'ગઇ કાલ સુધી કરાંચીના આ વિસ્તારોમાં સાંજે ઝળહળાટ જોવા મળતો. વિદેશી કાર્સ, ફોરેન એજ્યુકેટેડ દોસ્તોની મહેફિલ, પાર્ટીઓ અને વિવિધ પરફ્યૂમ્સનો મઘમઘાટ...આજે ત્યાં સાંજ પડે ઘોર અંધકાર છવાઇ જાય છે. મોટા ભાગના હવેલીનુમા બંગલા ખાલી થઇ ચૂક્યા છે. એના બાશિંદાઓ સલામત સ્થળોએ શીફ્ટ થઇ ચૂક્યા છે. રોજરોજના હિંસા અને રક્તપાતથી એ લોકો કંટાળ્યા હતા. આખરે માદરે વતનને અલવિદા કહીને ચાલ્યા ગયા...' પાકિસ્તાનના સૌથી લોકપ્રિય કટારલેખકોમાં જેમની ગણના થાય છે એવા કામરાન શફીએ ગયા સપ્તાહે લખ્યું હતું. પૈસે ટકે સુખી લોકો તો કેનેડા, ઇંગ્લેંડ, મલેશિયા કે દૂબઇ ચાલ્યા ગયા. ગઇ કાલ સુધી ઉદારમતવાદી ગણાતા કરાંચી શહેરનું ધીમે ધીમે તાલિબાનાઇઝેશન થઇ ગયું છે. આમ આદમીની સાથોસાથ ઇસ્લામના જગવિખ્યાત સ્કોલર મનાતા અલ્લામા જાવેદ અહમદ ઘમીદી પણ લાગ જોઇને પાકિસ્તાન છોડી ગયા. એમને પણ ઇસ્લામનો સાચો અર્થ સમજાવવા બદલ જાન લેવાની ધમકી મળી હતી.
માણસ વેપાર-ધંધા કે આર્થિક પ્રગતિ માટે સ્થળાંતર કરી જાય એ સમજી શકાય. પાકિસ્તાનમાં ઊલટું બની રહ્યું છે. લોકો પોતાના જાનમાલની સલામતી માટે અહીંથી નીકળી રહ્યા છે. કહેવાતી સરકાર લોકોના રક્ષણ માટે કશું કરતી નથી. બિનજરૃરી હિંસા રોજની થઇ પડી છે. અપહરણ, જોરતલબીથી પૈસા કઢાવવા, પૈસા મળી ગયા પછી પણ ઘણીવાર માત્ર સ્થાનિક લોકો પર ધાક બેસાડવા અપહૃત વ્યક્તિની હત્યા, ધોળે દિવસે લૂંટફાટ અને ધર્મનિંદા (બ્લાસફેમીના) નામે લઘુમતી પ્રજાની વધી રહેલી કનડગત- પાકિસ્તાનના સિનિયર પત્રકારો અને સમીક્ષકો માને છે કે પાકિસ્તાન નરી અરાજકતા અને સિવિલ વૉર (આંતરવિગ્રહ) તરફ ઘસડાઇ રહ્યું છે. જેમના હાથમાં જીવલેણ હથિયારો છે એ લોકો મજહબના નામે લોહી વહાવી રહ્યા છે.
હિન્દુ અને ખ્રિસ્તી લોકોની સાથોસાથ લઘુમતી ગણાતા અહમદિયા લોકો પણ તક મળ્યે દેશ છોડી જઇ રહ્યા છે. એજ રીતે અપહરણ અને લૂંટફાટનો ભોગ બની રહેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ સ્વેચ્છાએ દેશવટો અપનાવી રહ્યા છે. પંજાબના ગવર્નર સલમાન તાસીરની હત્યા પછી મોટા ભાગના લઘુમતી લોકો હતાશા અનુભવે છે. બ્રિટિશ કોમનવેલ્થ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશનના મોનીસા હાશમી અને પાકિસ્તાનમાં લશ્કરી ભ્રષ્ટાચાર વિશે સનસનીખેજ પુસ્તક લખનારા આયેશા સિદ્દીકી જેવા લોકો કહે છે કે હવે ઉદારમતવાદી બની રહેવું જોખમી બનતું જાય છે. એમાં સીધું જાનનું જોખમ રહે છે. અદનાન રહમત નામના સિનિયર પત્રકાર તો અફસોસ વ્યક્ત કરતાં કહે છે કે ૧૯૬૦ અને '૭૦ ના દાયકામાં તો અહીંના ઘણા વિસ્તારોમાં રમઝાનના પાક મહિનામાં રોજ સાંજે તમે સાડીધારી અને પંજાબી કમીઝ-સલવારમાં સજ્જ હિન્દુ ગૃહિણીઓને રેસ્ટોરાંમાં વિવિધ વાનગી માણતી જોઇ શકાતી. દાઢી અને બૂરખાધારી લોકો તો ભાગ્યેજ જોવા મળતા. ઉન સબ કો કિસી કી બૂરી નજર લગ ગઇ...કહાં ગયે વો દિન ?
સલમાન તાસીરની તુલનાએ એના હત્યારાને વધુ શાબાશી મળી. ફેસબુક અને ઇન્ટરનેટ પર સૌથી વધુ અભિનંદન મૂમતાઝ કાદરીને મળ્યા, એ હકીકત પાકિસ્તાનના બૌદ્ધિકો માટે ચિંતાનો વિષય છે. લાહોર યુનિવર્સિટીના મેનેજમેન્ટ સાયન્સીઝના વડા ડૉક્ટર રસુલ બક્ષ રૈસે કહ્યું કે આ લોકો હાથમાં હથિયાર રાખીને ધર્મની વાત કરી રહ્યા છે. ઇસ્લામ તો શાંતિનો મજહબ છે. મજહબની વાતમાં હથિયાર ક્યાંથી ઘુસી ગયા ?શેરીઓમાં હજારો લોકોને ભેગાં કરીને મજહબના નામે તેમના દિમાગમાં ઝેર રેડવામાં આવે છે. ટોળાની માનસિકતા (મૉબ સાયકોલોજી)નો ગેરલાભ ઊઠાવાઇ રહ્યો છે. આ વાતને બીજી રીતે રજૂ કરતાં 'ધ ન્યૂઝલાઇન' સામયિકના તંત્રી રેહાના હકીમ કહે, એમની પાસે લેટેસ્ટ મશીનગન છે, અમારી પાસે કશું નથી. એ લોકો મજહબના નામે જાંફેસાની કરવા તત્પર છે, અમારે કૂતરાના મોતે મરવું નથી. એમને શહીદ થઇને જન્નત મેળવવું છે, અમે તો અહીં જ શાંતિથી જીવવા ઉત્સુક છીએ. પરંતુ આ લોકોને શાંતિ ખપતી નથી.
આતંકવાદીઓએ પાકિસ્તાનની સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સરકાર એટલી બધી નબળી અને લશ્કરના ખૌફ હેઠળ જીવતી છે કે આ પડકાર ઝીલી લેવાની તેની ઇચ્છા કે તૈયારી બંનેમાંથી કશું નથી. સમાજ કેળવણીથી બદલે છે. સરકારે મુલ્ક આખામાં એક અભ્યાસક્રમ દાખલ કરવો જોઇએ. એને બદલે અહીં તો મુલ્લા-મૌલવીઓ કહે એમ ભણાવાય છે. જે મુલ્લાઓ પોતે કુર્રાને શરીફ કે હજરત મોહમ્મદ પયગંબર (સ.અ.વ.)ની હદીસોને પૂરી સમજ્યા નથી એ લોકો ઊગતી પેઢીના બચ્ચાંઓને શું ભણાવવાના હતા, પ્રખર સમાજશાસ્ત્રી ડૉક્ટર દુશ્કા સૈયદ નિસાસો નાખતાં કહે છે. યહાં કલ ક્યા હોગા કોઇ નહીં જાનતા...