ભારતમાં ભ્રષ્ટાચાર બદલ મંત્રીઓને તો ઠીક, અફસરોને કે બીજાં મોટાં માથાંને પણ સજા થાય એવું ભાગ્યે જ બને છે. તેના લીધે ન્યાયપ્રક્રિયામાંથી લોકોનો વિશ્વાસ ઓછો થતો જાય છે. એ સ્થિતિમાં કેરળના ભૂતપૂર્વ ઉર્જામંત્રી આર.બાલકૃષ્ણન્ પિલ્લાઇ અને તેમના બીજા બે સહયોગીઓને સર્વોચ્ચે અદાલતે ભ્રષ્ટાચારના ગુનામાં ફરમાવેલી એક વર્ષની સજા થોડી ખાસ ઉલ્લેખનીય છે.
અલબત્ત, ન્યાયપ્રક્રિયા તેના કુખ્યાત વિલંબિત લયમાં જ ચાલી છે. કેરળના ઇદમલયાર બંધનો બાંધકામ કોન્ટ્રાક્ટ આપતી વખતે ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠી હતી. બંધનો કોન્ટ્રાક્ટ અપાયો ૧૯૮૨માં, જ્યારે ભ્રષ્ટાચારના યાદગાર કિસ્સા જેવો બોફર્સકાંડ બહાર આવ્યો ન હતો. બાલકૃષ્ણન્ ત્યારે કેરળ રાજ્યના ઉર્જામંત્રી હતા. તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ ૧૯૯૧માં થઇ અને વીસ વર્ષ પછી અદાલતી ચુકાદામાં તેમને ભ્રષ્ટાચાર માટે દોષી ઠરાવવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ બે કરોડ રૃપિયાની લાંચ લઇને, કોન્ટ્રાક્ટરોેને બજારભાવ કરતાં ઊંચા ભાવે બંધ બાંધવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એ આરોપ આખરે પુરવાર થયો છે.
મંત્રી દ્વારા થયેલો બે કરોડ રૃપિયાનો ભ્રષ્ટાચાર ૨૦૧૧માં કોઇને હાસ્યાસ્પદ લાગી શકે. કારણ કે એ.રાજા જેવા મંત્રી અમુક હજાર કરોડ રૃપિયાના ભ્રષ્ટાચાર માટે ગવાઇ ગયા છે. છેલ્લાં પાંચેક વર્ષમાં કૌભાંડોમાં સંકળાયેલાં નાણાંની માત્રા વધીને અમુક લાખ કરોડ રૃપિયામાં પહોંચી છે. સામાન્ય માણસ આટલી મોટી રકમનો અંદાજ સુદ્ધાં ન બાંધી શકે. પરંતુ બાલકૃષ્ણન્ને સંડોવતો કેસ ૧૯૮૨નો હતો એ યાદ રાખવું પડે.
ન્યાયની પ્રક્રિયા આટલી ધીમી ચાલે તેનો શો અર્થ? અને આ જાતનો ન્યાય ગમે તેટલો સારો કે સાચો હોય તો પણ તેનાથી દાખલો બેસાડવાનો મૂળ આશય કેટલી હદે સિદ્ધ થાય, એ સવાલ ઉભો રહે છે. સતત પલટા લેતા રાજકીય પ્રવાહોમાં ૩૦ વર્ષ દરમિયાન કેટલું બધું બની શકે છે. આટલા લાંબા ગાળામાં આરોપી પોતે દુનિયામાંથી કૂચ કરી જાય એવું પણ બને. કેરળના ભ્રષ્ટાચાર કેસમાં ગુનેગાર ઠરેલા બાલકૃષ્ણન્ પિલ્લાઇ અત્યારે ૭૬ વર્ષના છે. કેરળમાં તેમણે કોંગ્રેસથી અલગ થઇને પોતાના નામે કોંગ્રેસ (બી) નામનો જુદો ચોકો રચ્યો છે. ચુકાદો આવ્યા પછી તેમણે રિવ્યુ પિટીશન કરવાની અનિચ્છા દર્શાવીને વળતો આરોપ કર્યો છે કે 'કેરળના મુખ્ય મંત્રી અચ્યુતનંદન પચીસ વર્ષથી મારી પાછળ પડયા છે. આ રાજકીય કિન્નાખોરી છે. હવે (મને સજા થવાથી) ભલે તે રાજી થાય..મારું અંતઃકરણ સાફ છે.'
અચ્યુતાનંદનને આ કિસ્સામાં અંગત રસ હતો અને વડી અદાલતના ચુકાદા સામે તેમણે પોતે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, એ ખરું. પરંતુ તેનાથી અદાલતી ફેંસલામાં સિદ્ધ થયેલી હકીકત બદલાઇ જતી નથી. શાણી વાતો કરવામાં નેતાઓને કોણ પહોંચે? સર્વોચ્ચ અદાલતે જેમને આટલા લાંબા ગાળા પછી કસૂરવાર ઠેરવ્યા હોય, એવા નેતાનું 'સાફ અંતઃકરણ' પ્રજાને શા કામનું, એવો સવાલ સહજ થવો જોઇએ. આ કેસનો ચુકાદો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે એવી પણ ટીપ્પણી કરી હતી કે રાજકીય નેતાઓને સાંકળતા ભ્રષ્ટાચારના કેસનું પ્રમાણ દેશમાં ઘણું વધી ગયું છે અને તે અનંત કાળ સુધી લંબાયા કરે છે. એવા કેસનો ઝડપી નિકાલ કરવાનું સર્વોચ્ચ અદાલતે બીજી અદાલતોને સૂચવ્યું છે. પરંતુ સરકારી તપાસની ઢીલાશથી માંડીને અદાલતોમાં થયેલો કેસનો ભરાવો જોતાં, સર્વોચ્ચ અદાલતનો આશાવાદ ફળે એવું લાગતું નથી.
ખાસ ગુનો, ખાસ અદાલત
'ઇસરો'ના સ્પેક્ટ્રમ સોદાના પગલે જેને 'અસલી સ્પેક્ટ્રમ કૌભાંડ' કહેવું પડે તે ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ હવે કાનૂની પ્રક્રિયાના હવાલે છે. સી.બી.આઇ. તેની તપાસ કરી રહી છે અને સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે તેના સિવાય બીજી કોઇ અદાલત સી.બી.આઇ.ના કામમાં દખલગીરી કરી શકશે નહીં. સાથોસાથ, અદાલતે ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડના આટાપાટાની તપાસ કરવા માટે એક ખાસ અદાલત રચવાનું સૂચવ્યું છે અને એ સૂચન અંગે કેન્દ્ર સરકારનો પ્રતિભાવ માગ્યો છે.
સ્પેક્ટ્રમ કૌભાંડના અસલી લાભાર્થીઓ કોણ છે અને આખું કાવતરું શું હતું, એ શોધી કાઢવા માટે સર્વોચ્ચ અદાલતે સીબીઆઇને જણાવ્યું હતું. સીબીઆઇએ આ મુદ્દે પોતાનો અહેવાલ બંધ કવરમાં સર્વોચ્ચ અદાલતને સુપ્રત કર્યો છે અને ૩૧ માર્ચ સુધીમાં તે ૨-જી કૌભાંડ કેસનું ચાર્જશીટ રજૂ કરશે એમ પણ જણાવ્યું છે. દરમિયાન, ૧ માર્ચના રોજ સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થશે ત્યારે સરકાર વતી એટર્ની જનરલ વહાણવટી ખાસ અદાલત રચવા અંગે સરકારનો જવાબ અદાલતને જણાવશે. સરકારનો જવાબ જે હોય તે, પણ છેલ્લા થોડા સમયમાં જે રીતે અને જે માત્રામાં મોટી રકમનાં કૌભાંડ એક પછી એક બહાર આવી રહ્યાં છે, એ જોતાં દરેક કૌભાંડ દીઠ એક એક ખાસ અદાલત ખોલવાની નોબત આવે તો નવાઇ નહીં.