તાજેતરમાં પહેલાં ધરતીક

ંપ અને પછી સુનામીના કારણે જાપાનના ફુકુશિમા ખાતે સર્જાયેલી ન્યુક્લિયર કટોકટીને કારણે એક તબક્કે ભારતમાં પણ ગભરાટનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. જોકે ભારતમાં પણ અનેક જગ્યાએ ન્યુક્લિયર પ્લાન્ટ હોવાના કારણે જો ભારતમાં આવું થશે તો શું થશે એની શહેરી વિસ્તારમાં જોરશોરથી ચર્ચા થઈ અને ભારત સરકારે ભારતના ન્યુક્લિયર પ્લાન્ટ સલામત છે એવી ખાતરી આપવી પડી, પણ આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હકીકતમાં જે વિસ્તારોમાં છે એ ગ્રામ્ય વિસ્તારોને તો એ વાતનો અહેસાસ સુદ્ધાં નથી કે તેમની ઉપર ખતરો ઝળુંબી રહ્યો છે. જો ભારતમાં ન્યુક્લિયર ખતરો ઉભો થાય તો તેમના જીવ જોખમમાં મુકાઈ જશે એવો વિચાર પણ આ ગ્રામ્યવાસીઓના મગજમાં નથી.
ભારતમાં તારાપોર ખાતે આવેલો ન્યુક્લિયર પ્લાન્ટ અહીંનો સૌથી જુનો પ્લાન્ટ છે. આ પાવર પ્લાન્ટનું નિર્માણ તો ફુુુકુશીમાના પાવર પ્લાન્ટની પહેલા કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ૧૫ કિલોમીટર આસપાસના વિસ્તારને ઇમરજન્સી એરિયા ગણવામાં આવે છે, પણ તારાપોર ખાતે આ વિસ્તારમાં પણ અનેક લોકો રહે છે અને તેમને એ અહેસાસ પણ નથી કે જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં કોઈ અકસ્માત થયો તો ગણતરીની સેકંડોમાં તેમના જીવનનો અંત આવી શકે છે. તેમને એ વાતનો પણ અહેસાસ નથી કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી નીકળતા વિકીરણો તેમના અન્ન અને પાણીમાં પ્રવેશીને કેન્સર ઉત્પન્ન કરાી શકે છે અને જનીનિક વિકૃતી પ્રેરી શકે છે. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે મોટાભાગના લોકોને એ વાતની પણ ખબર નથી કે જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી વિકીરણો ઉત્સર્જિત થાય તો પ્રાથમિક પગલાં શું લેવા જોઈએ. ખરેખર તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આસપાસ રહેતા લોકોને એ વાતની ખબર હોવી જોઈએ કે પ્લાન્ટમાંથી લીકેજ થાય તો સૌૈથી પહેલાં કામ ઘરમાં જઈને દરવાજાં અને બારી મુશ્કેટાટ બંધ કરી દેવાનું કરવું જોઈએ તથા ચહેરાને પછી ભીના કપડાંથી ઢાંકી દેવો જોઈએ. જો આ પ્રાથમિક પગલાં સમયસર લઈ લેવામાં આવે તો જાનહાનીને મોટાપાયે અટકાવી શકાય છે.
આ અજ્ઞાાનતાનો પાંગળો બચાવ કરતા તારાપોરાના સાઇડ ડિરેક્ટર કહે છે કે ''અમે લોકોને કટોકટીની ક્ષણોમાં શું કરવું એની આગોતરી જાણકારી ચોક્કસ આપી શકીએ છીએ, પણ અમને ખબર છે કે અમે જો આવો કોઈ પ્રયાસ કરીશું તો લોકોમાં જાગૃતિ આવવાને બદલે ભયનું પ્રમાણ વધશે. જ્યારે તાકીદના પગલાં લેવા પડે એવી કોઈ પરિસ્થિતિ ઉભી થશે ત્યારે અમે તરત જ અમારી ટીમને મોકલીને જરૃરી પગલાં લઈશું. આ મુદ્દે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આસપાસ રહેતા લોકોએ કોઈ ચિંતા કરવાની જરૃર નથી.''
ન્યુક્લિયર પાવર પ્લાન્ટના આ જોખમન ધ્યાનમાં રાખીને ત્રણ વર્ષ પહેલાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ની રચના કરવામાં આવી હતી. એનડીએેમએ દ્વારા જ ન્યુક્લિયર અને કેમિકલ દુર્ઘટનાઓ વખતે લેેવાતા પગલાંઓની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આ સંસ્થાના એક સભ્ય આ સમગ્ર વિવાદ વિશે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહે છે કે ''ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં દુર્ઘટના થાય ત્યારે શું કરવું જોઈએ એની જાણકારી એની આસપાસમાં રહેતા લોકોને ત્યારે જ આપવી જોઈએ જ્યારે એની જરૃર હોય. કારણ વગર આ માહિતી આપવાથી ગભરાટનું વાતાવરણ જ ઉભંુ થાય છે.''
એનડીએમએનો આ અભિગમ ભારે આઘાતજનક છે કારણ કે એણે જ પોતાની માર્ગદર્શિકામાં લોકોને આગોતરી માહિતી આપવાની ભલામણ કરી છે જેથી કટોકટીના સંજોગોમાં કોઈ સમસ્યા ઉભી ન થાય. ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આસપાસના લોકોની જાગૃતિના મુદ્દે વાત કરતા ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ (એનપીસીઆઇએલ)ના ટેકનીકલ ડિરેક્ટર કહે છે કે ''હકીકતમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આસપાસના વિસ્તારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી એ વિસ્તારના કલેક્ટરની છે અને તેણે જ લોકોમાં જાગૃતિ લાવવામાં માટે ઓછામાં ઓછું બે વર્ષમાં એક વખત ડ્રીલનું આયોજન કરવું જોઈએ.''
એનપીસીઆઇએલના ટેકનીકલ ડિરેક્ટરનું માનવું છે કે દર બે વર્ષે એક વખત તો આ પ્રકારની ડ્રીલનું આયોજન થવું જ જોઈએ, પણ તારાપોર ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આસપાસના રહીશોને દાયકાઓથી આવી કોઈ પ્રવૃત્તિ થઈ હોય એની યાદ નથી આવતી. આ વિશે વાત કરતા વિસ્તારના વડીલ વિનોદ પાટિલ કહે છે કે ''છેલ્લે ૧૯૮૬માં આ પ્રકારની પ્રવૃત્તિનું આયોજન થયું હતું. હકીકતમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં નાનકડો અકસ્માત થયો હતો અને ગ્રામ્યવાસીઓને લાગ્યું કે ભોપાલ જેવી દુર્ઘટના થઈ છે. આ બીકને કારણે તેઓ ગામ છોડીને ભાગવા લાગ્યા હતા. લોકો ટિકીટ વગર ટ્રેનમાં ચડી ગયા હતા અને ગભરાટમાં પોતાના જાનવરોને મારી નાખ્યા હતા. લોકોમાં રહેલી આ ડરની લાગણીને દુર કરવા માટે સરકાર દ્વારા ખાસ વર્કશોપ અને ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.''
લગભગ એક દાયકા પહેલાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ભુજમાં આવેલા ભુકંપ પછી સરકારને લાગ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે ખાસ નીતિની જરૃર છે અને આ માટે એનડીએમએની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના વડાની જવાબદારી વડાપ્રધાન નિભાવે છે અને આ સંસ્થાઓના નિષ્ણાંતોની ટીમ કુદરતી અને માનવસર્જિત એમ દરેક પ્રકારની દુર્ઘટના સામે લડવાની નીતિ ઘડી નાખે છે. આ સંસ્થા દ્વારા મહત્ત્વના ન્યુક્લિયર પાવર પ્લાન્ટની નજીક પેરામિલીટરી ફોર્સની દસ બટાલિયન ધરાવતી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ રાખવામાં આવી છે. ઉદાહરણ તરીકે દિલ્હીને ગ્રેટર નોઇડા પાસે આવેલી આઇટીબીપી બટાલિયનથી આવરી લેવામાં આવી હતી. થોડા સમય પહેલાં દિલ્હીમાં કોબાલ્ટ લિકેજની ઘટના બની હતી ત્યારે આ બટાલિયને જ મામલો સંભાળ્યો હતો. આ મુદ્દે વાત કરતા આઇટીબીપીના એક અધિકારી કહે છે કે ''આઇટીબીપીના અધિકારીઓને પુરતી તાલીમ મળેલી છે. કેટલાક અધિકારીઓને તો જાપાન અને ઇઝરાયેલ જેવા દેશમાં તાલીમ માટે મોકલવામાં આવ્યા છે. આ સિવાય ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના નિષ્ણાંતોની ટીમ પણ અત્યંત કાર્યક્ષમ છે. જોકે સામાન્ય લોકોમાં આ વાતની જાગૃતિ નથી કેળવાઈ કારણ કે તેમને આ પ્રકારની ડ્રીલમાં કેળવણી માટે સ્થાન નથી આપવામાં આવ્યું. આ પ્રકારની બેદરકારી ક્યારેય બહુ ભારે પડી શકે છે.''
મુશ્કેલીના સમયમાં સામાન્ય જનતાએ કઈ રીતે વર્તન કરવું જોઈએ એ માટે જાપાનમાં સામાન્ય જનતાને જે તાલીમ આપવામાં આવે છે એ ઉદાહરણીય છે. જાપાનમાં છાશવારે ભુકંપ થાય છે અને આ કારણે ભુકંપ દરમિયાન લેવાના પ્રાથમિક પગલાંઓ વિશે સામાન્ય જનતાને માહિતી મળી રહે એ માટે તેમને નિયમિત રીતે થતી ડ્રીલમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આના કારણે જાપાનીઓને ગળથુથીમાં જ્ઞાાન મળે છે કે જો ભુકંપ થાય તો તેમણે શું કરવું જોઇએ. જો આ માહિતી સતત આપવામાં આવે તો જ કટોકટીના સમયે એને અનુસરવાનું માનસ કેળવાય છે. જોકે ભારત આમાંથી કોઈ પાઠ ભણવા નથી માંગતું. ફુકુશીમાની દુર્ઘટના પછી બધા ન્યુક્લિયર પાવર પ્લાન્ટને સિક્યોરિટી ચેક માટેની સુચના આપવામાં આવી હોવા છતાં ભારતમાં આ દિશામાં કોઈ સક્રિય પ્રયાસ કરવામાં નથી આવ્યા.
એનડીએમએ ભલે દલીલ કરતું હોય કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં દુર્ઘટના થાય ત્યારે શું કરવું જોઈએ એની જાણકારી એની આસપાસમાં રહેતા લોકોને ત્યારે જ આપવી જોઈએ જ્યારે એની જરૃર હોય કારણ કે કારણ વગર આ માહિતી આપવાથી ગભરાટનું વાતાવરણ જ ઉભંુ થાય છે, પણ હકીકતમાં એવું નથી. જો વ્યક્તિને કટોકટીમાં શું કરવું એની પુરતી માહિતી ન હોય તો જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે વધારે અંધાધુંધીની સ્થિતિ ઉભી થાય છે. તાજેતરમાં ભારતમાં સ્વાઇન ફ્લુનો ચેપ ફેલાયો હતો ત્યારે અજ્ઞાાનતાને કારણે લોકોમાં કેટલી બધી અંધાધુંધી ફેલાઇ ગઈ હતી એની યાદ હજી તાજી જ છે.
સામાન્ય રીતે જ્યારે કેમિકલ પ્લાન્ટમાં અકસ્માત થાય છે ત્યારે કેમિકલનું ગળતર થતું હોય તો વાસ દ્વારા એની માહિતી મળી શકે છે, પણ જ્યારે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી વિકીરણોનું ગળતર થાય છે ત્યારે કોઈ જ પ્રકારની વાસ ન આવતી હોવાના કારણે એની આગોતરી માહિતી મેળવવી મુશ્કેલ બની જાય છે. જોકે લોકોને આ વાતની માહિતી ન હોવાના કારણે ક્યારેક મોટી સમસ્યા સર્જાઈ જાય છે. હજી થોડા સમય પહેલાં તારાપોર ખાતે મધરાતે લોકોને વિચિત્ર વાસ આવતા તેઓ વિકીરણ ગળતરની બીકથી ગભરાઈ ગયા હતા અને દોડાદોડી થઈ ગઈ હતી. જોકે પાછળથી ખબર પડી હતી કે હકીકતમાં ગળતર નજીકના કેમિકલ પ્લાન્ટમાંથી થયું હતું અને એ ખાસ નુકસાનકારક નહોતું. આ વાતની ખબર પડી પછી જ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાયો હતો. વળી, વિકીરણની અસરથી અજાણ એવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આસપાસના રહેતા લોકો અસ્થમાંથી માંડીને બીજી અનેક નાની મોટી સમસ્યા માટે પ્લાન્ટ જે દોષી માને છે, પણ હકીકતમાં એવું નથી.
આમ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ગેરફાયદાથી અજાણ લોકો આજે પણ કોઈ જાતની પુર્વતૈયારી વગર ઇમરજન્સી એરિયામાં રહે છે અને આ વાત અત્યંત ચિંતાજનક છે.