| Last Update : 14-Feb-2011, Monday |
|
|
|
|
|
|
| સેલવાસના કુડાચાના કવોરી માલિક પાસે ભાજપ કાર્યકરે ખંડણી માગી |
| |
| વાપી, શનિવાર
સેલવાસ નજીકના કુડાચાગામે આવેલી ક્વોરીના માલિક પાસે કહેવાતા ભાજપના એક કાર્યકરે કામકાજ ચાલુ રાખવા દર મહિને પોતાને રૃ.૨ લાખ અને મહિલાઓને ત્રણ-ત્રણ હજારની રકમ ચુકવવા માંગ કરી હતી. ગઈકાલે ક્વોરીથી ૨૦૦ થી ૩૦૦ મીટરના અંતરે આવેલા મુખ્ય માર્ગ ઉપર મહિલાઓએ ખાડા ખોદી નાખ્યા હતાં. ક્વોરી માલિકે ભાજપના કાર્યકર અને મહિલા સહિત ૨૦ થી વધુ વ્યકિતઓ વિરુધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
શંકર પટેલે ધમકી આપી કે કવોરી ચલાવવી હોય તો મને ૨ લાખ અને ૩૦ થી ૩૫ મહિલાઓને મહિને ૩-૩ હજારનો હપ્તો આપવો પડશે
પ્રાપ્ત અને પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ સેલવાસ નજીકના કુડાચાગામે નટવરસિંહ ચૌહાણ (મારુતી) ની જયબજરંગ સ્ટોન ક્વોરી સન-૧૯૮૪ થી કાર્યરત છે. કુડાચાગામે રહેતા અને કહેવાતા ભાજપના કાર્યકર શંકર વી. પટેલે ક્વોરી માલિકને કામકાજ ચાલુ રાખવું હોય તો ખંડણી આપવા માંગ કરી હતી. જોકે આ મામલે જેતે સમયે ક્વોરી માલિકે રકમ આપી મામલો શાંત પાડી દીધો હતો. બાદમાં ઘણા દિવસોથી શંકર પટેલે ક્વોરી માલિકને પોતાને દર મહિને રૃા.૨ લાખ અને ૩૦ થી ૩૫ મહિલાઓને ત્રણ-ત્રણ હજાર રૃપિયાનો હપ્તો ચુકવવાની માંગણી કરી હતી. પણ ક્વોરી માલિકે પોતાની ક્વારીમાં કાયદેસરની કામગીરી ચાલતી હોવાથી હપ્તાની રકમ ચુકાવવા ઈન્કાર કર્યો હતો.
ગઈકાલે શુક્રવારે ગામની ૨૦ થી ૨૫ મહિલાઓએ ક્વોરીથી લગભગ ૨૦૦ થી ૩૦૦ કિ.મી.ના અંતરે આવેલા ગ્રામપંચાયત હસ્તકના મુખ્યમાર્ગ ઉપર ખાડા ખોદી દેતા ક્વોરીમાંથી આવા-ગમન કરતા વાહનોને મુશ્કેલી ઉભીથઈ હતી. જોકે સરકારી રસ્તાને નુકસાન કરનારાઓ સામે કાયદેસરના પગલા ભરવા ગ્રામ પંચાયતે સેલવાસ પોલીસને લેખિતમાં રાવ કરી છે.
જ્યારે ક્વોરી માલિક નટરવસિંહ ચૌહાણે ખંડણીની માંગણી કરનારા શંકર પટેલ તથા મહિલા સહિત ૨૦ થી વધુ વ્યકિતઓ વિરુધ્ધ સેલવાસ પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીમાં છેલ્લા ઘણા લાંબા સમયથી રાજકીય ઓથા હેઠળ રાજકીય આગેવાનો અને કાર્યકરો ઉદ્યોગપતિ સહિતના લોકો પાસે ખંડણી ઉઘરાવતા હોવાના અગાઉ પણ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
છતાં પણ પોલીસ વિભાગ દ્વારા ખંડણીખોરો સામે કોઈ નક્કર પગલા નહીં ભરાતા ખંડણીખોરોને મોકળુ મેદાન મળી રહ્યું છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|