મુંબઇ - મહારાષ્ટ્રના પરિવહન ખાતાએ કારના રજિસ્ટ્રેશન નંબરોની પોર્ટેબિલિટીની સુવિધા શરૃ કરવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધા હેઠળ વ્યક્તિ તેની નવી કાર માટે તેની જૂની કારના નંબરનો ઉપયોગ કરી શકશે. જોકે આ માટે તેણે નાણાં ચૂકવવાં પડશે.
જૂનો નંબર જાળવી રાખવાની સુવિધા માટે અમે કારમાલિક પાસેથી વન-ટાઇમ પ્રીમિયમ લઇશું એમ રાજ્યના પરિવહન કમિશનર દિલીપ જાધવે કહ્યું હતું. આરટીઓ, મુંબઈના વર્તુળોએ જણાવ્યું હતું કે આ માટે રૃા. ૧૦ હજાર લેવામાં આવશે. કારને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવશે તો જૂનો નંબર જાળવી શકાશે નહીં. આ સંદર્ભે જાધવે ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રમાં કારમાલિક લાઇફટાઇમ જૂના નંબરનો ઉપયોગ કરી શકશે. ભલે પછી તે તેની કાર બદલ્યા કરે. આ સુવિધા પૂરી પાડવામાં મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં સૌ પ્રથમ છે.
વાહન માલિકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. એક કારમાલિકે કહ્યું હતું કે આજકાલ દર મહિને કારનાં નવા મોડેલ બજારમાં આવતાં હોવા સાથે લોકો તેમની કાર બદલતા રહે છે. કેટલાક કારમાલિકોને ચોક્કસ રજિસ્ટ્રેશન નંબર માટે લાગણીભર્યું વળગણ હોય છે. પરિવહન ખાતાના આ નિર્ણયથી તેઓ ખુશ થશે.
આ સુવિધાથી નોંધપાત્ર પ્રમાણમાં નાણાકીય આવક થવાની પરિવહન ખાતાને ધારણા છે.
જાધવે કહ્યું હતું કે કેટલા લોકો આ સુવિધાનો લાભ લે છે તે અમારે જોવું પડશે. આ સુવિધાને કારણે સમગ્ર રાજ્યમાંથી લાખો રૃપિયાની આવક થવાની અમને આશા છે. ગયા વર્ષે અનેક લોકોએ અને મુખ્યત્વે વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ફેરારી અને રેન્જ રોવર જેવાં વાહનો ખરીદ્યાં તેથી રાજ્યભરની આરટીઓને નોંધપાત્ર પ્રમાણમાં આવક થઈ હતી. દિવાળીના તહેવારો દરમિયાન આરટીઓ, મુંબઈને રૃા. ૬૦ કરોડની વિક્રમજનક આવક થઈ હતી. આમાંની ૫૦ ટકાથી વધુ આવક મુંબઈના ત્રણ આરટીઓ પૈકી અંધેરી આરટીઓની હતી.