મુંબઈ, તા.૧૨
ભારતમાં દર કલાકે ૧૫ લોકો આત્મહત્યા કરે છે. આમાંના દર ત્રણ જણાએ એક ૧૫થી ૨૯ વર્ષની વય સુધીનો હોય છે. સૌથી ખરાબ બાબત તો એ છે કે દેશમાં વર્ષે એક લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે તે પૈકીના ૨૫ ટકા લોકો પારિવારીક કારણોસર આયખુ ટૂંકાવે છે. એમ તાજેતરમાં જારી કરાયેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડઝ બ્યુરો (એનસીઆરબી)ના ૨૦૦૯ના અહેવાલમાં જણાવાયું છે.
દર ત્રણ જણાએ એક યુવાન, તો દર પાંચ આત્મહત્યાએ એક ગૃહિણી જીવન ટૂંકાવે છે
એનસીઆરબીના આંકડા દર્શાવે છે કે દેશભરમાં રોજ ૨૨૩ પુરુષો આત્મહત્યાનું અંતિમ પગલું ભરે છે. જ્યારે ૧૨૫ મહિલાઓ રોજ મોતને વ્હાલું કરે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ પૈકીની ૬૯ મહિલાઓ ગૃહિણી હોય છે.
વરિષ્ઠ નાગરિકોની આત્મહત્યાના કિસ્સાઓની દ્રષ્ટિએ કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સંવેદનશીલ રાજ્યો તરીકે ઉભરી આવ્યાં છે. આ રાજ્યોમાં આત્મહત્યા કરનારા લોકોમાં ૫૪.૭ ટકા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના હોવાનું માલુમ પડયું છે. ૧૧.૨ ટકા વૃધ્ધોએ મોતને આમંત્રણ આપ્યું હોવાના આંક સાથે મહારાષ્ટ્ર આ રાજ્યોમાં ત્રીજા ક્રમે છે.
અહેવાલમાં જણાવાયું છે કે મોતને બાથ ભરતા ૨૯ વર્ષની વય સુધીના લોકો બેરોજગારી, પરીક્ષામાં નિષ્ફળતા, ગરીબી અને દહેજના કંકાસને કારણે આવું પગલું ભરે છે. રોજ ગરીબીને કારણે આઠ, નાદાર બનવાને પગલે નવ તથા બેરોજગારીને લીધે સાત ભારતીયો જીવનને ટૂંકાવે છે. બેરોજગારી તથા વ્યવસાય કે કારકિર્દીની સમસ્યાને કારણે કરવામાં આવતી આત્મહત્યાની સંખ્યામાં અનુક્રમે ૧૮.૮ ટકા અને ૧૫.૧ ટકાનો વધારો થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
એ બાબતની નોંધ લેવી ખરેખર ખેદજનક છે કે ગૃહિણીઓ આટલી મોટી સંખ્યામાં આપઘાતને માર્ગે જાય છે. દર પાંચ આત્મહત્યાએ એક આત્મહત્યા ગૃહિણીની હોય છે. ૨૦૦૯માં આત્મહત્યાના સૌથી વધુ કિસ્સો બેંગલોરમાં (૨,૧૬૦) નોંધાયા હતા. તે પછીના ક્રમે ૧,૪૧૨ના આંક સાથે ચેન્નઈ, ૧,૨૧૫નાં આંક સાથે દિલ્હી અને ૧,૦૫૧ની સંખ્યા સાથે મુંબઈ હતાં. યોગાનુયોગ, દેશમાં આત્મહત્યાનો સૌથી ઓછો દર કોલકાતાનો છે.