| Last Update : 14-Feb-2011, Monday |
|
|
|
|
|
|
| સ્પેક્ટ્રમકાંડમાં અનેક મોટાં માથાં ફસાવાનો સંકેત |
| CBIએ તપાસનો વ્યાપ વિસ્તાર્યોઃ શાહિદ બાલવાના ડોન દાઉદ સાથેના સંબંધોમાં તપાસ થશેઃ કેટલાક નેતાઓ, અમલદારો પર પણ નજર |
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૨
દેશભરમાં ભારે ચર્ચા જગાવનારા ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઇએ તેની તપાસને વિસ્તારી છે. જેના કારણે હવે ટોચના અનેક અધિકારીઓ પર પણ તવાઈ આવે તેવી શક્યતા છે. એમ મનાય છે કે ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજાની મહેરબાનીથી ટુ-જી સ્પેક્ટ્રમનું લાયસન્સ મેળવનારી સ્પાન ટેલિકોમના અનિલ અંબાણીની કંપનીના મૂડીરોકાણ અંગે પણ સીબીઆઇ તપાસ કરે તેવી શક્યતા છે.
ટુ-જી સ્પેક્ટ્રમના મુદ્દે ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા ઉપરાંત અનેક રાજકારણીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પર આફત આવવાના અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડમાં ધરપકડ કરાયેલા ડી.બી. રિયાલીટીના શાહિદ બાલવાનો સંબંધ અન્ડરવર્લ્ડ અન્ડર વર્લ્ડના ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે પણ સીબીઆઇ તપાસ કરવા માંડી છે.
નવી દિલ્હી ખાતે સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની બેંચના વલણ બાદ સીબીઆઇએ તપાસનો વિસ્તાર વધારી દીધો છે અને અન્ય ક્ષેત્રોની કેટલીક હસ્તીઓની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે. બાલ્વાની કંપનીમાં કોના કોના પૈસા લાગેલા છે અને કોના ઇશારે આ કંપનીને લાભ અપાયો તેની તપાસ માટે રાજા અને બાલ્વાને સામસામે પણ લાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાલવાના વિમાન મારફતે દુબઈ જનારા લોકોની માહિતી પણ મેળવાઈ રહી છે. ચોથીવાર પૂછપરછ બાદ રાજાને ગઈ બીજી ફેબુ્રઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇ તેમજ એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા આ મુદ્દે ગયા ગુરૃવારે પ્રગતિ અહેવાલ સોંપાયા પછી હાઇકોર્ટના ન્યાયાધીશ જી. એસ. સિંઘવી તથા ન્યાયમૂર્તિ એ. કે. ગાંગુલીની બેન્ચે આ મુદ્દે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં સંડોવાયેલી તમામ હસ્તીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે બેંચે આ મામલે સુનાવણી માટે વિશેષ અદાલતની રચના કરવાની સલાહ પણ આપી હતી. આ ઉપરાંત ચેતવણી સમાન હતી કે અન્ય કોઈ અદાલત ટુ-જી સ્પેક્ટ્રમ કેસમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નહી કરે.
ઉલ્લેખનીય છે કે ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં રૃા. ૧.૭૬ લાખ કરોડનો ગોટાળો પ્રકાશમાં આવ્યા બાદ સીબીઆઇએ ઓક્ટોબર ૨૦૦૯માં અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ ૮મી ડિસેમ્બરના રોજ સીબીઆઇએ દેશભરમાં ૩૪ સ્થળે દરોડા પાડયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ સીબીઆઈએ રજૂ કર્યા બાદ, સુપ્રીમ કોર્ટે આ કેસની ટ્રાયલ માટે અલગ કોર્ટ સ્થાપવા સરકારને નિર્દેશ આપ્યો હતો, તથા સ્પેક્ટ્રમ ફાળવણીમાં મોટાપાયે લાભ મેળવનાર કોર્પોરેટ કંપનીઓની તપાસ કરવા સીબીઆઈને આદેશ આપ્યો હતો. સુપ્રીમે સસ્તા દરે સ્પેક્ટ્રમની લ્હાણીનો લાભ મેળવનાર કોર્પોરેટ માંધાતાઓ મીલિયોનેર હોય કે પછી ફોર્બ્સની યાદીમાં સ્થાન ધરાવતા હોય, તેમની શેહશરમ રાખ્યા વિના તપાસ કરવા સીબીઆઈને છુટો દોર આપ્યો હતો. સીબીઆઈએ આજે રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં મોટા કોર્પોરેટ હાઉસ અને તેમના અધિકારીઓના નામનો ઉલ્લેખ છે. બેન્ચે જો કે આ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરોને સમન્સ નહિ પાઠવવા બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ટુ-જી સ્પેક્ટ્રમની તપાસમાં સીબીઆઈને છુટો દોર આપતા સુપ્રીમ કોર્ટે ચોક્કસ સમયમર્યાદામાં પરિણામ આવે એ હેતુસર આ કેસની ટ્રાયલ માટે ખાસ કોર્ટ રચવા સરકારને જણાવ્યું હતું. સીબીઆઈ અને ઈડી દ્વારા રજૂ કરાયેલો અહેવાલ સ્વીકારતા બેન્ચે આ કેસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સરકારને જણાવ્યું હતું. બેન્ચે જણાવ્યું હતું કે 'તપાસના પ્રારંભિક તારણો મુજબ ધરપકડ કરાયેલી ચાર વ્યક્તિઓ (ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ.રાજા સહિત) કસૂરવાર છે, પણ કૌભાંડના લાભાર્થીઓનું શું ?'
જસ્ટીસ જી.એસ.સિંઘવી અને જસ્ટીસ એ.કે.ગાંગુલીની બેન્ચ સમક્ષ એટર્ની જનરલ જી.ઈ.વહાણવટીએ ખાતરી આપી હતી કે સરકાર સાથે ચર્ચા કર્યા બાદ તેઓ બે અઠવાડિયામાં કોર્ટને નિર્ણયની જાણ કરશે. બેન્ચે તપાસ એજન્સીને કૌભાંડમાં મોટી કંપનીઓ અને સરકારી અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવા જણાવ્યું હતું. સ્પેક્ટ્રમ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર સ્વૈચ્છિક સંસ્થાના વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે સીબીઆઈએ સ્વાન ટેકનોલોજી સહિતની વિવિધ કંપનીઓના વડાની પૂછપરછ કરી નથી.
સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીની સ્વતંત્રતામાં કાપ મૂકી શકાય નહિ એમ જણાવતા કહ્યું હતું કે સીબીઆઈએ ધરપકડ કરાયેલી ચાર વ્યક્તિઓ ઉપરાંત પણ તપાસ આગળ વધારવી જોઈએ, એટલું જ નહિ સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસને અસર પહોંચે નહિ એ માટે બેન્ચે અન્ય કોઈપણ કોર્ટને આ કેસના સંદર્ભમાં કોઈ ચુકાદો નહિ આપવાનો આદેશ આપ્યો છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|