
અત્યારે જે પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ ચાલે છે એમાં મહત્ત્વના ત્રણ રાજ્યો છે... તમિળનાડુ, કેરળ અને બંગાળ. એમાં મહત્ત્વની વાત એ છે કે આપણા દેશના જે બે મહત્ત્વના પક્ષો... રાષ્ટ્રીય પક્ષો છે એ કોંગ્રેસ કે ભાજપ બેમાંથી એક પણ પક્ષ ત્યાં સત્તામાં નથી. બાકીના જે બે રાજ્યો છે એમાં આસામ અને પોંડુચેરી છે. જ્યાં બન્નેમાં કોંગ્રેસ અત્યારે સત્તામાં છે.
એટલે ભાજપને આ ચૂંટણીઓમાં ગુમાવવાનું ક્યાંય કશું જ નથી. મળે તો, મેળવવાનું જ છે.
બાકી પેલા જે મહત્ત્વના ત્રણ રાજ્યો છે એની ઉપર આખા દેશની અને પરદેશની નજર છે.
એમાંથી બંગાળની વાત કરીએ તો... બંગાળમાં ૧૯૭૭ થી ડાબેરીઓ સત્તામાં છે. ત્યાં વિધાનસભાની ૨૯૪ સીટ છે. છેલ્લી એટલે ૨૦૦૬ની ચૂંટણીમાં ડાબેરી મોરચાના મુખ્ય ઘટક પક્ષ સીપીએમ પક્ષે ૨૧૨ સીટો ઉપર ઉમેદવારો ઉભા રાખેલા અને એમાંથી ૧૭૬ સીટ ઉપર વિજય મેળવેલા.
ડાબેરી મોરચાનો બીજો ઘટક પક્ષ ફોરવર્ડ બ્લોક છે. એણે ૩૪ ઊભા રાખેલા અને ૨૩ જીતેલા.
ત્રીજો ઘટક પક્ષ ક્રાંતિકારી સોશ્યાલીસ્ટ પાર્ટી છે જેણે ૨૩ ઉભા રાખેલા જેમાંથી ૨૦ જીતેલા.
જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટીના ૧૩ ઉમેદવારમાંથી ૮ વિજયી થયેલા.
ત્યારે વિરોધપક્ષમાં તૃણમૂલ કોંગ્રેસે ભાજપ અને જેકેપીએલ સાથે મોરચો રચેલો. તૃણમૂલ કોંગ્રેસે (મમતા બેનરજી) ૨૫૭ ઉમેદવાર ઉભા રાખેલા જેમાંથી એ ફક્ત ૩૦ જ સીટ જીતેલો.
જેકેપીએનના ૪ જ ઉમેદવાર હતા જેમાંથી ૧ જ જીતેલો.
જ્યારે ભાજપે ૨૯ ઉમેદવારો ઊભા રાખેલા અને એની દશા જૂઓ! બધા જ ઉમેદવાર હારેલા એટલું જ નહીં પણ બધાની ડીપોઝીટ ગયેલી. (ભાજપની દશા જુઓ! એના સ્થાપક શ્યામાપ્રસાદ મુકરજી બંગાળના, એમનું અવસાન શ્રીનગર જેલમાં થયેલું પણ ત્યારે એમના માનમાં આખું બંગાળ બંધ રહેલું. એ જ બંગાળમાં ભાજપનું નામનિશાન નથી! નાગપુરમાં પણ એવું જ છે.
નાગપુરમાં આરએસએસ ૮૫ વર્ષથી કામ કરે છે, ...નાગપુરનો એકેએક નિવાસી સંઘનો સ્વયંસેવક રહી ચુક્યો હશે છતાં એ જ નાગપુરમાં ભાજપ પોતાની મ્યુનિસિપાલિટી પણ કદી નથી કરી શક્યો! એ જ રીતે આજ દિન સુધી નાગપુરમાંથી ભાજપ પોતાના એક પણ ઉમેદવારને જીતાડી શક્યો નથી! જે એક જીતેલો એ કોંગ્રેસ છોડીને ભાજપમાંથી લડેલો... બાકી ભાજપનું કોઈ જીતી શક્યું નથી! એમના નેતા જુઓને! આડવાણીનું દેશમાં ક્યાંય સ્થાન નથી એટલે ગાંધીનગર ગુજરાતમાંથી એમને ચૂંટાવું પડે છે.
છતાં ગુજરાત માટે હજી સુધી એમણે એક કામ કર્યું નથી! બીજા નેતા અરૂણ જેટલીનું પણ એવું જ છે. એને પણ ગુજરાતે જ આશરો આપ્યો છે. ગુજરાત અને મઘ્યપ્રદેશમાં ભાજપ કોંગ્રેસની નબળાઈના કારણે સત્તા પર છે. જાણે ભાજપને સત્તા પર રાખવામાં કોંગ્રેસને રસ હોય એમ કોંગ્રેસનું મોવડીમંડળ કરે છે.)
એ બંગાળમાં ગયા વખતે કોંગ્રેસે ૨૬૨ સીટ ઉપર ઉમેદવાર ઊભા રાખેલા જેમાંથી ફક્ત ૨૧ જ જીતેલા.
જીએનએલએફ નામના પક્ષે ૫ ઉમેદવાર ઉભા રાખેલા જેમાંથી ૩ જીતેલા.
આ વખતે તૃણમૂલકોંગ્રેસે કોંગ્રેસ સાથે ચૂંટણી સમજુતિ કરી છે. ભાજપ એકલા હાથે ચૂંટણી લડી રહ્યો છે. લોકસભાની ચૂંટણી ગયા વર્ષે થઈ એમાં કોંગ્રેસ અને તૃણમૂલે ભેગા ૪૨ સીટો પર ચૂંટણી લડેલી જેમાંથી ૨૫ સીટ મળેલી.
બંગાળમાં મુસ્લિમ મતદારો ૨૭ ટકા છે જે એક જમાનામાં કોંગ્રેસને ભવ્ય વિજય અપાવતા હતા.
એ જ મુસ્લિમો પછી ડાબેરીઓને જીતાડવા લાગેલા. પરંતુ નંદીગ્રામ અને રિઝવાનમાં જે હત્યાકાંડ થયા એના કારણે આ વખતે મુસ્લિમો ડાબેરીઓથી દૂર થઈ ગયા છે.
ડાબેરીઓએ એ મુસ્લિમ મતો માટે તુષ્ટિકરણની નીતિ અપનાવી છે. ડાબેરી મોરચાએ જાહેરાત કરી છે કે... મુસલમાનોને ૧૦ ટકા અનામત, સરકારી નોકરીઓમાં મુસલમાનોને વઘુ જગ્યા, અને શિક્ષણના ક્ષેત્રમાં મુસલમાનોને નોકરીમાં પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત મદરસા આલિયાને યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે.
જનતામાં પોતાની છબી સુધારવા ડાબેરીઓએ ચૂંટણીના જૂના ધારાસભ્યોમાંથી ૭૩ને આ વખતે ટિકિટ નથી આપી.
અત્યાર સુધી ધારાસભામાં ડાબેરીઓને ૫૧ ટકા અને વિરોધી પક્ષોને ૪૯ ટકા મત મળતા આવ્યા છે. વિરોધપક્ષોની આપસની લડાઈના કારણે ડાબેરીઓ લાભ લેતા રહેલા. પરંતુ આ વખતે સ્થિતિ બદલાય છે.
ડાબેરીઓ પાસે આ વખતે હરકિસનસંિહ સુરજીત કે જ્યોતિ બસુ કે સોમનાથ ચેટરજી જેવા લોકપ્રિય નેતા નથી. પહેલાના બંને અવસાન પામ્યા છે અને સોમનાથ ચેટરજી જેવા વયોવૃઘ્ધ અને આજીવન ડાબેરી રહેલા નેતાને ડાબેરી પક્ષો ઉપર વર્ચસ્વ ભોગવી રહેલા પરંતુ ડાબેરીઓને ડૂબાડવા બેઠેલા પ્રકાશ કારાત નામના વડાએ એમને પક્ષમાંથી કાઢી મૂકેલા.
સામે મમતા બેનરજીએ જે રીતે કાઠું કાઢ્યું છે એથી ડાબેરીઓ ગભરાઈ ગયા છે. એટલે એમણે સામ્યવાદના બધા સિઘ્ધાંતો છાપરે ચઢાવીને મુસ્લિમ મતો મેળવવા બિનસાંપ્રદાયિકતાવાદને પણ ફેંકીને કોમવાદ અપનાવ્યો છે. એમના એક નેતા સીતારામ યેચુરીએ સરહાનપુરની મુસ્લિમ સંસ્થા મદરસા અલૂમની મુલાકાત લીધી. ડાબેરીઓનું માનવું છે કે જો મુસ્લિમોના ધાર્મિક નેતા ડાબેરીઓ તરફી પ્રચાર કરે તો લાભ મળે.
બીજી બાજુ મમતા બેનરજીના પક્ષને મુસલમાનોના મત અત્યાર સુધી એટલા માટે નહોતા મળતા કે એ ભાજપ સાથે જોડાયેલો પક્ષ હતો. આ વખતે મમતાએ ભાજપના બદલે કોંગ્રેસનો સાથ લીધો છે. રેલવેમાં પણ એમણે નોકરીઓમાં મુસલમાનો માટે દરવાજા ખોલી નાંખ્યા છે. ઊર્દૂ અખબારોમાં પણ એ છૂટ્ટા હાથે જાહેર ખબરો આપવા લાગ્યા છે.
આખા દેશમાં બીજી ડાબેરી સરકાર અત્યારે કેરળમાં છે. ૨૦૦૬માં કેરળની વિધાનસભાની ૧૪૦ બેઠકોમાંથી ડાબેરી મોરચાએ ૯૦ સીટ મેળવેલી. જ્યારે કોંગ્રેસે યુનાઈટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ બનાવેલો એણે ૪૦ સીટો ઉપર જ વિજય મેળવેલો. એ સિવાય બિનપક્ષીય ઉમેદવારો ૧૦ ચૂંટાયેલા.
કેરળના માર્કસવાદી મુખ્યપ્રધાન વી.એસ. અચ્યુતાનંદન અને માર્કસવાદી પક્ષના રાષ્ટ્રીય વડા પેલા દેશપ્રેમ કરતાં ચીનપ્રેમને વઘુ મહત્ત્વ આપનારા પ્રકાશ કારાત અને એમના ચમચા માર્ક્સવાદી પક્ષના કેરળના મહામંત્રી પી. વિજયન વચ્ચે મતભેદો ચાલે છે. એ પ્રકાશ કારાતે જેમ કેન્દ્રમાં ડાબેરીઓનું વહાણું ડૂબાડ્યું (છતાં એના માટે પક્ષમાં કોઈ ખરાબ બોલતું નથી એવી ત્યાં શિસ્તના બહાના નીચે સરમુખત્યારશાહી ચાલે છે. આર.એસ.એસ.માં પણ એવી સરમુખત્યારશાહી ચાલે છે. એનો કોઈપણ વડો કે નેતા સંગઠનને ડૂબાડતો હોય તોપણ એનો વિરોધ કોઈ કરી શકતું નથી અને વિરોધ કરનારને ફેંકી દીધાના હજારો કિસ્સા છે. ‘હા જી હા’ કરનારા જ સંઘમાં ચાલે છે કે દોડે છે એવું જ સામ્યવાદીઓમાં છે. ભાજપમાં પણ ચમચાગીરી ચાલે છે.) એમ બંગાળમાં પણ તેઓ ડૂબાડવા બેઠા છે અને કેરળમાં પણ ડૂબાડશે.
પ્રકાશ કારાતે એટલે માર્કસવાદી પક્ષે અચ્યુતાનંદનને ચૂંટણી લડવા ટિકિટ નહીં આપવાનો નિર્ણય કરેલો. (અચ્યુતાનંદન પ્રકાશ કારાતની ચમચાગીરી કરનારા નથી.) પણ પછી અચ્યુતાનંદનની લોકપ્રિયતા જોઈને એમને ટિકિટ આપવી પડી.
છતાં કેરળમાં ડાબેરીઓ માટે આ ચૂંટણીમાં અંધકાર છે એવું લાગતા બંગાળની જેમ કેરળમાં પણ ડાબેરીઓએ મુસ્લિમ તુષ્ટિકરણનું પત્તું રમવાનું નક્કી કરેલું. ત્યાં અબુ હસન મદની નામના મુસ્લિમ નેતાનો પીપલ્સ ડેમોક્રેટીક ફ્રન્ટ નામનો પક્ષ છે. એની સાથે સમજુતિનો પ્રયાસ કરેલો પણ ફાવેલા નહીં. ૨૦૦૬માં મુસ્લિમ બહુમતિના પ્રદેશોમાં મદનીના પ્રભાવના કારણે માર્કસવાદી પાર્ટીને ૨૩ બેઠકો વઘુ મળી હતી.
કેરળમાં મુસ્લિમ લીગનું કોંગ્રેસ સાથે જોડાણ છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ કેરળમાં વઘુ ટકામાં છે એટલે કોંગ્રેસે પણ એ બન્ને કોમમાં પ્રવેશ કર્યો છે.
ભાજપને પણ આશા છે કે આ વખતે કેરળમાં એ ચોક્કસ ખાતુ ખોલશે.
પરંતુ બંગાળમાં જેમ ડાબેરીઓ માટે ૨૦૦૬ પછી સ્થિતિ બદલી છે એમ કેરળમાં પણ સ્થિતિ બદલાય છે. દા.ત. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં ૨૦માંથી ફક્ત ૪ જ સીટ પ્રકાશ કારાતના કારણે માર્કસવાદીઓને મળી હતી. જ્યારે કોંગ્રેસને ૧૩ મળી હતી.
એ પછી ૨૦૧૦માં સુધરાઈની અને બીજી ચૂંટણીઓમાં કોંગ્રેસના યુનાઈટેડ ડેમોક્રેટીક ફ્રન્ટને ચારેબાજુ વિજય મળ્યો હતો. એટલે કે કેરળની ૫૭ નગરપાલિકાઓમાંથી ૩૪ પર કબજો કરેલો.
જો કે કોંગ્રેસને બે મોટા ફટકા પડ્યા છે. કોંગ્રેસના માજી પ્રધાન બાલકૃષ્ણ પિલ્લેને ભ્રષ્ટાચારના આરોપસર સુપ્રિમ કોર્ટે એક વર્ષની સજા કરી છે. જ્યારે કોંગ્રેસના જોડીદાર પક્ષ મુસ્લિમ લીગના નેતા કૂનહાલી કુટ્ટી એક સેક્સ સ્કેન્ડલમાં ગુનેગાર ઠર્યા છે.
માર્કસવાદી પક્ષ ભાજપની જેમ કેન્દ્રની કોંગ્રેસ સરકારના એ. રાજા જેવા કૌભાંડોને બહુ ઉછાળે છે.
કેરળનો ભૂતકાળ એવો રહ્યો છે કે ત્યાંના મતદારો દર પાંચ વર્ષે જૂની સરકારને બદલતી આવી છે. એટલે એ હિસાબે આ વર્ષે સરકાર રચવાનો વારો કોંગ્રેસનો છે... એ હવે જોઈએ!
આસામમાં છેલ્લા એક દસકાથી સત્તા પર કોંગ્રેસના તરુણ ગોગોઈ છે. ૨૦૦૬માં આસામમાં મુસ્લિમ (કેરળ, બંગાળ, આસામ વગેરે રાજ્યોમાં મુસ્લિમ મતદારો બીજા રાજ્યોની સરખામણીમાં વઘુ છે) મતદારોની નારાજગીના કારણે એની સીટો ૭૩થી ઘટીને ૫૪ થઈ ગયેલી. એટલે કોંગ્રેસને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ સાથે ચૂંટણી જોડાણ કરીને સત્તામાં આવવાનો જુગાર કરવો પડેલો.
એ સિવાય અસમ ગણ પરિષદ (જે બે વખત સત્તામાં આવેલો) ને ૨૪, ભાજપને ૧૦, અસમ યુનાઇટેડ ડેમોક્રેટીડ ફ્રન્ટને ૧૦ અને બીજાને ૨૬ સીટો મળેલી.
આ વખતે અસમ ગણપરિષદના બન્ને જૂથ એક થઈ ગયા છે અને અંદર ખાનેથી એ ભાજપ સાથે જોડાયેલા છે.
આના કારણે આ વખતે કોઈપણ એક પક્ષ કે જૂથની સ્પષ્ટ બહુમતી થાય તેવું નથી એટલે આ વખતે ખિચડી સરકાર થવાની શક્યતા આસામમાં છે.
આસામમાં મુસ્લિમ મતદારો ૪૦ ટકા છે એટલે કોંગ્રેસે મુસ્લિમોમાં ભાગલા પાડીને ચૂંટણી જીતવાનો ખેલ કર્યો છે. છતાં આસામમાં એ મતદારો ઇચ્છશે તેઓ જ સત્તામાં આવી શકશે.
પોંડુચેરીમાં અત્યાર સુધી કોંગ્રેસ સરકાર જ રહી છે. અત્યારના મુખ્યપ્રધાન બેથિલંિગમ છે. તેઓ આ પહેલાં ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી પણ મુખ્યપ્રધાન રહ્યા છે. એમના વિષે કહેવાય છે કે એ જોડતોડની કારીગરીમાં કાબેલ છે.
જોકે આ વખતે ભાવવધારો અને સ્પેક્ટ્રમ કૌભાંડના મુદ્દા બધે કોંગ્રેસને નડવાના છે એમ પોંડુચેરીમાં પણ નડવાના છે. વળી આ નાનકડા અને ૩૦ જ સભ્યોની વિધાનસભાવાળા રાજ્યમાં કોંગ્રેસની અંદરના મતભેદ ઘણા બહાર આવી રહ્યા છે... એ પણ કોંગ્રેસને નડે તેમ છે.
કોંગ્રેસના અગાઉ મુખ્યપ્રધાન રહ્યા છે એ એન. રંગાસ્વામીએ બળવો કર્યો છે એટલે એની સાથે તમિળનાડુના જયલલિતા સમજુતી સાધીને સત્તા પર આવવાનો પ્રયત્ન કરે છે. એ પ્રયાસ જો સફળ રહ્યો તો પોંડુચેરીમાંથી કોંગ્રેસના હાથમાંથી સત્તા ચાલી જવાની શક્યતા વઘુ છે.
- ગુણવંત છો. શાહ
|