તમને કદી તિરુપતિ બાલાજી જવાની તક મળી છે ? જવાબ હકારમાં હોય તો કેટલા કલાક લાઇનમાં ઊભા રહ્યા પછી તમને ઇષ્ટદેવનાં દર્શન થયાં ? શિરડીના સાંઇબાબાનો ચરણસ્પર્શ કરવાનો મોકો કદી મળ્યો છે ? અથવા કોઇ અંગારકીએ મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરમાં હજારોની લાઇન હોવા છતાં તમને તરત દર્શનનો લહાવો મળ્યો છે ?
સોમનાથ મહાદેવના મંદિરમાં તમને તમારી અનુકૂળતાએ રુદ્રિપૂજા કરવાની સુવર્ણસંધિ મળી છે ખરી ? અજમેરના ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર માથું ટેકવવા ગયા હો ત્યારે આઉટ ઑફ ટર્ન કદી તમને ઇબાદત કરવા મળી છે ? આ તમામ પ્રશ્નોના જવાબ સો ટકા નકારમાં હોવાના.
ઔર એક પ્રશ્ન. તમને ઇષ્ટદેવના મંદિરમાં કદી ગર્ભગૃહની તસવીર લેવા મળી છે ? વિડિયોગ્રાફી કરવા મળી છે ? ધારો કે તમે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છો અને શ્રીનાથદ્વારા ગયા છો. મંદિરના પ્રાંગણમાં તમે કદી મોબાઇલ ફોન-કેમેરા વડે તસવીર લેવાનો પ્રયત્ન કર્યો છે ? ગુજરાતના ગાંધીનગરમાં આવેલા જગપ્રસિદ્ધ અક્ષરધામમાં કદી કેમેરા લઇને અંદર જઇ શક્યા છો ? આ સવાલના જવાબ પણ નકારમાં જ આપશો એની ગૅરંટી.
લગભગ દરેક જાણીતા તીર્થધામની બહાર મોટ્ટા અક્ષરે લખેલું હોય છે- ફોટોગ્રાફી એન્ડ વિડિયોગ્રાફી ઇઝ સ્ટ્રીક્ટલી પ્રોહિબિટેડ...( તસવીરો કે વિડિયો લેવાની સખત મનાઇ છે). બહુ સરસ. આવા નિયમ જે તે ધર્મસ્થળની પવિત્રતા જાળવી રાખે છે. પરંતુ એ પવિત્રતા કેટલી પોકળ છે એનો કદી તમે વિચાર કર્યો છે ? બે ચાર દાખલા લઇએ.
મુંબઇના જૂહૂ વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા બંગલોથી મધરાતે નીકળીને અમિતાભ બચ્ચન પદયાત્રા કરીને સિદ્ધિવિનાયક મંદિરે પહોંચે છે.
મંદિરના વ્યવસ્થાપકોને અગાઉથી જાણ કરવામાં આવી છે કે બીગ બી તમારે ત્યાં દર્શન કરવા માટે આવે છે. એટલે મંદિરના વ્યવસ્થાપકોએ ડઝનબંધ ટીવી ચેનલના રિપોર્ટરોને તેડાવી રાખ્યા છે.
જેવા અમિતાભ મંદિરે પહોંચે છે કે તરત આ ટીવી ચેનલના કેમેરામેન રીતસર ધસારો કરીને અમિતાભની સાથોસાથ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી જાય છે અને શ્રીજી ગણપતિ કેમેરામાં ઝીલાઇ જાય એ રીતેે અમિતાભની વિડિયોગ્રાફી કરે છે.
આવું માત્ર એકાદ સ્થળે અપવાદ રુપે થયું છે એવું નથી. અમિતાભ તિરુપતિ બાલાજી ગયા ત્યારે પણ તિરુપતિ બાલાજીના વ્યવસ્થાપકોએ કેડેથી કુર્નિશ બજાવીને ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પરના પ્રતિબંધના નિયમની ઐસી તૈસી કરી હતી.
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી. તરત કેટલાક ખેલાડીઓ સિદ્ધિવિનાયક મંદિરે તો કેટલાક શિરડીના સાંઇબાબાના ચરણમાં પહોંચી ગયા. આમ આદમી સેંકડો માઇલ દૂરથી ટ્રેનમાં કે એસટી બસમાં હડદોલા ખાતો આવ્યો હોય પરંતુ એને કદી બાબાના ચરણનો સ્પર્શ કરવા મળતો નથી.
શ્રીનાથદ્વારામાં ઝાપટિયા છે એમ મોટાભાગના મંદિરોમાં કહેવાતા સ્વયંસેવકો ભક્તોને હડસેલતા હોય છે. આગે ચલો આગે ચલો...ની રાડો પાડતા આ સેવકો આમ આદમીને એક મિનિટ-રિપિટ, પૂરી એક મિનિટ પણ બાબા પાસે ઊભા રહેવા દેતા નથી.
બીજી બાજુ આ કહેવાતા સેલિબ્રિટિઝ પોતાને સંતોષ થાય એ રીતે પૂજાપાઠ કરે છે અને એ પૂજાપાઠ કર્યાની ટીવી પબ્લિસિટી પણ કરે છે. શું આ બધા દેવદેવીઓ આમ આદમીના નથી ? આ દેવદેવીઓ ફક્ત સેલિબ્રિટીઝનાં જ છે ? તો પછી ધર્મસ્થળોની બહાર ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી પર પ્રતિબંધ હોવાનાં પાટિયાં મારવાનો અર્થ શો છે ?
હરભજન સંિહ ( હા ભાઇ હા, ભજ્જી) કોઇ ગુરુદ્વારામાં અરદાસ કરવા માટે જાય એ એની અંગત વાત છે. પરંતુ એ અરદાસ (પ્રાર્થના) કરવા ગયો એ સાથે ટીવી ચેનલો અને પ્રેસ ફોટોગ્રાફરો હાજર અને બીજા દિવસે બધાં અખબારોમાં એની તસવીરનું પ્રકાશન.
આ કઇ જાતની સેક્યુલરિટી છે, વારુ ? પાકિસ્તાનના પરવેઝ મુશર્રફ કે નવાઝ શરીફ યા મર્હુમ બેનઝીર ભુટ્ટો અજમેર શરીફ પધાર્યાં એની વિડિયોગ્રાફીએ ઇસ્લામી આલમ સુદ્ધાંમાં ચકચાર જગાડી હતી. કોઇ સૂફી સંતની દરગાહ પર જનાર રાજકારણી કદી સ્વાર્થ વિના ત્યાં જતો નથી, પછી એ રાજકારણી ભારતીય હોય કે પાકિસ્તાની હોય.
પરંતુ એવા સમયે બધા નીતિ-નિયમો નેવે ચડાવી દેવામાં આવે છે. આવું શા માટે એવો પ્રશ્ન કોઇ ભક્ત કદી પૂછતો નથી. તાજેતરમાં અણ્ણા હજારેએ લોકપાલ ખરડા માટે પાટનગર દિલ્હીમાં આમરણ ઉપવાસ આદર્યા હતા. એવું કોઇ આંદોલન આ તીર્થક્ષેત્રો માટે પણ કરવું જોઇએ.
તીર્થક્ષેત્રમાં રાય-રંક બધાં સરખા. ત્યાં વળી ‘વીઆઇપી’ કેવા ? સાહેબ કે દરબાર મેં ક્યા રાજા ક્યા રંક એવું સંતોએ કહ્યું છે. પરંતુ આપણે ત્યાં એેક તરફ સેક્યુલર સ્ટેટનાં બણગાં ફૂંકવામાં આવે છે અને બીજી બાજુ ખુદ નેતા, અભિનેતા, ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ તીર્થક્ષેત્રમાં પણ પોતે આમ આદમી કરતાં જુદાં છે એ ભૂલી શકતા નથી. વાસ્તવમાં આ વરવા પ્રકારનો ભેદભાવ છે અને એમાંય વાર-તહેવારે કે ઉત્સવ પ્રસંગે આવી ખુશામતખોરી હદ વટાવી જાય છે. આવી વરવી ચમચાગીરીનો કદી અંત આવશે ખરો કે ?