| અમદાવાદ, શનિવાર
ગુજરાતભરમાં આજે ઉનાળાની મોસમની કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. દિવસભર આભમાંથી અગન જ્વાળાઓ વરસી હતી અને રાત પડવા છતાં પણ ગરમાગરમ હવા વહેતી રહી હતી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગરમીનો આંક સૂચવતો તાપમાનનો પારો ૪૨ થી ૪૩ ડિગ્રી સે.ગ્રે. રહ્યો હતો. એપ્રિલ માસના ત્રીજા સપ્તાહ દરમ્યાન ગરમીનું પ્રમાણ હોય તેના કરતાં ૨ થી ૩ ડિગ્રી જેટલું વધુ રહ્યું હતું. હવામાનખાતાએ આગાહી કરી છે હજુ આગામી બે દિવસમાં ગરમીનું પ્રમાણ વધશે.
ઇડર, ડીસા અને ભૂજમાં ૪૩ ડિગ્રી ગરમીઃ અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન ૪૨ ડિગ્રીથી વધુ
કચ્છમાં આજે ગરમીનું મોજું ફરી વળ્યું હતું અને આગામી બે દિવસ સુધી આ મોજું ચાલું રહેશે. કચ્છમાં ભૂજ ખાતે તાપમાનનો પારો ૪૨.૮ ડિગ્રી સે.ગ્રે. પર પહોંચ્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાતમાં ઇડર ખાતે ૪૩ ડિગ્રી સે.ગ્રે. ગરમી નોંધાઇ હતી. ડીસામાં પણ ૪૨.૭ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.
અમદાવાદ શહેરમાં આજે સવારથી જ બળબળતા તાપનો અનુભવ થયો હતો. દિવસ ચઢતાની સાથે જ તાપમાનનો પારો ઊંચો ચઢતો ગયો હતો અને આભમાંથી અગનજ્વાળાઓ વરસી રહી હોવાનો શહેરીજનોએ અનુભવ કર્યો હતો. દિવસભર દાહ દેતી ગરમી પડી હતી અને બપોરના સમયે રસ્તાઓ પરનો ટ્રાફિક વ્યવહાર તદ્દન ઘટી ગયો હતો. શનિવારના કારણે કોર્ટ કચેરીઓ બંધ રહી હતી અને લોકોએ અનિવાર્ય સંજોગો સિવાય ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી મંદ ગતિએ ગરમ પવન વહેતો રહ્યો હતો. અમદાવાદમાં આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૪૨.૩ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય રીતે હોવું જોઇએ તેના કરતાં ૨ ડિગ્રી વધુ હતું. જો કે શુક્રવારે રાત્રિ દરમ્યાન લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય રીતે હોવું જોઇએ તેના કરતાં ૨ ડિગ્રી ઓછુ હતું. અર્થાત ગઇ રાતના તાપમાન અને આજ દિવસના સામાન્ય તાપમાન વચ્ચે ચાર ડિગ્રીનો તફાવત રહેતા રાતે ઠંડક અને દિવસના અસહ્ય તાપનો અનુભવ થયો હતો. ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૨૨ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૮ ટકા નોંધાયો હતો.
હવામાનખાતાની સ્થાનિક આગાહી જણાવે છે કે આવતીકાલે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને ગરમીનું પ્રમાણ વધશે અને ૪૩ ડિગ્રી જેટલું રહેશે. રાજ્યના વિવિધ શહેરોમાં ગરમીનું પ્રમાણ નીચે મુજબ ડિગ્રી સે.ગ્રે. રહ્યું હતું.
ઇડર ૪૩, ભૂજ ૪૨.૮, ડીસા ૪૨.૭, અમદાવાદ ૪૨.૩, રાજકોટ ૪૨.૩, અમરેલી ૪૨.૨, સુરેન્દ્રનગર ૪૨.૧, વલ્લભવિધાનગર ૪૧.૬, વડોદરા ૪૧.૪, ગાંધીનગર ૪૦.૮ અને ભાવનગર ૩૯.૭. |