.૭૪૦૦૦ બોલાયા હતા. ચાંદી ડિસેમ્બર વાયદો આજે રૃ.૩૦૭૪ વધી રૃ.૭૩૯૦૦ આસપાસ અને ચાંદી નવેમ્બર વાયદો રૃ.૩૧૯૦ વધી રૃ.૭૪૦૬૬ બોલાયાના નિર્દેશો હતા.
વિશ્વબજારમાં વિવિધ કારણોસર ક્રૂડતેલના ભાવો વધતા રહી ૧૧૨ ડોલરની ઉપર જતા રહેતાં તથા ડોલરના ભાવો દબાણ હેઠળ રહેતાં સલામત રોકાણ માટે ફંડોની તથા રોકાણકારોની ખરીદી કિંમતી ધાતુઓ જળવાઈ રહ્યાના સમાચારો હતા. વિવિધ દેશોમાં ફુગાવો વધ્યો છે ઉપરાંત યુરોપના અમુક દેશોમાં દેવાની સ્થિતિ વકરતાં તથા મધ્ય પૂર્વના અને નોર્થ આફ્રીકાના દેશોમાં આંતર યુધ્ધની સ્થિતિ વચ્ચે વિશ્વબજારમાં સોના તથા ચાંદીમાં તેજી માટે બજારને રોજેરોજ નવા કારણો મળતા રહ્યા છે.
વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે પણ આયાત પડતરો આસમાને પહોંચતા અને હાજર માલની અછત રહેતાં તથા ભાવો હજી વધુ ઉંચા જવાની આશાએ હાલ ઉંચા ભાવોએ પણ રોકાણકારોની ચાલુ રહેલી ખરીદી વચ્ચે ઝવેરીબજારોમાં તેજીનો ચરુ ઉકળતો રહ્યો હોવાનું તજજ્ઞાોએ જણાવ્યું હતું. ચાંદી માટે હવે ટૂંકા ગાળામાં રૃ.૮૦થી ૮૫ હજારની તથા લાંબા ગાળે દિવાળી આસપાસ રૃ.એક લાખના ભાવોની આગાહી બજારમાં થવા માંડી છે.
સોના માટે રૃ.૨૪થી ૨૫ હજારની ભાવોની આગાહી શરુ થઈ છે. ચાર્ટના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાંદીમાં હવે રૃ.૭૩૧૬૦ની સપાટી પાર થશે તો રૃ.૭૪૫૧૦ સુધીના ભાવો દેખાવાની શક્યતા છે.