
અમેરિકી પ્રમુખે બોલિવુડની અભિનેત્રીને ચા પીવા આમંત્રણ આપ્યું ઃ ફિલ્મ 'પોલિટિક્સ ઓફ લવ' પર ચર્ચા કરી
(પીટીઆઈ) મુંબઈ, તા. ૨૩
બોલીવૂડની અભિનેત્રી મલ્લિકા શેરાવતે હિન્દી ફિલ્મોમાં આઈટમગર્લ તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કર્યા બાદ હોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું અને અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને મળવાનું તેણે સ્વપ્ન સેવ્યું હતું. જોકે અંતે મલ્લિકાનું આ સ્વપ્ન સાકાર થયું છે અને ઓબામાની મુલાકાત લેવાની તેને તક સાંપડી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોલીવૂડની આ 'બોમ્બશેલ' અભિનેત્રીને ઓબામાની હોલીવૂડ મુલાકાત દરમિયાન તેમની સાથે ચા પીવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમેરિકી પ્રમુખ તેમના અભિયાનના ભાગરૃપે થોડો સમય હોલીવૂડની મુલાકાતે આવ્યા હતા.
અમેરિકી રાજકારણના ટોચના નેતા સાથેની મુલાકાત દરમિયાન મલ્લિકાએ તેની આગામી ફિલ્મ અંગે વાત કરી હતી. આ ફિલ્મના સંદર્ભે ઓબામાએ કહ્યું હતું કે 'આ ફિલ્મના પ્રિમિયરમાં મને બોલાવવાનું ભુલતા નહીં.' શેરાવતે તેના લોસ એન્જલસ ખાતેના રોકાણ અંગે પણ વિગતો આપી હતી. મલ્લિકાની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ઓબામાને મળ્યા બાદ મલ્લિકાની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. ઓબામા પ્રમુખ બન્યા ત્યારથી શેરાવત તેમને મળવા માગતી હતી અને હવે તેનું આ સ્વપ્ન સાકાર થતાં તેને ઘણો આનંદ થયો છે.
ઉલ્લેખનીય છે કે મલ્લિકાએ તેની આગામી ફિલ્મ પર કામ કરવાનું શરૃ કર્યું ત્યારથી તેને ઓબામા અને અમેરિકી રાજકારણ અંગે ઘણું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મલ્લિકા અમેરિકી પ્રમુખની બહુ મોટી 'ચાહક' બની ગઈ છે.